
જાણો કેવા માહોલમાં બદલાયા મુખ્યમંત્રી, ભાજપને શું થશે ફાયદો?
રાજ્યના રાજકારણમાં શરૂઆતથી જ કાસ્ટ ફેક્ટર પ્રમુખ રહ્યું છે. ગુજરાત ભાજપમાં 2014માં આનંદી બેન પટેલ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, જેમને પાટીદાર સમુદાયમાંથી આવે છે, જે રાજકીય રીતે વર્ચસ્વ ધરાવતો સમુદાય છે. જે બાદ પાટીદાર અનામત આંદોલન અને ઉનાકાંડ જેવી ઘટનાઓને કારણે તેમને ખુરશી છોડવી પડી હતી.
જે બાદ અમિત શાહના નજીકના એવા વિજય રૂપાણીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમની આગેવાનીમાં 2017ની ચૂંટણી ભાજપે જીતી હતી. જે બાદથી જ પાટીદાર સમુદાયમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહી હતી.
આ વચ્ચે 2022ની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પાટીદાર સમાજે પોતાના સમાજમાંથી જ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. રાજકીય વર્ચસ્વ ધરાવતા સમુદાયની આ માંગ વચ્ચે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદથી હટાવવામાં આવ્યા હતા, જેનું કારણ કોરોના મહામારી વચ્ચે સરકારની નિષ્ફળતા બતાવવામાં આવી રહ્યું છે. જો કે, આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો, જ્યારે રાજ્યમાંથી કોરોના સંક્રમણ ઘણુ ઓછુ થઇ ગયું હતું અને વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.
આવા સમાયે ભાજપે કાસ્ટ કાર્ડ ફેંકીને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા. અટકળો એવી હતી કે, નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે કારણે કે, તેમને પાટીદાર સમુદાયમાંથી આવે છે અને ભાજપના મોટા ગજાના નેતા પણ છે.
આ બધી ચર્ચાઓ વચ્ચે ભાજપ હાઇકમાન્ડે પહેલીવારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને ભાજપ હાઇકમાન્ડે એક કાંકરે બે પક્ષી માર્યા હતા, જેમાં તેમને પાટીદાર નેતાને મુખ્યમંત્રી બનાવ્યા અને આનંદી બેન પટેલના બેડાની નારાજગી પણ દૂર કરી, કારણ કે,
આનંદી બેન પટેલ બાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાને કારણે નારાજ હતા અને પાટીદાર સમાજ પણ ભાજપની વિરૂદ્ધ જઇ રહ્યો હતો. એટલે ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદાર વોટબેંક સિક્યોર કરવા સાથે આનંદી બેનને પણ મનાવી લીધા હતા. આ સાથે ભૂપેન્દ્ર પટેલ અમિત શાહ સાથે પણ સારા સંબંધ ધરાવે છે.
આવા સમયે સૌથી મોટો સવાલ છે કે, ભાજપે મુખ્યમંત્રીના ચહેરા માટે મોટા અથવા ચર્ચિત નામની જગ્યાએ લો પ્રોફાઈલ નેતા પર ભરોસો કેમ જતાવ્યો છે. ચૂંટણી પહેલાં એન્ટી ઈન્કબેન્સી ફેક્ટરને પગલે પાર્ટી મુખ્યમંત્રી અને મંત્રીઓને બદલવાનો દાવ લગાવ્યો છે.
નેતૃત્વમાં બદલાવ કરવાથી પાર્ટીમાં અસંતોષ પેદા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કેમ કે, ચર્ચિત ચહેરાઓની પોતાની લૉબી હોય છે, એવામાં કોઈ એક નેતાને કમાન સોંપવાથી બીજી લોબી નારાજ થઈ શકે છે. જેનું નુકસાન પાર્ટીને થઇ શકે છે.