ગાંધીનગર, 19 મે: 16 મી લોકસભાના નીર્માણ માટે દેશમાં સામાન્ય ચૂંટણી પૂરી થઇ અને તેના ઐતિહાસિક પરિણામો દેશની જનતાએ આપ્યા. આઝાદી બાદ સતત દેશની સૌથી મોટી પાર્ટી તરીકે સત્તામાં બની રહેલી કોંગ્રેસ પાર્ટીને દેશની જનતાએ પહેલીવાર એટલી બેઠકો પણ ના આપી કે તે સંવેધાનિક રીતે વિપક્ષમાં બેસી શકે. દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે વિપક્ષ પણ ગઠબંધનથી બનશે. દેશની જનતાએ આવો ચૂકાદો પહેલીવાર આપ્યો જેની સાથે જ મોદી વિરોધીઓના મોઢે જાણે કે તાળા વાગી ગયા. એટલું જ નહીં જે લોકો મોદીની વિરોધમાં બોલતા હતા તેઓ હવે મોદીને આવકારી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિપક્ષ અને વિરોધીઓ દ્વારા ત્યારથી જ ઘેરવાની કોશીશમાં લાગ્યા હતા જ્યારે તેમને ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા. વિપક્ષ દ્વારા મોદીને ઘેરવા માટે માત્ર એક જ મુદ્દો હતો અને તે હતો 2002ના રમખાણો. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ આ મુદ્દાને વારંવાર સાંભળીને કંટાળી ગઇ હતી, અને એવી રીતે લોકસભાની ચૂંટણીમાં પણ બન્યું. ભાજપે મોદીના જોરે ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનમાં ક્લિન સ્વિપ કર્યું. ભાજપે પોતાના જોરે 282 બેઠકો પર ભગવો લહેરાવ્યો અને આ આંકડો સાથીદળો સાથે 334 સુધી પહોંચ્યો છે.
જોકે ચૂંટણી દરમિયાન જ મોદીના ભાષણોની અસર દેશ-વિદેશોમાં થવા લાગી હતી, સૌથી વધારે તો પાકિસ્તાનમાં. હજી તો પરિણામ આવ્યા ન્હોતા અને પાકિસ્તાનના જનરલ તરફથી, હાફિઝ સઇદ તરફથી મોદી પર ટિપ્પણીઓ આવવા લાગી હતી. એ જોઇને એવું કહી શકાય કે દેશને મોદી જેવા બળવાન વડાપ્રધાનની ખરેખર જરૂર છે. જોકે હવે તો એ સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી જ દેશના 16માં વડાપ્રધાન બનશે. પરંતુ આ સ્પષ્ટતાની સાથે જ દેશ-વિદેશની રાજનીતિમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. હિન્દીમાં એક કહેવત છે કે 'અબ આયા ઊંટ પહાડ કે નીચે..' એવી જ રીતે એવા ઘણા 'ઊંટ' છે જે હવે મોદી નામના પહાડની નીચે આવ્યા છે, જેમનો અહંકાર દેશની જનતાએ ચૂરચૂર કરી દીધો છે.
આવો જોઇએ એ કોણ છે જેમને જનતાએ ઝૂકાવ્યા મોદી સામે..

અમેરિકાએ ઝૂકવું પડ્યુ મોદી સામે
છેક 2002થી નરેન્દ્ર મોદીને યુએસના વિઝા આપવા માટે ટલ્લાવતું અમેરિકા લોકસભાની ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ મોદી સામે ઝૂકી ગયું છે. અમેરિકાએ તુરંત નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા માટે નિમંત્રણ પાઠવી દીધું હતું. પરંતુ મોદી અમેરિકા જશે કે કેમ તેની પર સવાલ છે.

નીતિશ કુમારનો અહંકાર તૂટ્યો
ભાજપે જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા, જ્યારે મોદીના નામ પર વાંધો ઊઠાવીને જેડીયૂના નેતા અને બિહારના તત્કાલિન મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએમાંથી અલગ થઇ ગયા. જોકે જનતાએ ફેંસલો કર્યો અને જેડીયૂને આ વખતે માત્ર 2 બેઠકો મળી. શરમજનક હારની જવાબદારી સ્વીકારી નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું.

ઐતિહાસિક માત
કોંગ્રેસને આ વખતે ભાજપે પોતાના યોદ્ધા મોદી દ્વારા એવી માત આપી કે ઇતિહાસ રચી નાખ્યો. ભાજપે ગુજરાત, દિલ્હી, રાજસ્થાનમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા. અહીં સુધી ઉત્તર પ્રદેશમાં તેમને માત્ર બે જ બેઠકો મળી, જેમાં રાયબરેલીથી સોનિયા ગાંધી અને અમેઠીથી રાહુલ ગાંધીનો જીત થયો છે. મોદીની સુનામીમાં કોંગ્રેસ આ વખતે એવી તો તણાઇ કે લોકસભામાં વિપક્ષ તરીકે બેસવા માટે પણ તેમણે ગઠબંધન કરવું પડી રહ્યું છે.

