• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્લાયમેટ ચેન્જ : પર્યાવરણની એ સમસ્યાઓ જેને માણસજાત પહોંચી વળી

ક્લાયમેટ ચેન્જ : પર્યાવરણની એ સમસ્યાઓ જેને માણસજાત પહોંચી વળી
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ક્લાયમેટ ચેન્જ એટલે કે પર્યાવરણમાં પરિવર્તન જેવી જટિલ સમસ્યાઓનો ઉકેલ આસાન હોતો નથી, પરંતુ પર્યાવરણીય સમસ્યાના નિરાકરણનો પ્રયાસ સમગ્ર વિશ્વે સાથે મળીને કર્યો હોય એવું ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે.

દાખલા તરીકે, એસિડ રેઇન કે ઓઝોન કવચમાં પડેલાં ગાબડાંની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરવામાં આવ્યું હતું? ગ્લોબલ વૉર્મિંગ એટલે કે વૈશ્વિક ગરમાટા જેવી મોટી સમસ્યાનો સામનો કરવા દુનિયાએ કોઈ પાઠ ભણ્યા છે?


1970, 1980 તથા 1990ના દાયકા અને એસિડ રેઇન

1980ના દાયકામાં સમગ્ર સ્કેન્ડિનેવિયાની નદીઓમાંથી માછલીઓ ગૂમ થઈ ગઈ હતી. જંગલમાંનાં વૃક્ષો પરથી બધાં પાંદડાં ખરી પડ્યાં હતાં અને ઉત્તર અમેરિકામાં કેટલાંક સરોવરો એટલાં ચેતનવિહોણાં થઈ ગયાં હતાં કે તેમનું પાણી ડરામણું લાગે એટલી હદે બ્લૂ રંગનું થઈ ગયું હતું.

તેનું કારણ શું હતું? કોલસા વડે ચાલતા વીજળીઉત્પાદક એકમોમાંથી નીકળતાં સલ્ફર ડાયોક્સાઈડનાં વાદળો દૂર-દૂર સુધી પહોંચતાં હતાં અને પૃથ્વી પર એસિડિક વરસાદના સ્વરૂપમાં વરસતાં હતાં.

એસિડ રેઇનના જોખમને ઉજાગર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલા સ્વિડનના વિજ્ઞાની પેરિંજ ગ્રેનફેલ્ટ કહે છે, "1980ના દાયકામાં સૌથી મહત્ત્વનો મૅસેજ નિશ્ચિત રીતે એ જ હતો કે તે પર્યાવરણની જંગી સમસ્યા સર્વકાલીન છે."

એસિડ રેઇનની જોખમોની ચેતવણી આપતા સમાચારો સામાન્ય બાબત હતા. વર્ષો સુધી વિવાદ, ઇનકાર અને કૂટનીતિક ગતિરોધ સર્જાયેલો રહ્યો હતો, પરંતુ જોખમ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું પછી સમસ્યાના નિરાકરણની યોજનાએ વેગ પકડ્યો હતો. તેના પગલે, એસિડવર્ષાનું કારણ બનતા અશ્મિભૂત ઈંધણને બાળવાથી સર્જાતા પ્રદૂષણને અંકુશમાં લેવાના આંતરરાષ્ટ્રીય કરારો થયા હતા.

અમેરિકામાં ક્લીન ઍર ઍક્ટમાં સુધારાને પગલે કૅપ ઍન્ડ ટ્રેડ સિસ્ટમ વિકસી હતી, જેમાં સલ્ફર તથા નાઇટ્રોજનનું ઉત્સર્જન ઘટાડવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ઉત્સર્જનમાં મોટા પ્રમાણમાં ઘટાડો ન થયો ત્યાં સુધી દર વર્ષે મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

એ કઈ રીતે શક્ય બન્યું હતું? યુરોપ અને ઉત્તર અમેરિકામાં એસિડ રેઇન હવે ભૂતકાળની બાબત બની ગયો છે, જોકે અન્યત્ર અને ખાસ કરીને એશિયામાં તે સમસ્યા બની રહ્યો છે.

