
મોડાસાની યુવતી પ્રકરણમાં આરોપીના નાર્કો ટેસ્ટની CIDની માંગ
મોડાસાના સાયરાની 19 વર્ષીય યુવતી સાથે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા હતા. જેમાં આખરે રાજ્ય સરકારે જનાક્રોશને પારખીને આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમની SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપી હતી. જેમાં આજે જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં સીટ દ્વારા મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

નરાધમોએ દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી
દુષ્કર્મ કાંડના બે આરોપીઓ બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા કોર્ટે જામીન અરજીની ગુરુવારે સુનવણી હાથ ધર્યા બાદ જામીન અંગે 11 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે જણાવી મુદત પાડી હતી.

મોડાસા પ્રકરણમાં હજું એક આરોપી પોલીસ સકંજાથી દુર
દલિત કોલેજિયન યુવતીના અપહરણ, ગેંગરેપ અને હત્યાના ચકચારી કેસમાં 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. સામૂહિક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આજ સુધીંમાં 3 આરોપી ઝડપાયા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. ૩ આરોપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું હતું. જ્યારે સતિશ ભરવાડ નામનો આરોપી સીઆઈડી અને પોલીસતંત્રની પકડથી દૂર છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ હાલ સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમાંથી બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરી હતી. જેની આજે ગુરુવારે સુનાવણી નામદાર કોર્ટે હાથ ધરી હતી. જામીન અરજી સંદર્ભે વધુ સુનાવણી 11 માર્ચે હાથ ધરવામાં આવી હતી.

સીઆઇડીના આઇજીના નેતૃત્વમાં થઇ રહી છે પોલીસ તપાસ
મોડાસા પ્રકરણની 19 જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની SIT ટીમ કરી રહી છે. આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હોવાનું તપાસ અધિકારી દ્વારા જણાવ્યું છે. જેના કારણે આગામી સમયમાં કોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે. જે મામલામાં હવે કોર્ટ બિમલ ભરવાડના નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે મંજૂરી આપે છે કે કેમ તેના પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.