ગુજરાતમાં સ્કૂલ- કોલેજો ક્યારથી ખુલશો?
દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, એમ્સ દિલ્હીના ડાયરેક્ટરે પણ ચેતવણી આપતા કહ્યું હતું કે શિયાળો નજીક છે ત્યારે કોરોના વાયરસના કેસ વધી શકે છે, તેવમાં ઠંડીના મોસમમાં લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે. તેવામાં ગયા માર્ચ મહિનાથી વેકેશન પર બેઠેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક સવાલ ઉઠી રહ્યો હશે કે આખરે ગુજરાતમાં સ્કૂલ- કોલેજો ક્યારે ખુલશે?
જણાવી દઈએ કે આજથી એટલે કે 19 ઓક્ટોબરથી સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સરકારે પોતાના રાજ્યોમાં સ્કૂલો ખોલી મૂકી છે. આ રાજ્યોમાં ધોરણ 9થી 12 સુધીના બાળકોની ભણતર પ્રક્રિયા આજથી પુનઃ પ્રારંભાઈ રહી છે, ત્યારે સંલગ્ન રાજ્ય સરકારે સેફ્ટી મેઝરની ધ્યાનમાં રાખી કેટલીક ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે અને આ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન થાય તે તેવો આદેશ આપ્યો છે. સ્કૂલ કોલેજો માટે જાહેર થયેલી આ ગાઈડલાઈન જાણવા અહીં ક્લિક કરો.
જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હજી પણ 14 નવેમ્બર સુધી સ્કૂલ- કોલેજો ખુલે તેવા એંધાણ નથી દેખાઈ રહ્યા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પીએમ મોદી સાથે મળેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે કોરોના કાળને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં ના ધકેલી શકાય માટે, ગુજરાત રાજ્ય દિવાળી પછી જ સ્કૂલ- કોલેજો ખોલશે. ત્યારે 14 નવેમ્બર સુધી તો સ્કૂલ કોલેજો નહિ જ ખુલે તે ફાઈનલ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પોતાની Unlock-5 Guidelines માં દેશભરમાં રાજ્યોને લિમિટેડ ધોરણે સ્કૂલ કોલેજો ખોલવાનું સૂચન કર્યું હતું. જો કે રાજ્યોને સ્કૂલો ખોલવી કે ના ખોલવી તે નિર્ણય લેવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસામાએ કહ્યું કે, હાલની સ્થિતિને જોતાં તેઓ અત્યારે સ્કૂલ કોલેજો ખોલવા નથી માંગતા. ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું કે રાજ્યમાં દિવાળી વેકેશન પછી જ સ્કૂલ કોલેજો ખુલશે એટલે કે હવે ગુજરાતમાં સ્કૂલો નેવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ખુલી શકે છે.