જોકે 1980ના દાયકાના યુવાન સંશોધક, કૅનેડાના વિજ્ઞાની જૉન સ્મોલના જણાવ્યા મુજબ, એસિડ રેઇન ઘણા અર્થમાં સફળતાની ગાથા હતો. તેણે દર્શાવ્યું હતું કે વિશ્વના દેશો સાથે મળીને એક આંતરરાષ્ટ્રીય સમસ્યા સામે કામ પાર પાડી શકે છે.

જૉન સ્મોલ કહે છે, "તમે પ્રદૂષણની કિંમત નહીં નક્કી કરો તો લોકો પ્રદૂષણ કરતા જ રહેશે. એ પાઠ આપણે બરાબર ભણ્યા હતા."


1980ના દાયકો-ઓઝોનમાં કાણું

પ્રતીકાત્મક તસવીર

1985માં વિશ્વ પર ઝળૂંબી રહેલી વધુ એક પર્યાવરણીય સમસ્યાનાં સમાચાર મથાળાંઓમાં ચમક્યા હતા. ઓઝોનના થરમાં પડેલા એક મોટા અને વિસ્તરી રહેલાં ગાબડાં વિશે બ્રિટિશ ઍન્ટાર્કટિક સર્વે (બીએએસ)ના વિજ્ઞાનીઓએ વિશ્વને સાવધ કર્યું હતું. તેનું કારણ ક્લૉરોફ્લૂરોકાર્બન્સ એટલે કે સીએફએસ તરીકે વધારે જાણીતા ગ્રીનહાઉસ ગૅસ હતા. સીએફએસનો ઉપયોગ એ સમયે ઍરોસોલ્સ તથા રેફ્રિજરેટર્સમાં કરવામાં આવતો હતો.

હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણો સામે વિશ્વનું રક્ષણ કરતા ગૅસનું આવરણ નાટકીય રીતે પાતળું થવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં બીએએસના ધ્રુવીય વિજ્ઞાની ઍન્ના જૉન્સ કહે છે, "તેમાં અચાનક મોટા પ્રમાણમાં ઘટાડો થવા લાગ્યો હતો."

એન્ટાર્કટિક પરના ઓઝોનમાં 1970ના દાયકાથી ઘટાડો થવા લાગ્યો હતો, પરંતુ ઓઝોન થરમાંનું એ ગાબડું સમગ્ર ઍન્ટાર્કટિક ખંડને આવરી લે તેટલું મોટું થઈ ગયાના સમાચારથી સમગ્ર વિશ્વ સચેત થઈ ગયું હતું.

1987માં વિશ્વના નેતાઓએ ઐતિહાસિક મોન્ટ્રીઅલ કરાર પર સહી-સિક્કા કર્યા હતા. એ કરારને પર્યાવરણ સંબંધી સર્વકાલીન સફળતમ કરારો પૈકીનો એક ગણવામાં આવે છે.

ઓઝોનમાં ઘટાડો કરતા કૅમિકલ્સનો ઉપયોગ તબક્કા વાર બંધ કરવામાં આવ્યો હતો અને ઉદ્યોગોએ સીએફસી વગરના ઍરોસોલ કૅન્સનો ઉપયોગ શરૂ કર્યો હતો.

ડૉ. ઍન્ના જૉન્સ કહે છે, "એ વૈશ્વિક સમસ્યા હતી, પરંતુ ઉદ્યોગો, વિજ્ઞાનીઓ અને નીતિનિર્ધારકોએ સાથે મળીને તેનું નિરાકરણ કર્યું હતું."

"તેમણે ઝડપભેર પગલાં લીધાં હતાં. તેમણે નિયમો સતત આકરા બનતા રહે તેવી વ્યવસ્થા સાથે પગલાં લીધાં હતાં. સમસ્યાનું નિવારણ ઝડપભેર કઈ રીતે કરી શકાય તેનું એ ઉદાહરણ છે."

