સ્ટેન્ડિંગ કમિટીને મોકલાયું મેડિકલ કમિશન બિલ, તબીબોની હડતાલ સમાપ્ત
નેશનલ મેડિકલ કમિશન બિલ સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવામાં આવ્યું છે, જે પછી દેશભરના ડૉક્ટરોએ હડતાલ પરત લીધી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ)ના આહ્વાન પર મંગળવારે દેશભરના ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. જો કે, બપોર બાદ ડૉક્ટરોએ પોતાની હડતાલ પરત લઇ લીધી હતી અને કામ પર પાછા ફર્યા હતા. આ હડતાલને કારણે સવારથી બપોર સુધી ચિકિત્સા વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ હતી, જેને કારણે દર્દીઓને ઘણી મુસીબત ભોગવવી પડી હતી. સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ લાવી રહી છે. આઇએમએ દ્વારા આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરના ડૉક્ટરોના વિરોધ બાદ સરકારે બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલ્યું છે.
શું છે નેશનલ મેડિકલ કમિશન બિલ?
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા દ્વારા રજૂ કરવામાં આવેલ બિલમાં નેશનલ મેડિકલ કમિશન હેઠળ સ્વતંત્ર બોર્ડ બનાવવાની જોગવાઇ છે. આનું કામ અંડર ગ્રેજ્યૂએટ અને પોસ્ટ ગ્રેજ્યૂએટ શિક્ષાનું નિરીક્ષણ કરવા સિવાય ચિકિત્સા સંસ્થાનોમાં માન્યતા અને ડૉક્ટરોની નોંધણીની વ્યવસ્થા જોવાનું રહેશે. નેશનલ મેડિકલ કમિશનમાં સરકાર દ્વારા નીમવામાં આવેલ ચેરમેન અને સભ્યો હશે, જ્યારે બોર્ડમાં સભ્યો સર્ચ કમિટી દ્વારા શોધવામાં આવશે. આ કેબિનેટ સચિવના નીરિક્ષણ હેઠળ બનાવવામાં આવશે. પેનલમાં 12 પૂર્વ અને પાંચ ચૂંટાયેલા સભ્યો હશે. આ સાથે જ આ બિલમાં પ્રવેશ પરીક્ષા સાથે લાઇસન્સ પરીક્ષા આયોજિત કરવાનો પ્રસ્તાવ પણ છે. તમામ સ્નાતકોને પ્રેક્ટિસ કરવા માટે લાઇસન્સ પરીક્ષા પાસ કરવી પડશે. બિલ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે, બેઠકો વધારવા અને પોસ્ટ ગ્રેજ્યૂએટ કોર્સ શરૂ કરવા માટે સંસ્થાનોને અનુમતિની જરૂર નહીં હોય. આ બિલનો હેતુ દેશના ચિકિત્સા શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનો તથા ભ્રષ્ટાચાર અને એનૈતિક ગતિવિધિઓથી મુક્ત કરવાનો છે.