
શાહ અને જેટલી સહિતની હસ્તીઓ ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં કરશે સંબોધન
નવી દિલ્હીઃ સેન્ટર ફોર ઈકોનોમિક પોલિસી રિસર્ચ પોતાના નોલેજ પાર્ટનર નીતિ આયોગ સાથે મળીને બેંકિંગ સેક્ટરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવનું આયોજન કરવા જઈ રહ્યા છે. જેમાં બેંકિંગ સહિતની સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
નવી ટેક્નોલોજીથી પરિચિત કરાવ્યા બાદ અને બેંકિંગ સેક્ટરમાં ગ્રાહકોમાં થતા વધારાના પગલે ઘણા પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ કૉન્ક્લેવ દ્વારા આવા બેંકિંગ પડકારોનો સામનો કરવાના પગલાં શોધવામાં આવશે. કૉન્ક્લેવમાં ભાજપના પ્રેસિડન્ટ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ અને નાણાકિય સેક્ટરના કેટલાય દિગ્ગજો સંબોધન કરશે.
આ પહેલ દ્વારા સરકાર બેંકિંગ સમસ્યાઓનું સમાધાન કઈ રીતે કરશે અને બેંકોનું રિસ્ક કઈ રીતે ઘટાડી શકાય અને તેને સંબંધિત પગલાઓ કેવાં ભરવાં જોઈએ વગેરે બાબતોનું સ્પષ્ટિકરણ કરવામાં આવશે. જે ઈનવેસ્ટમેન્ટ સાયકલ માટે પણ મદદરૂપ સાબિત તસે અને તેનાથી ભારતનો જીડીપી ગ્રોથ રેટ પણ વધારી શકાશે. કોઈપણ દેશના જીડીપી ગ્રોથમાં બેંકોનો મહત્વનો ફાળો રહેતો હોય છે.
પરંતુ બેંકિંગ સેક્ટરમાં કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નો આવીને ઉભા થયા છે જે અંગે કૉન્ક્લેવમાં ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સ્થિતિ કેવી ખરાબ છે, બેંકોમાં સુધારાની જરૂરત શા માટે છે?, સુધારાને લાગૂ કઈ રીતે કરી શકાશે?, વ્યવસાય પ્રત્યે અભિગમ અને વર્ક કલ્ચર કેવું હોવું જોઈએ?, ટેક્નોલોજીને વિકસાવવા માટેના પડકાર માટે બેંકો કેવી રીતે તૈયાર રહે? ગ્રાહકોને ટેક્નોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે? વગેરે મુદ્દાઓ પર ચર્ચા થશે.
કૉન્ક્લેવમાં ઉપરના તમામ પ્રશ્નો અંગે સંબોધન કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેબિનેટ મંત્રી અરુણ જેટલી, રેલવે અને નાણામંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રી મંત્રી સુરેશ પ્રભુ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ, નીતિ આયોગના વીપી રાજીવ કુમાર, ICICI બેંકના ચેરમેન ગિરિશ ચંદ્ર તુર્વેદી, હર્ષ વર્ધન, આર્થિક મામલાઓના સલાહકાર ઈલા પટનાયક, એસબીઆઈના અરુંધતી ભટ્ટાચાર્ય સહિતના કેટલાય દિગ્ગજો સંબોધન કરશે.
રસપ્રદ વાત એ છે કે બેંકિગ સેક્ટર, ઔદ્યોગિક સેક્ટર અને રાજનીતિ સહિતના ક્ષેત્રના દિગ્ગજો ઉપરાંત આ કૉન્ક્લેવમાં ફિલ્મ મેકર્સ, પ્રોડ્યૂસર્સ, રિયલ એસ્ટેટ ડેવલોપર્સ, એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન્સ, એકેડમિક્સ અને પોલિસી મેકર્સ પણ આ કૉન્ક્લેવમાં સંયુક્ત રીતે ભાગ લેશે.