For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ કસોટી : યેદીની વેદીએ રાહુલ-મોદી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 માર્ચ : યેદીની વેદી તૈયાર છે અને આ વેદીમાં પડનાર આહુતિમાંથી ઉઠનાર ધુમાડો દિલ્હીના પવનમાં ઘોળાવવાનું નક્કી છે. યેદીની આ વેદી એમ તો દેશના દક્ષિણ ભાગે આવેલ એક રાજ્યમાં સજ્જ થઈ છે, પરંતુ આ વેદી આખા દેશમાં હાલ સૌથી વધુ ચર્ચિત બે રાજકીય ચહેરાઓની કસોટી પણ બનનાર છે.

આપ સમજી જ ગયાં હશો કે અહીં યેદી કોણ છે અને વેદી શું છે? હા જી. અહીં યેદી છે બી. એસ. યેદીયુરપ્પા, તો વેદી છે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013 કે જે આગામી 5મી મેના રોજ થનાર છે.

Karnataka Election

દક્ષિણ ભારતના એક મુખ્ય રાજ્ય કર્ણાટકમાં આ ચૂંટણી એવા વખતે થવા જાય છે કે જ્યારે દેશમાં 14 માસ બાદ થનાર લોકસભા ચૂંટણી 2014નો પવન વહી રહ્યો છે. આ પવનમાં સૌથી વધુ ચર્ચા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની છે. જોકે લોકપ્રિયતાની બાબતમાં મોદી રાહુલ કરતાં ઘણાં આગળ છે. એક બાજુ રાહુલ ગાંધીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ બનાવી લોકસભા ચૂંટણી 2014ની બાગડોર પ્રત્યક્ષ રીતે સોંપાઈ ચુકી છે, તો બીજી બાજુ લોકપ્રિયતાના ઘોડા પર સવાર નરેન્દ્ર મોદી અંગે ભાજપે હજી પોતાના પત્તા નથી ખોલ્યાં, પરંતુ એટલું નક્કી મનાય છે કે તેમને લોકસભા ચૂંટણી 2014માં એક મોટી જવાબદારી આપવામાં આવશે.

એમ તો રાહુલ ગાંધીનું નામ પડતાં જ જે રીતે કોંગ્રેસની સંભવિત સરકારમાં તેમને માત્ર વડાપ્રધાન પદે જ જોવામાં આવે છે, તેવી જ રીતે નરેન્દ્ર મોદીનું નામ પડતાં જ તેમના ટેકેદારો સીધે-સીધી ભાજપની સરકાર બનતા જુએ છે અને વડાપ્રધાન તરીકે મોદીને જોવા માંગે છે.

આમ દેશમાં હાલ સૌથી વધુ ચર્ચિત બે નામો છે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી. તેમના ટેકેદારોની નજરો તો 2014 ઉપર છે, પરંતુ રાજકીય ધરાતલે જોઇએ, તો હજી રાહુલ-મોદીએ અનેક કસોટીઓમાંથી પસાર થવાનું બાકી છે અને પ્રથમ કસોટી યેદીની વેદી સ્વરૂપે તૈયાર છે.

યેદી એટલે કે બી એસ યેદીયુરપ્પા કે જેઓ કર્ણાટકના રાજકારણમાં એક મોટું નામ છે. પાંચ વરસ અગાઉ તેમના નેતૃત્વ હેઠળ દક્ષિણ ભારતમાં પ્રથમ વાર સત્તા હાસલ કરનાર ભાજપ આજે તેમના જ કારણે મુશ્કેલીમાં છે. આજ યેદી ભાજપમાં નથી. તેઓ અલગ પક્ષ રચી ચુક્યાં છે અને રાજ્યમાં તેમનો શો પ્રભાવ છે, તેનો જવાબ તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળી પણ ગયો છે કે જેમાં ભાજપ ત્રીજા સ્થાને સરકી ગયો છે. આ પરિણામોથી ભાજપને અંદાજો આવી ગયો હશે કે વિધાનસભા ચૂંટણીઓનો માર્ગ તેના માટે કેટલો મુશ્કેલ છે.

બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ કર્ણાટકમાં લગભગ દસ વરસથી સત્તાથી દૂર છે. એસ. એમ. કૃષ્ણાના નેતૃત્વ હેઠળ 2004 સુધી કોંગ્રેસની ત્યાં વિશુદ્ધ સરકાર હતી. પછી રાજકીય અસ્થિરતા અને રાજકીય જોડાણો વચ્ચે ધર્મ સિંહ, એચ. ડી. કુમારસ્વામી અને પછી 2007માં યેદીયુરપ્પા, પછી ડી. એસ. સદાનંદ ગૌડા તથા જગદીશ શેટ્ટર મુખ્યમંત્રી બન્યાં, પરંતુ કોંગ્રેસ માટે વિશુદ્ધ સરકારનો ઇંતેજાર લંબાતો જ ગયો.

કર્ણાટકની આવી પરિસ્થિતિ કોંગ્રેસ અને ભાજપ બંને માટે સારી નથી. યેદીયુરપ્પા એક બાજુ ભાજને નુકસાન પહોંચી ચુક્યાં અને વિધાનસભા ચૂંટણીમાં પોતાની પૂરતી તાકત લગાવશે.

હવે વાત યેદીની વેદીએ રાહુલ-મોદીની કસોટી અંગે કરીએ. હકીકતમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી સામે આ પ્રથમ ચૂંટણી હશે. આ જ કારણ છે કે યેદીની આ વેદીએ રાહુલ ગાંધીની કસોટી ભાજપને થનાર નુકસાનને પોતાના ફાયદામાં બદલવા તરીકેની હશે, તો બીજી બાજુ લોકપ્રિયતાની બાબતમાં દેશમાં સૌથી આગળ નરેન્દ્ર મોદીને ભલે ભાજપ તરફથી અધિકૃત રીતે કોઈ જવાબદારી ન અપાઈ હોય, પરંતુ ભાજપ જો ઇચ્છે તો તેમને કર્ણાટકના ચૂંટણી મેદાને ઉતારી તેમની લોકપ્રિયતા વટાવવનો અખતરો કરી શકે છે. જો ભાજપ એવું કોઈ પગલું ભરે, તો ચોક્કસ રીતે નરેન્દ્ર મોદી માટે યેદીની વેદીએ ભાજપને થનાર નુકસાનને રોકવાની કસોટી સમાન જ ગણાશે.

હવે જોવું એ છે કે કર્ણાટકનો આ ઊંટ કઈ બાજુ બેસે છે?

English summary
Karnataka Assembly Election is the first test for Rahul Gandhi And Narnedra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X