લાલુની ફાનસ ઓલવાઇ ગઇ
લાલુની પાર્ટીને પણ આ ચૂંટણીમાં લોકોએ નકારી કાઢી હતી. જોકે લાલુને કોઇ નુકસાન પણ નથી થયું અને કોઇ ફાયદો પણ નથી થયો. લાલુને એવી આશા હતી કે આ વખતે લોકો તેમને સ્વીકારશે. અને મોદીનો તેમણે ભરપૂર વિરોધ કર્યો અને તેમને સમર્થન આપવાની પણ ના જ કહી દીધી હતી. જોકે તંગડી ઊંચી રાખતા લાલુએ એવું કહ્યું કે હું મોદીને શુભેચ્છા નહી આપું.

અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ મોદીની લહેરમાં તણાઇ ગયા. વારાણસી, અમેઠી જેવી મોટી બેઠકો પર જીતવાનો દાવો કરતા આપના નેતાઓ ભોય ભેગા થઇ ગયા. મોદીના વિરોધમાં તેમણે ખૂબ જ પ્રચાર કર્યો પરંતુ દેશની જનતા પર તેની કોઇ અસરના થઇ.

કપિલ સિબ્બલ
કપિલ સિબ્બલ ચૂંટણી દરમિયાન મોદીને સ્નૂપગેટની તપાસમાં ફસાવવા નીકળ્યા હતા. જોકે તેઓ તપાસ પણ ના કરાવી શક્યા અને ઉલટાનું ચાદની ચોક બેઠક પર ભૂંડી હારનો સામનો કરવો પડ્યો.

દિગ્વિજય સિંહ, કોંગ્રેસ મહાસચિવ
દિગ્વિજય સિંહ પણ મોદીના કટ્ટર વિરોધી રહ્યા છે. મોદીએ જ્યારે પોતાના ઉમેદવારી ફોર્મમાં પત્ની તરીકે જશોદાબેનનું નામ લખ્યું ત્યારે તેમણે ખૂબ જ વાંધો ઊઠાવ્યો હતો કે મોદીએ પોતાની પત્નીને અધિકાર નથી આપ્યો દેશની સ્ત્રીઓને શું આપશે. બાદમાં એક જાણીતી પત્રકાર સાથે તેમનું લફરુ બહાર આવ્યું. ત્યારે પણ તેમણે મોદી પર પ્રહાર કર્યો કે હું કાયર નથી કે મારા સંબંધો છૂપાવું. જોકે કોંગ્રેસને કરારી હાર મળતા તેમના મોઢે તાળા વાગી ગયા છે.

મણિશંકર અય્યર
મણિશંકર અય્યરે કોંગ્રેસની બેઠકમાં એવું કહ્યું હતું કે મોદીને ચા વેચવી હોય તો અહી આવીને વેચે. એમ કહીને તેમણે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારનું અપમાન કર્યું હતું. જોકે મોદીએ તેનો હકારાત્મક રીતે ઉપયોગ કર્યો અને બેઠકમાં પોતાના કાર્યકરોને ચા કિટલી લઇને ચા આપવા મોકલી દીધા. જોકે ચૂંટણી પરિણામો પછી મણિશંકર અય્યર પણ કદાચ જમીન પર આવ્યા હશે.

આઝમ ખાન, સમાજવાદી પાર્ટી
આઝમ ખાનને મોદીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. આઝમ ખાન છેક સુધી મોદી પર પ્રહારો કરતા રહ્યા. તેમણે મોદીને કૂતરાના મોટાભાઇ પણ કહી નાખ્યા. આઝમ ખાનની કડવી વાણી અને મુસ્લિમ નીતિમાં નહી ફસાતા ઉત્તર પ્રદેશની જનતાએ મોદીને ભારે સમર્થન આપ્યું.

ફારુક અબ્દુલ્લા
જમ્મુ એન્ડ કશ્મીર નેશનલ કોન્ફ્રેન્સ પાર્ટીના નેતા ફારુક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમાર અબ્દુલ્લાએ મોદી વિરુધ્ધ જમ્મુ-કાશ્મીર ખૂબ જ ઝેર ઓક્યૂ પરંતુ ઘાટીની જનતાએ ફારુક અબ્દુલ્લાની પાર્ટીને ઐતિહાસિક રીતે નકારી કાઢી હતી અને તેને એક પણ બેઠક મળી નથી.

ઇમરાન મસૂદ
કોંગ્રેસ પાર્ટીના સાહરનપૂરથી ઉમેદ ઇમરાન મસૂદે એવી ટિપ્પણી કરી હતી કે નરેન્દ્ર મોદી અહી આવશે તો તેની બોટી-બોટી કરી નાખીશ. પરંતુ ત્યાની જનતા હિન્દુ-મુસ્લિમના દાવમાં ના પડીને ચોખ્ખી બહુમતીથી ભાજપના ઉમેદવારને જીતાડ્યો છે, અને મસૂદને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે.

પહેલવાની કામ ના લાગી
ઉત્તર પ્રદેશની સત્તારૂઢ પાર્ટી સમાજવાદી પાર્ટીને પણ આ વખતે મોદીના વહેણના કારણે ભારે નુકસાની ભોગવવી પડી છે. સમાજવાદી પાર્ટીને માત્ર 5 બેઠકો પરથી જ વિજય મળ્યો છે.