
ભારતીય મૂળની શ્રીનિધિ બ્રિટનની પ્રથમ ચાઇલ્ડ જિનિયસ જાહેર
લંડન, 5 જુલાઇ : ભારતીય મૂળની અને બ્રિટનમાં રહેતી શ્રીનિધિને બ્રિટનની ચૅનલ ફોર નામની ટીવી ચૅનલે ચાઇલ્ડ જિનિયસ જાહેર કરી છે. ભારતીય માતા -પિતાની સંતાન 11 વર્ષની શ્રીનિધિ પ્રકાશને બ્રિટનની પ્રથમ ચાઇલ્ડ જિનીયસ જાહેર કરવામાં આવી હતી.
આ ટાઇટલ માટે અંદાજે બે હજાર બાળકો વચ્ચે સ્પર્ધા હતી, જેમાં અંતે શ્રીનિધિ મેદાન મારી ગઈ હતી. ટૅલન્ટેડ શ્રીનિધિ અત્યંત તીવ્ર યાદશક્તિ ધરાવે છે. શ્રીનિધિમાં એવી પ્રતિભા છે કે તે એક વખત વાંચ્યા પછી ભાગ્યે જ તે કશું ભૂલી જતી હોય છે. આટલી નાની ઉંમરે તે લેટિન ભાષા પણ જાણે છે.
બ્રિટનની કેન્ટ કાઉન્ટીમાં આવેલા ઓર્પિંગટન નામના ટાઉનમાં રહેતી શ્રીનિધિને અંગ્રેજી અને લેટિન ભાષાની સાથે ઇતિહાસ, ગણિત અને વિજ્ઞાનનું પણ જ્ઞાન છે. ચૅનલ ફોરના ચાર એપિસોડની સિરીઝમાં બે હજારમાંથી 21 ફાઇનલિસ્ટ હતા, જેમાંથી અંતિમ ત્રણમાં શ્રીનિધિ સામેલ હતી.
ટેલિવિઝન શૉના છેલ્લા એપિસોડમાં તેણે તમામ સવાલોના સાચા જવાબ આપીને સ્પર્ધા જીતી હતી. રસપ્રદ વાત એ છે કે ફાઇનલ સ્ટેજમાં તેણે ‘પૈસા જીવનમાં સુખ આપી શકે છે કે નહીં?' એવા વિષય પરની ડિબેટમાં તમામ જજોને ઇમ્પ્રેસ કર્યા હતા. આ ઉપરાંત તેણે તાજા પાણીનું વિશ્વનું સૌથી મોટું સરોવર ક્યાં આવેલું છે? એ સવાલનો સાચો જવાબ (સાઇબેરિયામાં આવેલું લેક બાઇકલ) આપ્યો હતો. શ્રીનિધિના પેરન્ટ્સ તામિલનાડુના વતની છે.