ગુજરાતના લોકો ભાજપ વિરોધી કેમ થયા? કારણ છે મોદીની આ નીતિ
ભાજપનું ગઢ ગણાતા ગુજરાતમાં કેમ ભાજપને 22 વર્ષે 150 સીટો પર જીતવા માટે મુશ્કેલી પડી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાણો ભાજપ ક્યા મુદ્દા ભાજપ માટે જ મુશ્કેલીનું કારણ બન્યા છે.
ગુજરાતમાં ભાજપની સત્તા પાછલા 22 વર્ષોથી છે અને ઓપિનિયન પોલનું માનીએ તો આવનારા પાંચ વર્ષ પણ આ સત્તા ભાજપના જ હાથમાં રહેવાની છે. પણ આજથી 4 વર્ષ પહેલા જે ગુજરાતમાં મોદી ભાષણ બોલવા પણ ઉઠે તો પહેલા 5 મિનિટ સુધી લોકો મોદી મોદી નારા લગાવી તેને હર્ષોનાદ કરતા હતા તે ગુજરાતમાં આજે તેવું શું થઇ ગયું કે લોકો ધીમે ધીમે ભાજપ તરફથી ભાજપ વિરોધી થવા લાગ્યા? ચોક્કસથી આ પાછળ બહારના અને અંદરના અનેક પરિબળો જવાબદાર છે. બહારના પરિબળોમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ છે પણ તેના ઉદ્ધભવ માટે પણ ભાજપના કેટલાક આંતરિક પરિબળો જવાબદાર છે. સત્તા અને આ રાજકારણના આ પરિબળો પણ ભાજપે સમજવા જોઇએ...

મોદી પણ પછી શું?
પીએમ મોદી જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી ગુજરાતની જનતાએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે. ભારે વિરોધની વચ્ચે ગુજરાતની જનતા મોદી સાથે ઉભેલી જોવા મળી છે. પણ પીએમ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમણે દરેક વસ્તુમાં પોતાને જ હાઇલાઇટ કર્યા છે. જેમ કે આજે મોદી વિદેશ મંત્રી કમ નાણાંમંત્રીનું કામ પણ કરી લે છે તેમ ગુજરાતમાં પણ તમામ વસ્તુઓની શરૂઆત અને અંત તેમનાથી જ થતો. આ વસ્તુ તેમના માટે ફાયદાકારક રહી પણ તે ગુજરાત છોડી કેન્દ્રમાં ગયા ત્યારે ગુજરાતમાં કોઇ નંબર 2 નેતા હતો જ નહીં કે બીજા શબ્દોમાં કહીએ તો કદી ઊભો થવા જ નહતો દીધો. જે મોદીની ગેરહાજરીમાં મોદીના ગુજરાતને સાચવી જાણે. આનંદીબેન અને વિજય રૂપાણીએ પ્રયાસ કર્યો પણ સફળ કેટલા થયા તે યુવા નેતાઓની આસપાસની ભીડ સ્પષ્ટ પણ કરી દે છે...

જાતિવાદ તો ભાજપમાં પણ છે
ભાજપ જાતિવાદને પ્રોત્સાહન નથી આપતું તેવું કહેવું ખોટું છે. ભાજપ જ કેમ ભારતમાં કદી કોઇ પણ પાર્ટી જાતિવાદનું ગણિત સમજ્યા વગર જીતી જ ના શકે. કારણ કે ભારતની મોટાભાગની પ્રક્રિયામાં જાતિવાદ એવી રીતે જોડાયેલો છે કે તેને દૂર કરવો આવનારા 50 વર્ષોમાં તો અશક્ય છે. ભાજપે કેટલીક ચોક્કસ જાતિને વધારે પ્રાધાન્ય આપ્યું. જેના કારણે તેને શરૂઆતી ફાયદો થયો પણ તેણે આ વોટબેંકનો પર્યાય ઊભો નહતો કર્યો. અને જ્યારે આ જાતિઓએ બેકફૂટ કર્યું તો ભાજપ મુશ્કેલીમાં મૂકાઇ ગઇ.

જાતિવાદને સબસાઇડ
જો કે સાથે જ ભાજપે સ્માર્ટલી જાતિવાદને સબસાઇડ કરીને વિકાસને હાઇલાઇટ કર્યો હતો. જેનાથી તે લાંબી પારીનો ખેલ રમી શકે. ચોક્કસથી તે સફળ થઇ આ વાતમાં પણ હવે લોકોની વિકાસની પરિભાષા બદલાઇ છે. હવે લોકોને ભાજપના વિકાસની પરિભાષા નહીં પણ પોતાની રીતે વિકાસની ભાષા નક્કી કરવી છે. વળી લાંબો સમયથી સત્તામાં રહેનાર પાર્ટીથી લોકો લાંબા ગાળે ઉબી જાય છે તે ફેક્ટર પણ હાલ ભાજપની મુશ્કેલી વધારી રહ્યું છે.

એ જ જૂના મુદ્દા
જે રીતે લાંબા ગાળે કોંગ્રેસનું એન્ટી હિંદુત્વ ફેક્ટર ના ચાલ્યું અને આ વખતની ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીને ચોટીલાના પગથિયા ચઢવા પડ્યા તે જ રીતે ભાજપના હિંદુત્વ ફેક્ટર પણ વિકાસના એજન્ડાની જેમ બોરિંગ થવા લાગ્યું છે. હવે તે વોટબેંક પર જોઇએ તેવું પરિણામ નથી આપી રહ્યું. વળી જે ભાજપ સત્તામાં 22 વર્ષથી છે તેમ છતાં 22 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસના વાંક હજી સુધી નીકાળે છે તે વાત પણ લોકોને કંટાળાજનક લાગે છે. કોંગ્રેસ સિવાય કોઇ નવા મુદ્દા પર ભાજપને પોતાનો એજન્ડા મૂકવો પડશે. હવે વિકાસ, હિંદુત્વ તે 22 વર્ષથી ચાલતા મુદ્દા નહીં ચાલે. પણ ભાજપ હજી પણ ખાલી તમામ દોષો માટે કોંગ્રેસનો જ વાંક નીકાળી રહી છે. વળી આટલા વખતથી સત્તામાં રહ્યા પછી આ વખતે કોઇ નવા મુદ્દા સાથે ભાજપને ચૂંટણીમાં ઉતરવાની જરૂર હતી. પણ આ વખતે પણ ભાજપ હજી સુધી વિકાસ, હિંદુત્વ અને કોંગ્રેસના એ જ જૂના મુદ્દા પર રાજકારણ રમી રહી છે. જે પણ ભાજપનો માઇનસ પોઇન્ટ છે. આ ચૂંટણીમાં કોઇ નવા મુદ્દા સાથે ભાજપ મેદાનમાં આવી હોત તો લોકો તરફ તેનું ધ્યાન આકર્ષિત થયું હોત પણ ભાજપની હાલની સ્થિતિ એવી છે કે તે પોતાના બચાવમાં જ એટલી વ્યસ્ત છે કે કોઇ હકારાત્મક નવો મુદ્દો રજૂ કરવાનો તેની પાસે સમય નથી.












Click it and Unblock the Notifications
