For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા-બાપા-બાપૂ, કોઈ કરી શક્યું નહીં કાબૂ

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 ડિસેમ્બર : ગુજરાતમાં ચુંટણીનું બ્યુગલ શું વાગ્યું, સૌ પ્રથમ બાપા ઉછળ્યાં. પછી બાપૂએ પોતાને સ્વઘોષિત કૅપ્ટન જાહેર કર્યાં અને બાબાએ પણ ખૂબ ધુણી ધખાવી, પરંતુ નરેન્દ્ર મોદી રૂપી આંધીને કોઈ કાબૂ ન કરી શક્યું. ગુજરાતની પ્રજાએ સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદીના નામ ઉપર મુખ્યમંત્રી તરીકેની મહોર મારી ગુજરાતના રાજકીય મેદાને ઉતરેલા બાબા-બાપા-બાપૂ ત્રણેને હાસિયે ધકેલી દીધાં.

Modi-Bapa-Bapoo-Baba

મોદી સમક્ષ આ ત્રણેય બી એક મોટા પડકાર તરીકે ઉપસ્યા હતાં, પરંતુ ચુંટણી પરિણામોએ સાબિત કરી આપ્યું કે આ પડકારો આભાસી હતાં અને ગુજરાતની પ્રજાએ આ ભ્રમને ભાંગી નાંખ્યું તથા સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગુજાતની ચુંટણીમાં એકમાત્ર મોદી જ મુદ્દા હતાં. પ્રજાએ એટલું જ નક્કી કરવાનું હતું કે મોદી ને કમબૅક કરવા છે કે નહીં? અને તેણે પોતાનો જનાદેશ મોદી પક્ષે સંભળાવી દીધો.

બાપા હવે કરો ખમૈયા...
ગુજરાતીમાં કહેવત છે કે હવે તો ખમૈયા કરો... એટલે કે બહુ થઈ ગયું, હવે શાંત થઈ જાઓ. આ કહેવત બાપા એટલે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઉપર બંધ બેસે છે. પટેલવાદ આધારિત રાજકારણ કરી ગુજરાતમાં જાતિગત સમીકરણોના આધારે ચુંટણી વૈતરણી પાર કરવાના કેશુભાઈના પ્રયત્નો નિષ્ફળ રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં બાપાના હુલામણાં નામે પ્રસિદ્ધ કેશુભાઈએ પોતાના ગઢ સૌરાષ્ટ્રથી માંડી દક્ષિણ ગુજરાત સુધી જોર લગાવ્યું, પરંતુ મોદીને કાબૂ ન કરી શક્યાં. માત્ર મોદીના નામનો જ સિક્કો ચાલ્યો અને બાપાને લોકોએ ખોટો સિક્કો સમજી જીતના મેદાનથી દૂર ફંગોળી દીધાં. પોતાના નેતૃત્વમાં ગુજરાત ભાજપને 1995 અને 1998 એમ બે-બે વાર બે તૃત્યાંશ બહુમતી અપાવવાનો દમખમ દાખવનાર બાપા ઉંમરના આ તબક્કે ભાગ્યે જ 2017ની ચુંટણીને લઈને વધુ આશાન્વિત હશે. એમ તો રાજકીય મહત્વાકાંક્ષા તેમને 2014ની લોકસભા ચુંટણી સુધી સક્રિય રાખી શકે છે, પરંતુ જ્યારે પોતાના રાજ્યમાં કંઈ જ ન હાસલ થયું, તો દેશ પાસેથી કઈ આશા સેવી શકાય? જોઇએ, બાપાની આગામી વ્યુહરચના શું રહે છે.

બાપૂએ તો ભારે કરી... પણ કરી ન શક્યાં
ગુજરાતીમાં સામાન્ય રીતે વડલાઓને સન્માન આપવા બાપૂ તરીકે સંબોધાય છે અને બાપૂ જેવા બિરૂદથી સન્માનિત લોકો સામાન્ય રીતે ભારે કાર્ય કરે છે. તેથી જ જ્યારે તેઓ કોઈ પણ કામ કરે છે, તો લોકો આશ્ચર્ય-ઉમંગ સાથે કહે છે બાપૂએ તો ભારે કરી... પરંતુ ગુજરાતના બાપૂ એટલે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સતત ત્રીજી વાર એવો કોઈ કમાલ ન કરી ક્યાં. મોદીના વિરાટ કદ આગળ બાપૂ જેવો ભારેખમ શબ્દ ટુંકો પડી ગયો.

