
ગુજરાતમાં ત્રીજો મોરચો કેટલો કારગર રહેશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે, મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તડમાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શાસક પક્ષ ભાજપ પોતાનો ગઢ સાચવવા તમામ પ્રયાસ કરી રહ્યો છે, તો કોંગ્રેસમાં પણ વનવાસ દુર કરવાની રણનીતિ ચાલી રહી છે. પરંતું, સત્તાથી દુર કોંગ્રેસમાં સત્તા પરિવર્તન કરવા માટે જે માહોલ કે તૈયારી કરવી હોવી જોઇએ તેનો અભાવ વર્તાઇ રહ્યો છે. ત્યારે, બે રાજકીય પક્ષોની વચ્ચે કોઇ ત્રીજો પક્ષ કે મોરચો રાજ્ય વ્યાપી સ્વિકૃતિ મેળવતો નથી તો, શું આ વખતે પણ મુખ્ય હરિફાઇ બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રહેશે કે કોઇ ત્રીજો મોરચો પગપેસરો કરી શકે છે..?
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે મુખ્ય રાજકીય હરિફાઇ રહી છે અને છેલ્લા 30 વર્ષ જેટલા લાંબા સમયથી ભાજપ એકહથ્થું શાસન ભોગવી રહી છે. કોંગ્રેસી નેતાઓની નિષ્ક્રિયતા અને ભાજપની સતત સ્થાનિક નેતૃવ બદલાવના કારણે લોકોમાં એન્ટી ઇન્કમ્બનિસી હોવા છતાં પણ ભાજપ વિજયી થતો રહ્યો છે. ભાજપ અને નરેન્દ્ર મોદીને ટક્કર આપે તેવો કોઇ સબળ નેતા કોંગ્રેસમાં ઉભો થયો જ નથી. ત્યારે, હવે ભાજપને ટક્કર આપવા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ધીરેથી પગપસારો કરી રહી છે.
ભાજપને ચિંતા કોંગ્રેસની નથી પરંતું, ભાજપની છે. કારણ કે, કોંગ્રેસને કાઉન્ટર કરવી ભાજપ માટે સહેલી છે અને રાજકીય માહોલ પણ વિરોધમાં ઉભો કરી શકાયો છે. પરંતું, આમ આદમી પાર્ટી ભાજપ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. જો આમ આદમી પાર્ટી શહેરી વિસ્તારમાં પોતાનો ફેલાવો કરે તો હાલમાં ભાજપને કોઇ મોટા નુકસાનની શક્યતા નથી. પરંતું, ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના વોટમાં ગાબડું પાડી શકે છે.
સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીય પક્ષો કોઇ ત્રીજો પક્ષ ન ઉભી આવે તેની ફીરાકમાં રહે છે એટલે,, ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી બંને પક્ષોને ખૂંચે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના એક હિંદુંત્વવાદી વર્ગ પર આજે પણ નરેન્દ્ર મોદી અને ભાજપની મોટી છાપ પડેલી છે. જે, કોંગ્રેસને સ્વિકારવા તૈયાર નથી. તો આ કોર વોટબેંક સમાન વોટર્સ મોટો ફરક પાડી શકે છે.
મુખ્ય બે રાજકીય પક્ષોની વચ્ચે ઉભરી રહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપ કરતાં કોંગ્રેસને વધું ચિંતિત કરી દીધી છે. ભાજપથી નારાજ મતો કોંગ્રેસને મળવાની શક્યતા હતી તેવા મતો માટે આમ આદમી પાર્ટીની સક્રિયતાના કારણે મતોનું ધ્રુવિકરણ થવાની સંભાવના નકારી શકાતી નથી. ત્યારે, ત્રીજો મોરચો ગુજરાતમાં સ્વિકૃત થાય કે ન થાય પરંતું, ભાજપ અને કોંગ્રેસ માટે મોટો પડકાર તો બની શક્યો છે.