નવી દિલ્હી, 16 માર્ચ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીને ઓછી આંકવા અથવા લોકસભા ચૂંટણીમાં ખૂબ જ મૂશ્કેલ લક્ષ્યનો સામનો કરવાના વિચારનું ખંડન કરતા જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણી બાદ દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએ-3ની જ સરકાર બનશે.
રાહુલે માન્યુ કે 10 વર્ષના શાસનકાળ બાદ કેટલીક હદ સુધી અમારા વિરોધી જુવાળ છે, પરંતુ તેમણે નાણામંત્રી પી ચિદમ્બરમના એ વિચારથી અસહમતી દર્શાવી કે પાર્ટીને ઓછી આંકવામાં આવી રહી છે અને તેની સામે ખૂબ જ મોટું લક્ષ્ય છે. તેમણે પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોંગ્રેસ પડકારપૂર્ણ ચૂંટણી લડી રહી છે અને અમે ચૂંટણી જીતીશું.
રાહુલે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળનાર બેઠકોને લઇને અનુમાનથી ઇનકાર કરતા જણાવ્યું કે, હું કોઇ ભવિષ્યવક્તા નથી, પરંતુ અમે સારું કરીશું. ચૂંટણી પૂર્વેના સર્વેક્ષણોનું ખંડન કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં 2009ની ચૂંટણીની સરખામણીએ ખૂબ જ સારુ પ્રદર્શન કરશે અને તેના કરતા વધારે બેઠકો જીતીને લાવશે. કોંગ્રેસે 2009માં 206 બેઠકો પર વિજય મેળવ્યો હતો.તેમણે યાદ અપાવ્યું કે 2004 અને 2009ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર અથવા ખરાબ રીતે પરાજયનું અનુમાન લગાવવામાં આવતું હતું. લોકોની સાથે સંવાદમાં સરકાર અને પાર્ટીની નિષ્ફળતા અંગે રાહુલે જણાવ્યું કે, મારું માનવું છે કે અમે અમારી સિદ્ધીઓ લોકો સુધી વધુ આક્રમકરીતે પહોંચાડી શકતા હતા, જેમકે મેં કહ્યું કે અમે પરિવર્તનકારી કાર્ય કર્યું છે. અમે સંવાદમાં હંમેશા બેહતર હોઇ શકીએ છીએ.