મોન્ટ્રીઅલ પ્રોટોકૉલને સફળતા મળવા છતાં કેટલીક પીછેહઠ કરવી પડી હતી. ઓઝોનનું પ્રમાણ ઘટાડતા કૅમિકલ્સના વિકલ્પ સ્વરૂપે વિકસાવવામાં આવેલ હાઇડ્રોફ્લુરોકાર્બન્સ (એચએફસી) પણ શક્તિશાળી ગ્રીનહાઉસ ગૅસ હોવાનું પુરવાર થયું હતું.

એ પછી સીએફસીમાંના રહસ્યમય વધારાનું પગેરું ચીનમાં સાંપડ્યું હતું. તેના અનુસંધાને જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં. બીજી તરફ ઓઝોનમાં ગાબડાંની સમસ્યાનું નિરાકરણ થઈ રહ્યું હતું ત્યારે ઓઝોનનું પ્રમાણ ઘટાડતા કૅમિકલ્સ લાંબા સમય સુધી વાતાવરણમાં રહેતાં હતાં. તેનો અર્થ એ કે ઓઝોન કવચમાંનાં ગાબડાં પૂરવાની પ્રક્રિયા ધીમી અને લાંબી ચાલશે.


1920થી 2020 - સીસાવાળું (લીડેડ) પેટ્રોલ

આપણે વર્ષોથી લીડેડ પેટ્રોલનો ઉપયોગ ઈંધણ તરીકે કરીએ છીએ. પેટ્રોલ વધારે કાર્યક્ષમ રીતે કામ કરે એટલા માટે પેટ્રોલિયમ કંપનીઓ તેમાં લીડ એડિટિવ્ઝ ભેળવે છે. એ લીડયુક્ત પેટ્રોલનો ઉપયોગ કરતા વાહનો ધુમાડામાં લીડ પાર્ટિકલ્સ છોડે છે, જે શ્વાસમાં જતાં હાર્ટઍટેક અને બાળકોમાં ક્ષતિયુક્ત માનસિક વિકાસ સહિતની સંખ્યાબંધ આરોગ્યવિષયક સમસ્યાઓ સર્જાય છે.

વિજ્ઞાનીઓ, નિયમનકારી સત્તાવાળાઓ અને ઉદ્યોગ વચ્ચે લાંબી ખેંચતાણ બાદ પેટ્રોલને કારણે સર્જાતાં આરોગ્ય સંબંધી જોખમો વિશે સર્વસમંતિ સધાઈ હતી અને સમૃદ્ધ દેશોએ લીડવાળા પેટ્રોલના વપરાશ પર 1980ના દાયકાથી પ્રતિબંધ મૂક્યો હતો.

જોકે લીડ વગરના પેટ્રોલની સરખામણીએ લીડયુક્ત પેટ્રોલનું ઉત્પાદન સસ્તું હોવાથી અનેક વિકાસશીલ દેશોમાં લીડવાળા પેટ્રોલનો વપરાશ ચાલુ રહ્યો હતો.

બિનસરકારી સંગઠનો, ઉદ્યોગ જૂથો અને સરકારોએ સાથે મળીને સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણ કાર્યક્રમ (યુએનઈપી)ના છત્ર તળે લાંબી ઝુંબેશ ચલાવી હતી અને હજુ થોડા મહિના પહેલાં જ લીડવાળા પેટ્રોલનો વપરાશ બંધ થયો છે.

વિશ્વમાં લીડવાળા ઈંધણના વપરાશ પર સત્તાવાર રીતે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે ત્યારે લીડ સંબંધી પ્રદૂષણ ધરતી અને ધૂળમાં યથાવત્ રહ્યું છે. લીડના કણો ધરતી અને ધૂળમાં લાંબા સમય સુધી ટકેલા રહેલા છે.


પર્યાવરણમાં પરિવર્તનના પદાર્થપાઠ

સમાચારોમાં ક્લાયમેટ ચેન્જનું પ્રભુત્વ જોવા મળે છે, પણ ઓઝોનના થરમાં ગાબડાં જેવી બાબતો વિશે આજકાલ બહુ ઓછું સાંભળવા મળે છે. તેમ છતાં આવી સમસ્યાઓ અને ક્લાયમેટ ચેન્જની જંગી સમસ્યા વચ્ચે કેટલીક સમાનતા છે.

