કોથળામાંથી મળ્યું સગીરાનું શબ, દુષ્કર્મ આચરી કરી હતી હત્યા

Subscribe to Oneindia News

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા એવેન્યૂ ફ્લેટમાં એક મકાનમાંથી કોથળામાંથી એક સગીરાનું શબ મળી આવ્યું હતું. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓ રિતેશ પંચાલ અને રણજિત ઝાલાની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વકર્મા એવેન્યૂમાં રહેતા નિવાસીઓ દ્વારા પોલીસને ફોન કરી ફરિયાદ કરવામાં આવી હતી કે, ફ્લેટ નં.38માંથી બહુ દુર્ગંધ આવે છે.

ahmedabad minor rape

કોથળામાંથી મળ્યું શબ

ફરિયાદ મળતાં કૃષ્ણનગર પોલીસ ત્યાં પહોંચી હતી અને ફ્લેટની તાળું તોડી મકાનની તપાસ કરી હતી. આ મકાનમાંથી કોથળામાં એક સગીરાનું શબ મળી આવ્યું હતું. ત્રણ મહિના પહેલાં જ રણજિતસિંહ ઝાલા અને તેની માયા પ્રેમલગ્ન કરી આ ફ્લેટમાં ભાડે રહેવા આવ્યા હતા આજુ-બાજુના રહેવાસીઓના કહેવા અનુસાર, ચાર દિવસ પહેલાં રણજિત અને માયા મકાનને તાળું મારી બહાર ગયા હતા અને આ દિવસો દરમિયાન કોઇ યુવક ફ્લેટમાં અવર-જવર કરતો હતો.

સગીરાને બેભાન કરી હત્યા કરી

આ ફ્લેટમાં પોલીસ તપાસ કરી રહી હતી, તે દરમિયાન જ માયા ત્યાં આવી પહોંચી હતી. તેણે પોલીસને માહિતી આપી હતી કે, તેમની ગેરહાજરીમાં તેમના પતિ રણજિતે ફ્લેટની ચાવી રિતેશ પંચાલ નામના યુવકને આપી હતી.
તપાસ દરમિયાન પોલીસને શંકા પડી હતી કે, સગીરાને બેભાન કરીને તેની હત્યા કરવામાં આવી છે તથા આ હત્યા પાછળ એક કરતાં વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત થઇ હતી. ઘટના સ્થળેથી પોલીસે પાણી અને ઠંડા પીણાની બોટલો અને ચાદર કબજે કરી હતી. સગીરાની હત્યા લગભગ ત્રણ દિવસ પહેલા થઇ હોવાનું પોલીસનું અનુમાન હતું.

હત્યા પહેલાં આચર્યું દુષ્કર્મ

બંન્ને આરોપીની ધરપકડ બાદ આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે, રિતેશ પંચાલ સાંબરકાંઠાથી આ સગીરાને ભગાડીને અમદાવાદ લાવ્યો હતો અને ત્યાર બાદ તેને સેક્સ રેકેટમાં ધકેલી દીધી હતી. હત્યાના દિવસે બંન્ને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસને જાણ થઇ એ પહેલાની સવારે બંન્ને ફ્લેટમાં સ્પ્રેની બોટલો લઇને આવ્યા હતા અને સ્પ્રે છાંટી દુર્ગંધ દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગંધ દૂર ન થતાં બંન્ને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

સગીરાની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. સગીરાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ જાણી શકાશે કે સગીરાની હત્યા કઇ રીતે કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Ahmedabad: 2 arrested in the case of Rape and murder of a minor girl.
Please Wait while comments are loading...