
NRIના PM પોસ્ટ ટેસ્ટમાં મોદી અને જયલલિતા પાસ, રાહુલ ફેલ
નવી દિલ્હી, 17 ઓગસ્ટ : દેશભરમાં નરેન્દ્ર મોદીના નામનો ડંકો વાગી રહ્યો છે. આ ડંકાની ગૂંજ એટલી જોરદાર છે કે વિદેશોમાં પણ સંભભાઇ રહી છે. હવે લંડનથી લઇને ઓસ્ટ્રેલિયા સુઘી લોકો નરેન્દ્ર મોદીને પોતાને ત્યાં વ્યાખ્યાન આપવા માટે બોલાવી રહ્યા છે. પણ સારા ભાષણ આપો અથવા તો સારા વક્તા હોવ એટલે તમે દેશનું સૂકાન પણ સારી રીતે સંભાળી શકો એવું નથી. આ બાબત પ્રવાસી ભારતીયો દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેમાં સાબિત થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક એનઆરઆઇ સર્વેક્ષણના પરિણામોને આધારે દાવો કરવામાં આવ્યો છે કે ભારતના આગામી વડાપ્રધાન તરીકે માત્ર નરેન્દ્ર મોદી નહીં પણ જયલલિતા પણ યોગ્ય ઉમેદવાર છે. જ્યારે રાહુલ બાબા એનઆરઆઇના ટેસ્ટમાં નાપાસ થયા છે.
આ સર્વે દુબઇની એક સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યો છે. સર્વે ડૉ પોન મોહઇદ્દીન પિચાઇના નેતૃત્વમાં કરવામાં આવ્યો છે. ડૉ પિચઇ મૂળ તમિલનાડુના નિવાસી છે. હાલ તેઓ દુબઇમાં રહે છે. આ સર્વેક્ષણમાં ભારતના આગામી પીએમ માટેના ઉમેદવારની પસંદગી માટે 10 માપદંડ આપવામાં આવ્યા હતા. આ માપદંડોને આધારે લોકોને રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને જયલલિતા વચ્ચે તુલના કરવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રત્યેક માપદંડ માટે 10 માર્ક રાખવામાં આવ્યા હતા. આમ કુલ 100 માર્કમાંથી આ ત્રણ નેતાઓને માર્ક આપવામાં આવ્યા હતા. આ મુજબ રાહુલ ગાંધી માત્ર શિક્ષણની બાબતમાં 10માંથી 10 અંક મેળવી શક્યા હતા. બાકી કોઇ પણ બાબતમાં તેમને 7 માર્ક્સમાંથી વધારે માર્ક મળ્યા ન હતા. જ્યારે નરેન્દ્ર મોદી અને જયલલિતાને ચાર ચાર વિષયોમાં ફુલ માર્ક્સ મળ્યા હતા. જ્યારે કુલ 100 માર્ક્સમાંથી નેતાઓને કેટલા માર્ક્સ મળ્યા છે તેનો સરવાળો કરવામાં આવ્યો તો રાહુલ ગાંધીને 53, નરેન્દ્ર મોદીને 81 અને જયલલિતાને 86 માર્ક મળ્યા હતા.
આ સર્વે ઇમેઇલ અને ટેલિફોન દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં મોટા ભાગના પ્રતિભાગીઓ આરબ દેશો એટલે કે કતાર, સાઉદી, બહરિન, આમાન અને કુવૈતમાં રહેતા ભારતીયો હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા અને થાઇલેન્ડમાં રહેનારા ભારતીયોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

75 ટકાએ લીધો મોદી-જયાનો પક્ષ
સર્વેક્ષણમાં 75 ટકા લોકોનું કહેવું હતું કે ભારતના આગામી વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદી અને જયલલિતા જ સૌથી યોગ્ય ઉમેદવાર છે.

માપદંડો શું હતા
આ સર્વેક્ષણમાં શિક્ષણ, નેતૃત્વ ક્ષમતા, લોકોનું સમર્થન, રાષ્ટ્રીય ઓળખ, અર્થશાસ્ત્રનું જ્ઞાન, વૈશ્વિક નેટવર્ક, પાર્ટીનો પ્રભાવ, લોકશાહીમાં વિશ્વાસ અને પરફેક્શન જેવા માપદંડો રાખવામાં આવ્યા હતા.

મોદી આર્થિક સ્થિતિ સુધારી શકે
આ સર્વેક્ષણમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર મોદી દેશની આર્થિક સ્થિતિને સુધારી શકે છે. મનમોહન સિંહની સરખામણીએ તે વધારે સારા છે.

આર્થિક નીતિઓનું જ્ઞાન
સર્વેક્ષણમાં લોકોનું માનવું છે કે નેતાઓ નરેન્દ્ર મોદી અને જયલલિતાને આર્થિક નીતિઓનું સારું જ્ઞાન છે. બંનેએ મુખ્યમંત્રી તરીકે સારું પ્રદર્શન કર્યું છે.

રિપોર્ટ કાર્ડ
એનઆરઆઇ ટેસ્ટ અનુસાર જયલલિતાએ તમિલનાડુમાં તેજીથી વિકાસ કર્યો છે. વર્ષ 2013માં તમિલનાડુનો વિકાસ દર 11 ટકાથી વધારે રહેવાની શક્યતા છે. તેઓ આ મોડેલને દેશભરમાં લાગુ કરવામાં સક્ષમ છે. બીજી તરફ નરેન્દ્ર મોદીનો અનુભવ પણ સૌથી વધારે છે. જ્યારે રાહુલ ગાંધી મોટા ભાગના માપદંડોમાં બાકી બંને નેતાઓથી પાછળ છે.