સુરતમાં કરણી સેનાના ધરણાં, રાજકોટમાં રાજપૂત મહિલાઓનો વિરોધ

Written By:
Subscribe to Oneindia News

25 જાન્યુઆરી, 2018 સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રિલીઝ ડેટ છે, એ પહેલાં અમદાવાદમાં મંગળવારે રાત્રે ભારે તોફાન થયું હતું. જેના પડઘા હજુ પણ અમદાવાદ સિવાય રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહ્યાં છે. આ ફિલ્મ રિલીઝ ન થવા દેવા માટે રાજપૂત કરણી સેના તથા કેટલાક હિંદુ સંગઠનો કટિબદ્ધ છે. અમદાવાદ ઉપરાંત, સુરત, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ વગેરે વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે.

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન

ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન

આ મામલે ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશન દ્વારા બુધવારે બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં મનુ પટેલે જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મ રિલીઝ નહીં કરીએ. કરણી સેનાએ આવેદન આપી ફિલ્મ ન દર્શાવવા રજૂઆત કરી છે, જ્યાં સુધી આ મુદ્દાનું સમાધાન ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવે. ગઇકાલના વાતાવરણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા માટે અમારી તથા જનતાની સુરક્ષા સૌથી મોખરે છે.

સુરતમાં કરણી સેનાના ધરણાં

સુરતમાં કરણી સેનાના ધરણાં

સુરત શહેરમાં રાજપૂત કરણી સેના દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. અહીં કરણી સેનાના આગેવાનોએ કહ્યું હતું કે, રાજ્યમાં થેયલ હિંસાનું કારણ રાજપૂત કરણી સેના નથી. ફિલ્મમાં હજુ ઘણી વિવાદિત બાબતો છે, આથી અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ ફિલ્મ જોવા ન જાય અને થિયેટર માલિકોને પણ વિનંતી કરીએ છીએ કે ફિલ્મ રિલીઝ ન કરે. સુરતના અઠવાગેટ ખાતે વનિતા વિશ્રામની બાજુમાં આવેલ હેન્ડલૂમ હાઉસ પાસે કરણી સેનાના કાર્યકર્તાઓ ધરણાં પર બેઠા હતા, તેઓ 30 જાન્યુઆરી સુધી 6 દિવસ ધરણાં કરશે. તેમણે અન્ય સંગઠનોને પણ હિંસા ન કરી શાંતિપૂર્ણ વિરોધ કરવા અપીલ કરી હતી.

રાજપૂત મહિલાઓ આવી સામે

રાજપૂત મહિલાઓ આવી સામે

રાજકોટમાં ફિલ્મ પદ્માવતના વિરોધમાં હવે રાજપૂત મહિલાઓ પણ સામે આવી છે. બુધવારે રાજકોટ રાજપૂત સમાજની મહિલાઓએ આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રાજપૂત મહિલાઓએ ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો અને તેમને દરેક સમાજના લોકોને આ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

અન્ય વિસ્તારોમાં વિરોધ ચાલુ

અન્ય વિસ્તારોમાં વિરોધ ચાલુ

અમદાવાદમાં મંગળવારના તોફાન છતાં હજુ પણ પરિસ્થિતિ તંગ છે, ફરી એકવાર એસટી બસ સેવાને પણ અસર થઇ છે. બનાસકાંઠામાં ફિલ્મના વિરોધ માટે કાંકરેજના કંબોઈ પાસે રસ્તા પર રેતીના ઢગલા ખડકી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો ભાવનગરમાં'પદ્માવત'ના વિરોધમાં તમામ ટ્રાવેલ્સ ગુરૂવારે સવારે 6 થી રાત્રે 9 સુધી બંધ રાખશે. પાટણમાં મંગળવારે આ ફિલ્મ રિલીઝ ન થાય એ માટે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

English summary
Gujarat multiplex association has decided to not to release Padmaavat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.