For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની પાસે છે વોટ ઝાડ પર ઉગાડવાની ફોર્મ્યુલા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 નવેમ્બર : ગુજરાતમાં સફળતાપૂર્વક શાસનના 11 વર્ષ પૂરા કરનારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બહુમુખી અને વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવે છે. આ કારણે જ તેઓ વર્ષ 2002ના કોમી રમખાણો બાદ વિપક્ષની કાગારોળ અને ચોતરફી હુમલાઓનો સામનો કરીને પોતાની સરકાર ચલાવી શક્યા છે. નરેન્દ્ર મોદીની ક્ષમતા જોઇને કોઇને પણ તેમના કરિશ્મા પ્રત્યે આકર્ષણ જાગ્યા વિના ન રહે. વાસ્તવમાં નરેન્દ્ર મોદીના જાદુઇ વ્યક્તિત્વને કારણે નરેન્દ્ર મોદી માટે મતો ઝાડ પર ઉગે છે એમ કહી શકાય. નરેન્દ્ર મોદીની ક્ષમતા છે કે ચૂંટણીની છેલ્લી ઘડીએ તેઓ મતદારોની માનસિકતા બદલીને તેમના મતો પોતાની ઝોળીમાં ઠાલવી શકે છે.

narendra-modi

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મતો ઝાડ પર ઉગાડે છે તેનું ઉદાહરણ પાછલી ચૂંટણીમાં ભાજપને મળેલા કુલ મતોને આધારે લગાવી શકાય છે. ભાજપે વર્ષ 2007, 2002 અને 1998માં અનુક્રમે 49.12 ટકા, 49.85 ટકા અને 44.81 ટકા મતો મેળવ્યા હતા. આ સામે ગુજરાતમાં મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસે વર્ષ 2007, 2002 અને 1998માં અનુક્રમે 39.63 ટકા, 39.59 ટકા અને 35.28 ટકા મતો મેળવ્યા હતા. વર્ષ 2002માં નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ગુજરાતમા ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની અને મતોની સંખ્યા પણ વધી છે. આ માટે નરેન્દ્ર મોદીનું આકર્ષક વ્યક્તિત્વ અને વાક ચાતુર્ય કામ કરે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં હજી નરેન્દ્ર મોદી તેમના હુકમનું પત્તું ઉતર્યાં નથી. રાજકીય નિરીક્ષકો રાહ જોઇ રહ્યા છે કે આ વખતે તેઓ કયું પત્તું ઉતરશે અને ફરી એકવાર મતદારોને ભાજપ માટે મતદાન કરવા માટે આકર્ષશે.

નરેન્દ્ર મોદીના આકર્ષક વ્યક્તિત્વ માટે મુખ્ય 9 બાબતો રહેલી છે જે તેમને મજબૂત રાજકીય વ્યક્તિત્વ બક્ષે છે. આ રહી નરેન્દ્ર મોદીની મતો ઝાડ પર ઉગાડવાની ફોર્મ્યુલા...

વ્યક્તિત્વ :
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં 17 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર હતા અને ખૂબ જ ઓછા સમયમાં તેઓ સંઘના આગેવાનના પદ સુધી પહોંચ્યા. સંઘમાં રહીને તેમણે 1974ના નવનિર્માણ અને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનોમાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 1977ની કટોકટીમાં તેમણે મૂળભૂત અધિકારો માટેની લડાઇ લડી. આ તમામ બાબતોએ તેમના વિશેષ વ્યક્તિત્વ ઘડતરમાં ફાળો આપ્યો અને તેમનું વ્યક્તિત્વ વધારે ખીલ્યું. તેમને લોકોની સમજણ શક્તિ અને લોકોનો ગમો-અણગમો પારખવાની ક્ષમતા વિકસી.

ચાહકો :
નરેન્દ્ર મોદીના આકર્ષક વ્યક્તિત્વને કારણે તેમના ચાહકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. સંઘમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મિત્રો બનાવ્યા. ત્યારે બાદ 1987માં તેઓ ભાજપમાં જોડાયા અને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમની ક્ષમતા અને નેતૃત્વક્ષમતાને કારણે માત્ર એક જ વર્ષમાં તેઓ ગુજરાત પ્રદેશના મહાસચિવના પદ સુધી પહોંચી ગયા. તેમની કામગીરીથી તેમના મિત્રો વધતા ગયા અને જાહેરજીવનામાં તેમના સમર્થકો અને ચાહકો વધતા ગયા.

