
ચેકિંગ દરમિયાન મોબાઈલથી વીડિયો બનાવી શકો, પોલીસને રોકવાનો અધિકાર નથી
નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બરથી સંશોધિત મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ ચલાનની રાશિમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. દેશની મામ જગ્યાએથી નિયમ તોડવા પર દંડના અહેવાલ આવી રહ્યા છે. કેટલીય જગ્યાએ 50 હજાર રૂપિયા સુધીનું ચલાન પણ કાપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ લોકોની સાથે પોલીસ દુર્વ્યવહાર કરતી હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. એવામાં વાહન માલિકોના કેટલાક અધિકાર છે. આરટીઆઈ દ્વારા આ મામલે એક જાણકારી સામે આવી છે.

મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો
રસ્તા પર કોઈપણ વાહન ચાલક ચેકિંગ દરમિયાન પોલીસકર્મી સાથે વાતચીતનું વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે. આ દરમિયાન મોબાઈલ કેમેરાનો ઉપયોગ પણ કરી શકે છે. પોલીસકર્મીને જે-તે વાહન ચાલકનો ફોન કે કેમેરા છીનવી લેવાનો કે તોડવાનો અધિકાર નથી. એક આરટીઆઈના જવાબમાં હરિયાણા પોલીસે આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે ફરીદાબાદ નિવાસી આરટીઆઈ એક્ટિવિસ્ટ અનુભવ સુખીજાએ વાહન ચાલકોના અધિકારને લઈ હરિયાણા પોલીસમાં એક આરટીઆઈ દાખલ કરી હતી.

જવાબમાં પોલીસે કહ્યું કે...
પોલીસે જણાવ્યું કે વાહન ચલાવતી વખતે જો કોઈ વાહન ચાલક પાસે ડ્રાઈવિંગ લાઈસેન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરે નથી તો વાહન ચાલક મોબાઈલ પર પોલીસકર્મીને કાગળ દેખાડી શકે છે. વાહન ચલાવતી સમયે ગાડીમાં હૉકી, ક્રિકેટ બેટ, વિકેટ વગેરે સામાન રાખવા પર પ્રતિબંધ નથી, પરંતુ ગેકાયદેસર હથિયાર રાખવા દંડનીય અપરાધ છે. પોલીસે આગળ જણાવ્યું કે વાહન ચલાવતી સમયે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિ માટે સીટ બેલ્ટ લગાવવો ફરજીયાત છે. પરંતુ જોઈ કોઈ મહિલા ગર્ભવતી છે અથવા ઈજાગ્રસ્ત હોય તેવી સ્થિતિમાં સીટ બેલ્ટથી છૂટ મળી શકે છે.

મારપીટનો અધિકાર નથી
પોલીસકર્મી કોઈપણ વાહનને ઈશારો કરીને રોકી શકે છે, ચેકિંગ કરી શકે છે. જો કોઈ વાહન ચાલક પોલીસકર્મી દ્વારા ઉભા રહેવાના ઈશારા છતાં ન ઉભો રે તો તેની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર છે. પરંતુ પોલીસકર્મી કોઈ વ્યક્તિને ગાળી ન આપી શકે અને મારપીટ ન કરી શકે. આ ઉપરાંત પોલીસકર્મીને વાહનના પ્રદૂષણ સ્તરનું સર્ટિફિકેટ ચેક કરવાનો અધિકાર છે.

બિલ ચેક કરવાનો હક
જો કોઈ વાહન ચાલક પોતાના ખાનગી વાહનમાં કોમર્શિયલ ઉદ્દેશ્યથી કોઈ સામાન લઈ જાય છે તો પોલીસકર્મીને તેનું બિલ ચેક કરવાનો અધિકાર છે.