For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી નબળા ત્રીજા પરિબળમાં GPPનો રેકોર્ડ, પણ અસ્તિત્વ બચી જશે

By Bhumishi
|
Google Oneindia Gujarati News

gpp-logo-small
ગાંધીનગર, 21 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પરિણામ આવી ગયા છે. આ પરિણામ અનેક રેકોર્ડ સર્જશે એવું કહેવાઇ રહ્યું હતું. વાત પણ સાચી છે. આ ચૂંટણીમાં અનેક રેકોર્ડ બન્યા છે. કેશુભાઇ પટેલે ભાજપનો સાથ છોડીને લડેલી ચૂંટણીમાં વિજય મેળવી રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડની સાથે કેશુભાઇએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ છે ગુજરાતમાં સૌથી નબળા ત્રીજા પરિબળનો.

આ ચૂંટણીમાં પક્ષ પ્રમુખોની હાર અને જીતથી રેકોર્ડ સર્જાયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આર સી ફળદુ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા એક સાથે પરાજીત થયા છે. વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ પણ જીતી શક્યા નથી. આ સાથે ત્રીજા પરિબળના પ્રમુખો જીપીપીના કેશુભાઇ પટેલ અને એનસીપીના જયંત પટેલ (બોસ્કી) વિજેતા બન્યા છે. ગુજરાતમાં ત્રીજા પરિબળની તાકાતનો રેકોર્ડ પણ અનોખો અને મજેદાર છે.

રાજકીય ઇતિહાસ પર નજર નાખીએ તો ચીમનભાઇ પટેલ સૌથી મજબૂત ત્રીજા પરિબળ તરીકે ઉભર્યા હતા અને કેશુભાઇ પટેલ સૌથી નબળા ત્રીજા પરિબળ તરીકે બહાર આવ્યા છે. ત્રીજા પરિબળ તરીકે ચીમનભાઇ પટેલે સૌથી વધારે 12 બેઠકો જીતી હતી. ત્યાર બાદ ભાજપના બળવાખોર શંકરસિંહ વાધેલાના રાજપે 4 બેઠકો મેળવી હતી. જ્યારે કેશુભાઇ પટેલની જીપીપીએ માત્ર બે બેઠકો જ મેળવી છે.

વર્ષ 1975માં ચીમનભાઇ પટેલના પક્ષ કિસાન મજદૂર લોક પાર્ટી (કિમલોપ)ને 12 બેઠકો મળી હતી. કોંગ્રેસને 75 બેઠકો મળી હતી, બાબુ જશભાઇ પટેલની રાષ્ટ્રીય કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન (એનસીઓ) ને 56 બેઠકો મળી હતી. ભારતીય જન સંઘ (બીજેએસ)ને 18, ભારતીય લોકદળ (બીએલડી)ને 2, સ્વતંત્ર પક્ષને 2 અને અપક્ષ ને16 તથા આરએમપીને 1 બેઠક મળી હતી. ત્યારે કોંગ્રેસ સિવાયના પક્ષોએ એક થઇને સરકાર બનાવી હતી. જેમાં સાબરમતીથી ચૂંટાયેલા બાબુ જશભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. ચીમનભાઇ પટેલે પણ સત્તા મેળવી હતી. જ્યારે ભાદરણથી ચૂંટાયેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી વિપક્ષના નેતા બન્યા હતા,

વર્ષ 1998ની ચૂંટણીની પણ વાત ન્યારી હતી. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી દિલીપ પરીખ હારી ગયા હતા. ધંધુકાથી ભાજપના ભરત પંડ્યાએ તેમને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાના રાષ્ટ્રીય જનતા પક્ષ (રાજપ)એ 4, કોંગ્રેસે 53, ભાજપે 117, જનતાદળે 4, સમાજવાદી પાર્ટીએ 1, અપક્ષે 3 બેઠકો મેળવી હતી.

જ્યારે વર્ષ 2012 ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)એ વિસાવદર અને ધારી એમ 2 બેઠકો મેળવી છે. ભાજપે 115, કોંગ્રેસે 61, એનસીપીએ 2 અને અન્યોએ 2 બેઠકો મેળવી છે. આ પરિણામોમાં એક મોટો અપસેટ એ પણ છે કે જીપીપીના વાઇસ કેપ્ટન ગોરધન ઝડફિયા ગોંડલથી હાર્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી 174 જેટલા ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું. હવે પાર્ટીના ઓળખ ચિહ્ન તરીકે જીપીપીએ બેટનું નિશાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચૂંટણી પંચની કેટલીક શરતો પૂરી કરવી જરૂરી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં ઓછામાં ઓછા 6 ટકા મત મેળવવા અથવા ઓછામાં ઓછા 2 ધારાસભ્યો ચૂંટાવા જરૂરી છે. આ શરતો પૂરી થતાં હવે બાપાનું બેટ બચી જશે.

English summary
Gujarat : GPP is weakest third front; but will survive election symbol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X