
Final Results બાદ જોઈએ મધ્ય પ્રદેશમાં કેટલા સફળ રહ્યા Exit Polls
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ફાઈનલ પરિણામો સામે આવી ચૂક્યા છે. 230 વિધાનસભા સીટવાળી મધ્ય પ્રદેશમાં આ વખતે કોંગ્રેસ પાર્ટીએ શાનદાર કમબેક કર્યુ છે. છેલ્લા 15 વર્ષોથી સત્તામાં બેઠેલી ભાજપને પાછળ ધકેલીને કોંગ્રેસ આ વખતે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે ચૂંટણી પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. જેમાં છેવટે ફાઈનલ પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીએ 114 સીટો પોતાના નામે કરી દીધી. જ્યારે અત્યાર સુધી સત્તા સંભાળી રહેલી ભાજપને 109 સીટો પર સંતોષ માનવો પડ્યો. ફાઈનલ પરિણામ સામે આવ્યા બાદ હવે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મધ્ય પ્રદેશ અંગે આ વખતના એક્ઝીટ પોલ્સ કેટલા સફળ રહ્યા. એક નજર નાખીએ એક્ઝીટ પોલ્સ અને ફાઈનલ રિઝલ્ટ્સના આંકડા પર...
આ પણ વાંચોઃ 'એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018ના એક્ઝીટ પોલ્સ અને ફાઈનલ પરિણામો જોઈએ તો આમાં મોટુ અંતર જોવા ન મળ્યુ. આવુ એટલા માટે થયુ કારણકે 8 એક્ઝીટ પોલ્સમાંથી 5એ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મોટી પાર્ટી હોવાની વાત કહી હતી જ્યારે ત્રણમાં ભાજપ વધુ સીટો સાથે મોટી પાર્ટી બનતી દેખાઈ રહી હતી. પરિણામોમાં પણ કોંગ્રેસ મોટી પાર્ટી બનીને ઉભરી. એક્ઝીટ પોલમાં મોટાભાગે જોવામાં આવ્યુ હતુ કે મધ્ય પ્રદેશમાં કાંટાની ટક્કર થઈ શકે છે. આવુ જ કંઈક ફાઈનલ પરિણામોમાં જોવા મળ્યુ. એક્ઝીટ પોલ્સ પર નજર નાખીએ તો ટાઈમ્સ નાઉ-સીએનએક્સએ ભાજપને 126 સીટો અને કોંગ્રેસને 89 સીટો અને અન્યને 15 સીટો આપી હતી જ્યારે પરિણામો આ એક્ઝીટ પોલ્સથી બિલકુલ અલગ જ આવ્યા.
ઈન્ડિયા ટુડે-એક્સીસના સર્વેમાં ભાજપને 102થી 120 અને કોંગ્રેસને 104થી 122 સીટો આપી હતી. વળી, અન્યને 4-11 સીટો બતાવવામાં આવી હતી. આ સર્વેમાં કાંટાની ટક્કર જોવા મળી અને ફાઈનલ પરિણામોમાં પણ તે વાત જોવા મળી. ન્યૂઝ X-NETA ના એક્ઝીટ પોલ્સમાં ભાજપને 106 અને કોંગ્રેને 112 અને અન્યને 12 સીટો બતાવવામાં આવી હતી કે જે ઘણી હદે ફાઈનલના આંકડા આસપાસ જોવા મળી.
રિપબ્લિક- CVoter ના એક્ઝીટ પોલમાં 106 સીટો ભાજપ, 110-126 કોંગ્રેસ અને અન્ય 6-12 સીટો, જે પરિણામોમાં અમુક હદે જોવા મળ્યુ. કોંગ્રેસ મોટી પાર્ટી જરૂર બની પરંતુ બહુમતથી બે પગલા પાછળ રહી. ન્યૂઝ નેશને ભાજપને 108-112 અને કોંગ્રેસને 105થી 109 સીટો આપી પરંતુ પરિણામો અલગ રહ્યા. કોંગ્રેસની વધુ સીટો આવી. એબીપી- CSDS એ ભાજપને 94 અને કોંગ્રેસ 126 સીટો, અન્ય 10 પરંતુ પરિણામોમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર સાફ જોવા મળી. રિપબ્લિક-જનની વાતના એક્ઝીટ પોલમાં ભાજપ 110-126 અને કોંગ્રેસ 95-115 અને અન્ય 6-22 સીટો આપી. જેમાં અંતર સ્પષ્ટ જોવા મળ્યુ. ટુડેઝ ચાણક્યાના એક્ઝીટ પોલમાં ભાજપને 103 અને કોંગ્રેસને 125, અન્ય 2 સીટો હતી. જો કે પરિણામોમાં કોંગ્રેસ મોટી પાર્ટી બની પરંતુ સીટો ઓછી આવી. કુલ મળીને જોઈએ તો જે રીતે આશા એક્ઝીટ પોલમાં હતી તેવી જ અસર પરિણામોમાં દેખાઈ.