For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના મોટા માથાં ડૂબ્યાં, ગુજરાતમાં નીતિ બદલવા વિચારવું પડશે

|
Google Oneindia Gujarati News

congress-logo
ગાંધીનગર, 20 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે જનતાનો આદેશ બહાર આવી રહ્યો છે. પરિણામોથી ભાજપે વધારે હરખાવાની જરૂર નથી અને કોંગ્રેસે નાસીપાસ થવાની જરૂર નથી એવું હવે નેતાઓ કહેતા ફરે છે. પણ અહીં નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસના મોટા માથા ગણાતા એવા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, કુંવરજી બાવળિયાની હાર થઇ છે. ગુજરાતમાં કોંગ્રેસના કર્તા-ધર્તાઓની આ હાર ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે પક્ષની આંતરિક નીતિ બદલવા અંગે વિચારતા કરશે?

કોંગ્રેસે ગુજરાતને પ્રાથમિકતા આપી પણ બહુ મોડી આપી છે. આ વખતના પરિણામો વર્ષ 2014 માટે નિર્ણાયક સાબિત થશે. ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું છે કે કોઇ ચૂંટણીમાં એક સાથે મૂળ કોંગ્રેસી ગણાતા હોય તેવા મોટા માથાઓએ એકસાથે હારનો સામનો કરવો પડી રહ્યો હોય. મહત્વની બાબત એ છે કે આ હાર સામાન્ય લીડથી નહીં પણ નોંધપાત્ર લીડથી મળી છે. પરિણામો પર નજર કરીએ તો...

પોરબંદરમાં ભાજપના બાબુભાઇ બોખિરિયાને 77,604 અને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાને 60,458 મતો મળ્યા છે. ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પુરસોત્તમ સોલંકીને 83,980 અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 65,426 મતો મળ્યા છે. ડભોઇમાં ભાજપના બાલક્રિશ્ન પટેલને 70,833 અને કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલને 65,711 મતો મળ્યા છે. બોટાદમાં ભાજપના ઠાકરશીભાઇ માણિયાને 83,059 અને કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયાને 73,708 મતો મળ્યા છે.

ગુજરાત કોંગ્રેસમાં બાકી રહેલા એક માત્ર મોટા માથા શંકરસિંહ વાઘેલા ચોપટ ગોઠવવામાં માહેર છે એ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. કપડવંજમાં કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા (બાપુ)ને 75,113 અને ભાજપના કનુભાઇ ડાભીને 70,343 મતો મળ્યા છે.

કોંગ્રેસના અગ્રણીઓની હારના મુખ્ય કારણો
ગુજરાતમાં કોંગ્રેસની હાર અને તેમાં પણ અગ્રણી નેતાઓને ઊંધા માથે મળેલી પછડાટ માટેના કારણે દેખીતા છે. વિશ્લેષકો સ્પષ્ટ માને છે કે ગુજરાતમાં કોંગ્રેસને સૌથી વધારે માર તેના કેપ્ટનશિપની કમીના કારણે ખાવો પડ્યો છે. વાત અહીં ગુજરાતમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ દર્શાવવાની નહીં, પણ ગુજરાતમાં કોંગ્રેસે કઇ દિશામાં આગળ વધવું તે અંગે યોગ્ય નેતૃત્વના અભાવની છે.

કોંગ્રેસ પાસે પોઝિટિવ એજન્ડા નહીં
કોંગ્રેસ પાસે ગુજરાતમાં વિકાસના નામે નક્કર કામ કરી બતાવવા માટે કોઇ ખાસ યોજનાઓ નથી. કોંગ્રેસે કરેલી ઘરના ઘરની યોજના સહિતની જાહેરાતો માત્ર ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટેનું લાલ ગાજર છે એવું ગુજરાતની પ્રજા સારી રીતે સમજી ગઇ હતી. આ કારણે મોટી સંખ્યામાં ફોર્મ તો ભરાયા પણ તેટલી જ મોટી સંખ્યામાં કોંગ્રેસની તરફેણમાં મતો પડી શક્યા નહીં.

