• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Excl : વ્યક્તિકેન્દ્રી વિરોધે કર્યા ભોંય ભેગા

By Kanhaiya
|

અમદાવાદ, 20 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012ના પરિણામો જેટલા સરવાળે ચોંકાવનારા નથી, એના કરતાં અનેકગણા વધારે ચોંકાવનારા ખેરખાંઓના પરાજયના કારણે છે.

છેલ્લા પાંચ વર્ષથી જે લોકો સતત ગુજરાતમાં કથિત રીતે પ્રજા માટે કામ કરતા હોવાનો દાવો કરતા હતાં, તેમને પ્રજાએ નકાર્યા છે. સૌથી આગળ જેનું નામ છે, તે છે અર્જુન મોઢવાડિયા અને બીજા ક્રમે આવે છે શક્તિસિંહ ગોહિલ. સમગ્ર ગુજરાત કોંગ્રેસના સૂત્રધાર અર્જુન મોઢવાડિયા પોતાનો પોરબંદરનો ગઢ જ ન સાચવી શક્યાં, તો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પ્રજાનો અવાજ રજૂ કરતાં શક્તિસિંહ ગોહિલ ભાવનગર ગ્રામ્યમાંથી ચુંટણી હારી ગયા છે.

આ બંને નેતાઓની સાથે અને તેમના જેવા જ સુર વ્યક્ત કરનારા અન્ય અનેક નેતાઓ પણ આ ચુંટણીમાં પરાજિત થયાં છે અને આ તમામની હારનું કારણ વ્યક્તિકેન્દ્રી વિરોધને જ ગણી શકાય.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધી તથા પોતે વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સુદ્ધા જે વ્યક્તિનું નામ લેવાનું ટાળતા હોય, તે વ્યક્તિ વિરુદ્ધ સતત અગિયાર વરસથી વિરોધનો પ્રહાર કરનાર શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાએ ભોંય ભેગા થવું પડ્યું છે. આ બંને નેતાઓ એવા હતાં કે તેમના કોઈ પણ નિવેદનની શરૂઆત નરેન્દ્ર મોદીના નામ સાથે જ થતી અને અંત પણ આ નામ સાથે જ થતું. આ નેતાઓનો વ્યક્તિકેન્દ્રી વિરોધ જે તેમની હારનું કારણ બન્યું છે. આ નેતાઓએ ક્યારેય ભાજપ સરકાર વિરુદ્ધ મોર્ચો માંડ્યો નથી. હંમેશા આમના નિશાને મોદી જ રહેતાં અને કદાચ એટલે જ તેમના મતવિસ્તારની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે.

હવે વાત આવે છે શ્વેતા ભટ્ટની. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે તેમના મતવિસ્તારમાં જઈને મોર્ચો માંડનાર શ્વેતા ભટ્ટ પણ ચુંટણીના મેદાને વ્યક્તિકેન્દ્રી વિરોધ તરીકે જ આવ્યા હતાં. પતિ સંજીવ ભટ્ટ વિરુદ્ધ મોદી સરકારની કથિત અન્યાયકારી નીતિના પગલે તેઓ મોદી સામે પડ્યાં અને કોંગ્રેસે પણ શ્વેતા ભટ્ટને બલિનું બકરૂં બનાવવામાં વાર ન લગાડી. કંઇક એવી જ હાલત થઈ જાગૃતિ પંડ્યાની. પતિ હરેન પંડ્યાની હત્યા અને મોદી સરકારની કાર્યવાહીથી અસંતુષ્ટ જાગૃતિ પંડ્યાએ છેલ્લી ઘડીએ કેશુભાઈ પટેલની પાર્ટી જીપીપીનો સાથ લીધો અને એલિસબ્રિજથી મેદાને પડ્યાં. જાગૃતિ પંડ્યાનો વિરોધ પણ કોઈ પ્રજાભિમુખ નહીં, પણ માત્ર વ્યક્તિકેન્દ્રી જ હતો અને તેથી જ પ્રજાએ તેમને ઘેરભેગા કર્યાં.

ગોરધન ઝડફિયા પણ આ યાદીમાં મહત્વની વ્યક્તિ છે. જીપીપીના વાઇસ કૅપ્ટન ગોરધન ઝડફિયા શરુઆતથી જ મોદી વિરુદ્ધ રહ્યાં છે. એક વાર તો તેમણે મંત્રીમંડળ વિસ્તાર ટાણે પોતાનું નામ પોકારાતાં રાજ્યપાલની હાજરીમાં જ મોદી પ્રત્યે વિરોધ નોંધાવી શપથ લેવાનો ઇનકાર કર્યો હતો. તેમના આ રાજકીય નાટકથી રાજ્યપાલ પોતે પણ ક્ષોભમાં મુકાયા હતાં. વ્યક્તિકેન્દ્રી વિરોધ એ હદે પહોંચી ગયો કે ઝડફિયા પહેલા પોતાનો પક્ષ સ્થાપ્યો અને પછી કેશુભાઈના ખોળે બેસી ગયાં. ગુજરાતમાં ત્રીજા પરિબળ તરીકે ઉપસવાનો દાવો કરનાર ઝડફિયા પોતે જ ગોંડલથી હારી ગયાં.

આ જ પ્રમાણે ડૉ. કનુભાઈ કલસરિયા સાથે થયું. કલસરિયા દ્વારા ઉઠાવાયેલ મુદ્દો પ્રજાભિમુખ હતો, પરંતુ આ મુદ્દાના કેન્દ્રમાં મોદી જ હતાં. તેઓ સરકારની નીતિઓને લઈને ભારે વિરોધમાં ઉતર્યા નહોતાં. તેમણે એકમાત્ર નિરમા પ્લાંટ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી અને તેમને એવુ લાગતું હતું કે તેઓ સાચા છે. કદાચ તેઓ સાચા પણ હશે, પરંતુ વ્યક્તિકેન્દ્રી વિરોધ ચુંટણી મુદ્દો ન બની શકે અને પ્રજાએ તેમને એ વાતનો પરચો કરાવી દીધો છે.

સિદ્ધાર્થ પટેલ પણ એક વખત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યાં છે અને તે વખતના તેમના નિવેદનો પણ મોદીથી શરૂ થઈ મોદી ઉપર જ ખતમ થતા હતાં. ગઈ ચુંટણી બાદ તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપવુ પડ્યુ હતું અને આ વખતે તેઓ પ્રદેશ પ્રમુખ નહોતાં, તો પ્રજાએ તેમને ડભોઈમાંથી રાજીનામુ અપાવી દીધું.

English summary
Gujarat Assembly Election 2012 : Man Centric Attack has dashed shaktisinh gohil, arjun modhwadia, shweta bhatt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more