વિજય રૂપાણી ઘ્વારા ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરવાની જાહેરાત
જુનાગઢની ગિરનાર તળેટીના પૌરાણિક અને પરંપરાગત મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભવનાથ મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રી મેળાની ભવ્ય અને શાહી રવેડીના દર્શન કર્યા હતા. મેળાના ઇતિહાસમાં દિગમ્બર સાધુઓની તળેટી સ્થિત શાહી રવેડીના દર્શન કરનારા શ્રી વિજયભાઇ રૂપાણી પ્રથમ મુખ્યમંત્રી છે. રૂપાણીએ ભવનાથમેળાને મિની કુંભ તરીકે પણ જાહેર કર્યો હતો.
શિવજીની આરાધના કરવા પહોંચેલા પાંચ લાખથી વધુ ભાવિકોનું અભિવાદન ઝીલી મુખ્યમંત્રીશ્રીએ ભારતી આશ્રમ ખાતેના સ્વાગત સન્માન કાર્યક્રમમાં આવતા વર્ષથી જુનાગઢના મહાશિવરાત્રીના મેળાને 'મીની કુંભ મેળો’ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લાખો શ્રધાળુઓએ વધાવી લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ૩૩ કરોડ દેવતાઓ બિરાજમાન હોવાની શ્રધાળુઓને શ્રદ્ધા છે એવા ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની પણ જાહેરાત કરી હતી. સાધુ સંતો અને ભાવિકોની લાગણી ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીએ વર્ષો જુના ગિરનારના તમામ પગથીયા મરામત-જીર્ણોધાર કરવાની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ અને ગિરનારના તીર્થ પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર જરૂરીયાત મુજબનો તમામ ખર્ચ કરશે તેમ જણાવ્યું હતું.
તળેટી સ્થિત શ્રી પંચદશનામ જુના અખાડાની વર્ષો જુની જગ્યાની જમીનને નિયમિત કરવાની જાહેરાત કરી આ અંગેનો હુકમ અખાડાના સંતોને અર્પણ કર્યો હતો.