
Exit Poll મુદ્દે રાઘવ ચઢ્ઢાનું નિવેદન, કહ્યું- અમારી પાર્ટીને ઓછી આંકવામાં આવી રહી છે
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે ત્યારે તમામ એક્ઝિટ પોલમાં બીજેપીને બહુમત મળતો દેખાડાઈ રહ્યો છે. આ તમામ પોલમાં આમ આદમી પાર્ટી 9થી 21 સીટ મેળવતી દેખાડાઈ રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન સામે આવ્યુ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યુ છે કે, અમારી પાર્ટીને ઓછી આંકવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે હવે સામે આવેલા આંકડા આ વાતને સમર્થન આપતા નથી. આંકડા વચ્ચે રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આપના મતદારો સાયલન્ટ છે, તે એક્ઝિટ પોલમાં આવતા નથી. દિલ્હી MCD ચૂંટણીને લઈને જાહેર થયેલા એક્ઝિટ પોલ મુદ્દે તેઓએ કહ્યું કે, અમે અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કરીશું. ચઢ્ઢાએ કહ્યું કે ગુજરાતમાં પાર્ટીના સહ-પ્રભારી હોવાના કારણે હું કહી શકું છું કે અમે ઘણું સારું કરવા જઈ રહ્યા છીએ.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, પાર્ટી પોતાની સંપૂર્ણ તાકાત સાથે પહેલીવાર રાજ્યમાં ચૂંટણી લડી રહી છે. APP ને ઓછી આંકવામાં આવી રહી છે. રાઘવ ચઢ્ઢાએ 2013નું દિલ્હીનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યારે AAPને માત્ર ચારથી પાંચ બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી હતી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, લોકો અનુમાન નથી લગાવી શક્યા કે અમારા મતદારો કોણ છે? આમ આદમી પાર્ટીને નોંધપાત્ર વોટ શેર મળશે અને ગુજરાતમાં સરકાર બનાવશે.
અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં પુરી તાકાત સાથે ઉતરી હતી. આમ આદમી પાર્ટીના નેતાઓ 90થી વધુ સીટો પર જીતના દાવા કરી રહ્યા છે. આ પહેલા આમ આદમી પાર્ટીના મેતા સંજયસિંહે કહ્યું હતું કે, ગુજરાતમાં પરિણામો અને એક્ઝિટ પોલ વચ્ચે મોટુ અંતર હશે.