જ્ઞાતિવાદનું સમીકરણ કામ કરી ગયું
કોંગ્રેસને અનેક બેઠકો પર જ્ઞાતિવાદનું સમીકરણ પણ હરાવી ગયું છે. જો ભાવનગર ગ્રામ્ય બેઠકની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ ત્યાંથી ચૂંટણી જીતતા આવ્યા હતા. આ વખતે તેમની સામે ભાજપના મંત્રી અને રૂપિયા 400 કરોડનું ફિશરીઝ કૌભાંડ કરનારા નેતા પરસોત્તમ સોલંકીનું કોળી ફેક્ટર કામ કરી ગયું અને શક્તિસિંહે હારનો સામનો કરવો પડ્યો છે.

ડભોઇની વાત કરીએ તો કોંગ્રેસના સિઘ્ધાર્થ પટેલનું આ બેઠક પર વર્ચસ્વ હતું. તેઓ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ચૂંટાતા આવ્યા હતા. કોંગ્રેસના કોઇ કાર્યકરો કે નેતાઓમાં તેમનો વિરોઘ્ધ થયો નથી. સ્વચ્છ છાપ ધરાવતા સિધ્ધાર્થ પટેલને પટેલ ફેક્ટર નડ્યું હોય તેમ લાગે છે. આ વિસ્તારમાં 34,624 પટેલ, 19,312 વસાવા, 15,060 દરબાર/ક્ષત્રિય અને 13,603 રાઠોડીયા મતો છે. તેમને એક કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. એમ કહી શકાય કે સિધ્ધાર્થ પટેલને ઓવર કોન્ફિડન્સ નડી ગયો.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જ્યાંથી લડતા આવ્યા છે એ પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા સામે કરોડો રૂપિયા ખનીજચોરીનો કોર્ટમાં કેશ, એચએમપી સિમેન્ટની જમીન ખરીદી અંગે કામદારોમાં વિવાદ, તેમજ કોંગ્રેસ સમર્થક મુળુભાઇ મોઢવાડિયા હત્યા કેસમાં આક્ષેપથી તેમની જ્ઞાતિ મહેરસમાજ નારાજ, ખારવા જ્ઞાતિમાંથી અનેક લોકો નારાજ હોવા છતાં તેઓ સતત જીતતા આવેલા મોઢવાડિયાને હરાવવામાં સફળ રહ્યા છે. બંને મુખ્ય ઉમેદવારો મહેર જ્ઞાતિમાંથી આવે છે.

કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયા અહીં હારી ગયા છે. આ બેઠક 1998થી ભાજપના કબ્જામાં રહી છે. નવા સિમાંકનમાં ફેરફાર થતા ગઢડા તાલુકાના 25 ગામો આ બેઠકમાં ભેળવવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર વલ્લભીપુર તાલુકાનો સમાવેશ પણ આ બેઠક પર કરવામાં આવ્યો છે. તેથી પટેલ મતદારોની સંખ્યા ઘટી છે અને કોળી મતદારોની સંખ્યા વધી છે. ગત ટર્મમાં ભાજપના ઉમેદવાર સૌરભ દલાલને માત્ર 3177 મતની સરસાઇ મળી હોવાથી અને નવા સિમાંકનથી કોંગ્રેસને વધુ ફાયદો થશે એમ માનવામાં આવી હતું.

કોંગ્રેસે ગુજરાત માટે પક્ષની નીતિ બદલવા વિચારવું પડે
વર્ષ 1998થી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આટલા વર્ષોથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસને આ વખતે એન્ટિ ઇન્કમ્બન્સીથી ફાયદો થશે એવી આશા હતી. પણ પરિણામ સૌની સામે છે. કોંગ્રેસે ગુજરાતમાં ભાજપની અનેક બાબતો અપનાવી છે, જેમ કે પક્ષમાં શાસન લાવવાનો પ્રયાસ કરવો, ભાષણોમાં નેરેન્દ્ર મોદીની સ્ટાઇલની કોપી કરવી, વિવિધ યોજનાઓમાં લોકોને સાંકળવા. હવે કોંગ્રેસે ગુજરાતનું નેતૃત્વ દિલ્હીમાંથી નક્કી કરે એના બદલે ગુજરાતમાંથી જ નક્કી કરવામાં આવે એવી નીતિ અપનાવવા અંગે વિચાર કરવો પડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પરિણામો આગામી સમયમાં આવી રહેલી લોક સભા ચૂંટણી 2014 માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપના નેતા નરેન્દ્ર મોદીના વધતા કદને રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ કેવી રીતે સામનો કરશે તે અત્યારથી વિચારવાની જરૂર છે.

English summary
Congress big leaders defeated, now congress re-think over party policy?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X