2002માં કોંગ્રેસે તેમને ગુજરાતની ચુંટણીનું નેતૃત્વ સોંપ્યુ હતું અને સામ્પ્રદાયિક ધ્રુવીકરણના વાવાઝોડામાં બાપૂએ માત ખાવી પડી હતી. 2007માં બાપૂની સક્રિયતા ખાસ ચર્ચામાં નહોતી, તો 2012માં કોંગ્રેસે તેમને પુનઃ ગુજરાત ચુંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ બનાવ્યાં. મોદીના પડકારો સમક્ષ બાપૂ પોતે જ સ્પષ્ટતા આપતાં રહ્યાં કે તેઓ જ કોંગ્રેસના કૅપ્ટન છે, પરંતુ કોંગ્રેસે ક્યારેય નથી કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસને બહુમતી મળે, તો મુખ્યમંત્રી વાઘેલા બનશે. બાપૂ સ્વઘોષિત કૅપ્ટન બની સાચે જ કમાલ કરી ગયાં, પરંતુ પ્રજાએ સ્વઘોષિત નહીં, જન-ઘોષિત કૅપ્ટન ઉપર પસંદગીની મહોર મારી અને બાપૂને ફરી માત ખાવી પડી. 2009ની લોકસભા ચુંટણીમાં પંચમહાલ બેઠક ઉપરથી હાર્યા બાદ બાપૂ મોદી ઉપર ખિજાયેલા હતાં, પરંતુ આનો બદલો લેવાની તક તેઓને મળી શકી નહીં.

રાહુલ સાચે જ બાબો સાબિત થયાં...
રાહુલ ગાંધીને સામાન્ય રીતે ભારતીય રાજકારણમાં રાહુલ બાબા કહેવાય છે. બાબા શબ્દ એમ તો બાળકો માટે વપરાય છે અને ગુજરાતીમાં તો બાળકને બાબા અને બાળકીને બેબી કહેવાય છે. બાબા એટલે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી મોદી રૂપી વાવાઝોડું રોકવાની કોશિશ કરવાની કોશિશ કરી. અહીં કોશિશ શબ્દ બે વાર લખવું પડ્યું છે, કારણ કે રાહુલ ગાંધીનું ચુંટણી પ્રચાર માત્ર ખાનાપૂર્તિ કરતાં વધુ કંઈ નહોતું. તેમણે પોતાની સભાઓમાં માત્ર 15 મિનિટના જ વક્તવ્યો આપ્યાં અને તેમાં પણ 10 મિનિટ તો નહેરૂગાંધી કથા સંભળાવવામાં ગુમાવી દીધાં. હવે 11 વર્ષથી ગુજરાતના હૃદયમાં વસેલા મોદી સામે 15 મિનિટનું પ્રવચન કેટલું કામ લાગી શકે? નહેરૂ-ગાંધી કથા સંભળાવી રાહુલ ગાંધી સાચે જ બાળક સાબિત થયાં. સ્પષ્ટ થઈ ગયું કે તેમને હજુય રાજકારણ નથી આવડતું. પ્રજાની નાડ પારખવી તેમના વશની વાત નથી. નહેરૂ-ગાંધીની કથાઓ સંભળાવવી સરળ હશે, પરંતુ નહેરૂ-ગાંધી તો દૂર, ઇંદિરા-રાજીવ કે પછી સોનિયા જેવો સામાન્ય કરિશ્મા પણ ગુજરાતની પ્રજાએ રાહુલમાં અનુભવ્યું નહીં. આ વાત આજના પરિણામોથી સાબિત થઈ ગઈ.

English summary
Rahul Gandhi, Shankar Singh Vaghela and Keshubhai Patel all have been failed to win against Gujarat's biggest leader Narendra Modi in Assembly Election 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X