
અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ
બુધવારે અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ હતો.ભાદરવી પૂનમમાં અંબાજીના મેળાની પૂર્ણાહુતિ સમયે માં અંબાના ચાચર ચોકમાં આવેલા ભક્તો પુરી આસ્થાથી પરંપરાગત વસ્ત્રોમાં માંના ગરબા રમે છે અને માં ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પાંચ દિવસીય મેળામાં માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ ભારતભરમાંથી ભક્તો આવે છે. આ વર્ષે 3 લાખથી પણ વધારે લોકોએ માં ના દર્શન કર્યા હતા અને અંદાજે 22 લાખ જેટલું દાન અંબાજી મંદિરમાં દાન રૂપે આવ્યું હતું.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થધામ ભારતના 51 શક્તિપીઠ પૈકીનું એક પવિત્ર શક્તિપીઠ માનવામાં આવે છે. દેશના કરોડો લોકોના આસ્થાના પ્રતિક સમા અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું વિષેશ મહત્વ હોય છે. દર વર્ષે ભાદરવા માસમાં અંબાજીનો મેળો ભરાય છે. આ મેળામાં મીની કૂંભ જેવા દ્રશ્યો જોવા મળે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલ ''આરાસુરી અંબાજી'' માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં 'શ્રી વિસા યંત્ર'ની પૂજા કરવામાં આવે છે. આ મેળામાં લોકો દુર દુરથી માં ના દર્શન કરવા પગપાળા આવે છે. આ મેળા માટે સરકાર દ્વારા પણ ખાસ વાહન વ્યવહારની સગવડ કરવામાં આવે છે.