વાક શૈલી :
આરએસએસ દરમિયાન કરેલી કામગીરી, વાંચન અને નેતૃત્વની જવાબદારીને કારણે તેમની વાક શૈલી ખૂબ સરસ રીતે વિકસી છે. આ કારણે તેઓ કોઇ પણ મુદ્દાને સામાન્ય માણસને સ્પર્શે તેવી રીતે મૂકે છે. જેના કારણે લોકો તેમની સાથે આત્મીયતા બાંધી શકે છે. ગુજરાતમાં મોટા ભાગના મતદારોને લાગે છે કે મોદી તેમના નેતા છે. પ્રભાવશાળી વાક શૈલીના પ્રભાવથી તેઓ માત્ર ગુજરાતમાં નહીં પણ દેશ અને વિદેશમાં પણ લોકપ્રિય બન્યાં છે.

સામ, દામ, દંડ અને ભેદ :
પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનારા નરેન્દ્ર મોદીને થિયરીની સાથે રાજકારણની વાસ્તવિક ભૂમિમાં રમવાની તક મળી. આ કારણે તેઓ રાજકારણની શતરંજના માસ્ટર બની ગયા છે. પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ વધારવાનું હોય, પોતાના વિરોધીઓને પક્ષમાંથી દૂર કરવાના હોય કે વિપક્ષની બોલતી બંધ કરવાની હોય. સોગઠાં ગોઠવવામાં નરેન્દ્ર મોદીનો જોટો જડે એમ નથી.

ઇલેક્શન સ્ટ્રેટેજી :
નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીઓમાં દરેક બેઠકો પર વ્યક્તિગત રસ લઇને ધ્યાન આપે છે. પક્ષનો ઉમેદવાર જ વિજેતા બને તે માટે કોને ટિકીટ આપવી, મેનેજમેન્ટ કેવું હોવું જોઇએ, કયા સ્થાનિક અને રાષ્ટ્રીય મુદ્દાઓને ચૂંટણી માટે પસંદ કરવા વગેરે નિર્ણયોમાં તેમની સક્રિય સહભાગીતા રહે છે. આ કારણે તેમનો ચૂંટણી વ્યૂહ ભેદવો વિપક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવો બની રહે છે.

મીડિયાનામા :
જાહેર જીવનની વ્યક્તિ તરીકે મીડિયાના શક્તિશાળી માધ્યમનો પોતાના અને પાર્ટીના હિતમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની સારી ફાવટ તેમને છે. મીડિયા સમક્ષ પોતાના સમર્થકો, ચાહકોને સંદેશો પહોંચાડવા શું અને કેટલું બોલવું, શું નહીં બોલવું, વિપક્ષોને કયા મુદ્દે ઘેરવા વગેરે અંગે પૂરતા પ્લાનિંગ બાદ જ મીડિયા સમક્ષ બોલવામાં આવે છે.

વિપક્ષ પર ચડી બેસવું :
નરેન્દ્ર મોદી માટે વિપક્ષ કોંગ્રેસ હંમેશા કહેતી આવી છે કે મોદી અસત્યને 100 વાર બોલીને સત્ય સમાન બનાવી દે છે. નરેન્દ્ર મોદી વિપક્ષને બોલવા માટે એવો મુદ્દો પૂરો પાડે છે જેમાં બોલીને વિપક્ષ પોતાના જ કૂંડાળામાં ભરાઇ જાય છે. ગુજરાતમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીને એવા ઉશ્કેર્યા કે તેઓ નરેન્દ્ર મોદી માટે 'મોતના સૌદાગર'
શબ્દ પ્રયોજી બેઠા અને આખી બાજી પલટાઇ ગઇ.

મૌન રહેવું :
નરેન્દ્ર મોદી માટે મહત્વનું હથિયાર મૌન રહેવું છે. તેઓ પોતાને જે મુદ્દે બોલવું અનુચિત લાગે તે મુદ્દે કાયમ મૌન રહ્યા છે. વિપક્ષની કાગારોળ કે મીડિયાના ધમપછાડા છતાં મોદી ચોક્કસ મુદ્દાઓ પર એકના બે થતા નથી. આ કારણે મોદી વણજોઇતા વિવાદમાં ફસાતા અટકે છે.

અંતિમ સમયે હુકમનું પત્તું ખોલવું :
મતદારોના મતોને પોતાની ઝોળીમાં ઠાલવવા માટે મોદી ચૂંટણીના છેલ્લા બે દિવસોમાં પોતાનું હુકમનું પત્તું ઉતરે છે. હુકમના પત્તામાં તેઓ કોઇ એક એવો મુદ્દો મૂકે છે જેના કારણે મતદારોનો મૂડ બદલાય છે. કટ્ટર હિન્દુત્વવાદીની છબી ધરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમયની જરૂર મુજબ પોતાની છબીનો ઉપયોગ કરે છે.

English summary
Narendra Modi's 9 point formula of attracting voters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X