For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl : પંજામાંથી ખરતા ‘આંગળા’, દસ વર્ષ પાછળ ધકેલાઈ કોંગ્રેસ!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 ફેબ્રુઆરી : ગુજરાતમાં ચૂંટણીઓ આવતા પહેલા પક્ષપલ્ટાની મોસમ ખીલી ઉઠી છે અને તેનો સૌથી મોટો ભોગ બની રહી છે કેન્દ્રમાં સત્તારૂઢ કોંગ્રેસ કે જે ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી વિરોધ પક્ષમાં છે. રાષ્ટ્રીય કક્ષાએ લોકસભા ચૂંટણી 2014 માટેની તૈયારીઓમાં જોતરાયેલી કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના અપ્રત્યક્ષ નેતૃત્વ હેઠળ દેશ ભરમાં નરેન્દ્ર મોદીની કહેવાતી લહેર સામે નબળી શક્યતાઓ છતાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તૈયારી કરી રહી છે, ત્યારે નરેન્દ્ર મોદીના ગઢમાં કોંગ્રેસને સતત માર પડી રહ્યો છે. હાલત એવી થઈ ગઈ છે કે કોંગ્રેસના પંજામાંના આંગળાઓ જાણે એક પછી એક ખરી રહ્યાં છે, તો ભાજપના કમળમાં એક પછી એક પાંખડીઓ ઉમેરાતી જઈ રહી છે.

લોકસભા ચૂંટણી 2014 માટેના પડઘમ વાગવાના શરૂ થઈ ગયાં છે અને તેનો અવાજ ગુજરાતમાં પણ સંભળાવવો સ્વાભાવિક છે, કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ જે બે ધુરંધરો એટલે કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ટક્કર થવાની છે, તેમાં નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના છે અને ગુજરાતના મુખ્યમંત્રી પણ છે. નરેન્દ્ર મોદીને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે અને તેના દાખલા તેઓ સમયાંતરે આપતા જ રહે છે. ગત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન પણ મોદીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના અનેક નેતાઓ-કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં, તો હવે એ જ સિલસિલો લોકસભા ચૂંટણી 2014 દરમિયાન શરૂ થયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપે 115 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, તો કોંગ્રેસે 1985ની વિધાનસભા ચૂંટણી બાદ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 61 બેઠકો હાસલ કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીની આંધી અને ચાણક્ય નીતિ સામે કોંગ્રેસ પાર્ટી આ આંકડો જાળવવામાં સતત નિષ્ફળ રહી છે. તેનો તાજો દાખલો એ છે કે કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તાજેતરના દિવસોમાં સાગમટે પાંચ કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભૂકમ્પ સર્જાઈ ગયું છે. હાઈકમાંડે ચિંતા પણ વ્યક્ત કરી છે, તો બીજી બાજુ કોંગ્રેસનો આ રકાસ અહીં જ થોભાય, તેવી કોઈ શક્યતા નથી જણાતી.

પક્ષપલ્ટાની આ મથામણ સાથે જ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 52 ઉપર આવી ગઈ છે. ધારાસભ્યોની સંખ્યાના આધારે જોઇએ, તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ આ બાબતમાં દસ વરસ પાછળ ધકેલાઈ ગઈ છે, કારણ કે 1998માં તેના સભ્યોની સંખ્યા 53 અને 2002માં 51 હતી. નરેન્દ્ર મોદીના ગુજરાતના રાજકારણમાં આગમન બાદ કોંગ્રેસ પક્ષે ક્યારેય રાહતનો શ્વાસ લીધો નથી. જોકે લોકસભાની ચૂંટણીઓ દરમિયાન તે થોડીક પ્રગતિ કરે છે, પરંતુ પાછો રકાસ થતા વાર નથી લાગતી.

ચાલો તસવીરો સાથે જોઇએ કોંગ્રેસ પક્ષનો 149થી 52 સુધીનો રકાસ :

રેકૉર્ડ બ્રેક સફળતા

રેકૉર્ડ બ્રેક સફળતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 1985માં કોંગ્રેસને રેકૉર્ડ બ્રેક સફળતા મળી હતી. ઇંદિરા ગાંધીની હત્યા બાદ ઉપજેલી સહાનુભૂતિ લહેરમાં ગુજરાતમાં કોંગ્રેસને 182માંથી 149 બેઠકો મળી હતી કે જે આજ સુધીનો રેકૉર્ડ હતો. આ રેકૉર્ડ માધવસિંહ સોલંકીના નામે છે કે જેઓ તે વખતના મુખ્યમંત્રી હતાં.

રેકૉર્ડ બ્રેક નિષ્ફળતા

રેકૉર્ડ બ્રેક નિષ્ફળતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 1990 કોંગ્રેસ માટે ગત ચૂંટણીના રેકૉર્ડ તો જવા દ્યો, ગુજરાતના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો આપનારી ચૂંટણી સાબિત થઈ. ચિમનભાઈ પટેલના જનતા દળ તથા કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપે ગઠબંધન કરતાં કોંગ્રેસને માત્ર 33 બેઠકો જ હાસલ થઈ. તે વખતે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતાં.

પહેલી વખત ભાજપ સરકાર

પહેલી વખત ભાજપ સરકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 1995માં ભાજપ પહેલી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. આ ચૂંટણીમાં કોંગ્રેસને 45 બેઠકો હાસલ થઈ કે જે ગત ચૂંટણી કરતાં 12 વધુ હતી.