એસિડ રેઇન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સંઘર્ષનો સ્રોત બની રહ્યો છે. કેટલાક તેના અસ્તિત્વનો જ ઇનકાર કરે છે અને અશ્મિભૂત ઈંધણ ઉદ્યોગને પર્યાવરણવિદો સામે ઊભું કરી દેવામાં આવે છે.

પ્રોફેસર જૉન સ્મોલના જણાવ્યા મુજબ, એસિડ રેઇન વિશેની ચર્ચાઓ અને દલીલો ક્લાયમેટ ચેન્જના વધારે જટિલ મુદ્દાઓ માટેની તાલીમ સમાન છે.

પ્રોફેસર કહે છે, "હું પહેલો પાઠ એ ભણ્યો કે આપણે અભ્યાસનાં તારણો માત્ર વિજ્ઞાનીઓને જ નહીં, પરંતુ નીતિનિર્ધારકોને અને લોકોને સ્પષ્ટ રીતે જણાવવા જોઈએ."

"માહિતી પહોંચાડવાની પ્રક્રિયામાં અવકાશ સર્જાશે તો સ્થાપિત હિતો તરત જ એનો લાભ લેશે."

પ્રોફેસર જૉન સ્મોલના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયાના વિકાસ અને ખોટી માહિતીના પ્રસારને કારણે આજે પરિસ્થિતિ વધારે જટિલ બની છે.

લીડયુક્ત ઈંધણનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોના સંદર્ભમાં યુએનઈપીના સસ્ટેઇનેબલ મોબિલિટી યુનિટના રોબ દે જોંગ જણાવે છે કે સુસંકલિત અભિગમનું મૂલ્ય સમજવું સૌથી વધારે મહત્ત્વનું છે.

રોબ દે જોંગ કહે છે, "લીડયુક્ત પેટ્રોલ વિરુદ્ધની ઝુંબેશમાં લોકજાગૃતિ પર, સામાજિક તથા સામુદાયિક કાર્યવાહી પર અને લીડયુક્ત પેટ્રોલના વપરાશની બાળકો પર થનારી માઠી અસર પર વ્યાપક ભાર મૂકવામાં આવ્યો છે."

ઓઝોનમાં ઘટાડો કરતાં કૅમિકલ્સનું પ્રમાણ ઓછું કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયે લીધેલાં પગલાં દર્શાવે છે કે વૈશ્વિક ગરમાટાની સમસ્યાનો સામનો કરવા માટે પણ એ પ્રકારનો સહકાર જરૂરી બની રહેશે.

ડૉ. ઍન્ના જૉન્સ કહે છે, "ઓઝોનની સમસ્યાની સરખામણીએ ક્લાયમેટ ચેન્જની સમસ્યાનું નિરાકરણ વધારે જટિલ છે, કારણ કે આપણી પાસે સીએફસીના વિકલ્પ હતા, પરંતુ અશ્મિભૂત ઈંધણના વિકલ્પ ઉપલબ્ધ નથી."

"જોકે એ કશું નહીં કરવાનું કારણ નથી. સમસ્યા પણ મહત્ત્વની છે. સમસ્યા બહુ મોટી છે અને તેનું નિરાકરણ કરવું જ પડશે," એમ ડૉ. ઍન્ના જૉન્સ ઉમેરે છે.

તેઓ ભારપૂર્વક કહે છે, "ભૂતકાળમાં સરકારો અને ઉદ્યોગોએ હાથ મિલાવ્યા ત્યારે તેમણે વિશ્વ માટે જોખમરૂપ પર્યાવરણીય સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. એવું ફરી વાર થઈ શકે એ તેમણે દર્શાવવું જોઈએ."https://www.youtube.com/watch?v=f9ibCfKLsxA

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Climate change: Environmental problems that plague mankind
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X