પ્રગતિ તરફ કોંગ્રેસ

પ્રગતિ તરફ કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 1998માં પુનઃ ભાજપને બહુમતી મળી અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યાં. આ ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા 53 થઈ ગઈ કે જે ગત ચૂંટણી કરતાં 8 વધારે હતી, પરંતુ 149થી નીચે ફસકેલી કોંગ્રેસ હજીય 60ના આંકડાને સ્પર્શી નહોતી શકી.

હારમાં સાતત્યતા

હારમાં સાતત્યતા

કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં જાણે પરાજયની સાતત્યતા જાળવતો હોય, તેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002માં તેની બેઠકોની સંખ્યા 51 રહી. નરેન્દ્ર મોદીના આગમન બાદ કોંગ્રેસનો આ પહેલો પરાજય હતો. ગત ચૂંટણી કરતા કોંગ્રેસને 2 બેઠકો ઓછી મળી હતી.

સાઇઠથી દૂર કોંગ્રેસ

સાઇઠથી દૂર કોંગ્રેસ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં પણ કોંગ્રેસને કોઈ કળ ન વળી અને તેની બેઠકોની ગત ચૂંટણી કરતા 8 વધીને 59 ઉપર પહોંચી ગઈ, પણ છતાં તે સાઇઠથી દૂર જ રહી.

અઢી દાયકાનો શ્રેષ્ઠ દેખાવ

અઢી દાયકાનો શ્રેષ્ઠ દેખાવ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં પણ કોંગ્રેસે હારની પરમ્પરા જાળવી રાખી. જોકે આ ચૂંટણીમાં તેને 61 બેઠકો મળી. અઢી દાયકાનો આ કોંગ્રેસનો સર્વશ્રેષ્ઠ દેખાવ હતો કે તે 60ના આંકડાને પાર કરી શકી, પરંતુ....

કુદરતી આંચકો

કુદરતી આંચકો

કોંગ્રેસ માંડ 61 બેઠકો જીતી શકી હતી ને ત્યાં જ ચૂંટણી બાદ તરત જ મોરવા હડફના તેના નવા ચૂંટાયેલા ધારાસભ્ય સવિતાબેન ખાંટનું હૃદય રોગનો હુમલો થતાં મોત થઈ ગયું અને કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 60 થઈ ગઈ.

ડબલ આંચકો

ડબલ આંચકો

સવિતાબેન ખાંટના મોત બાદ કોંગ્રેસના સભ્યોની સંખ્યા 60 થઈ હતી, તો આ 60 સભ્યોમાં સામેલ કોંગ્રેસના સાંસદો સોમાભાઈ પટેલ અને વિટ્ઠલ રાદડિયાએ ધારાસભ્ય તરીકે ચાલુ રહેવાનો ઇનકાર કર્યો. આ બંનેના રાજીનામા સાથે જ કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 58 થઈ ગઈ. એટલું જ નહીં, વિટ્ઠલ રાદડિયા તો ભાજપમાં પણ જોડાઈ ગયાં.

પિતા સાથે જયેશ પણ ભાજપમાં

પિતા સાથે જયેશ પણ ભાજપમાં

વિટ્ઠલ રાદડિયા ભાજપમાં જોડાતા તેમના કોંગ્રેસી ધારાસભ્ય પુત્ર જયેશ રાદડિયા પણ ભાજપમાં જોડાઈ ગયાં અને આ સાથે જ કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 57 થઈ ગઈ.

પેટા ચૂંટણીમાં વળતર ન મળ્યું

પેટા ચૂંટણીમાં વળતર ન મળ્યું

સાંસદોના ચૂંટાવા અને રાજીનામાના કારણે ગુજરાતમાં લોકસભાની બે અને વિધાનસભાની 4 બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાઈ. આમ તમામ બેઠકો કોંગ્રેસના જ કારણે ખાલી થઈ હતી, પરંતુ કોંગ્રેસને એકેય બેઠક પાછી ન મળી અને તેના ધારાસભ્યોની સંખ્યા 57 જ રહી.

બાવકૂ ઉંઘાડ

બાવકૂ ઉંઘાડ

હવે લોકસભા ચૂંટણી પહેલા પુનઃ શરૂ થઈ છે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની મોસમ અને તેની શરુઆત થઈ હતી મૂળ ભાજપના કોંગ્રેસી ધારાસભ્ય બાવકૂ ઉંઘાડ સાથે. બાવકૂ ભાજપમાં જોડાતા કોંગ્રેસની બેઠકો ઘટી 56 થઈ ગઈ.

અને આમ થઈ ગયાં બાવની

અને આમ થઈ ગયાં બાવની

તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના ચાર ધારાસભ્યોએ સાગમટે પક્ષપલ્ટો કર્યો. તેમાં જસા બારડ, રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રભુ વસાવા અને છબીલ પટેલનો સમાવેશ થાય છે. એક સાથે ચાર ધારાસભ્યો છોડી જતાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટીને 52 ઉપર આવી ગયું.

English summary
Congress party is falling apart in Narendra Modi is Gujarat. The Congress high command concerned. Congress party is falling apart in Narendra Modi is Gujarat. The Congress high command concerned. Here is the graph of Congress party's 149 to 52 seats demotion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X