
અમેરિકાઃ સેન ફ્રાન્સિસ્કોમાં 70 ભારતીયોના પાસપોર્ટ ચોરાયા
મીડિયા અહેવાલ અનુસાર સેન ફ્રાન્સિસકો પોલીસ ડિપાર્ટમેન્ટ સુરક્ષામાં જે ગાબડું પડ્યું છે, તે અંગે તપાસ ચલાવી રહ્યું છે. તેમજ ભારતીય કૉન્સ્યુલટ અને સ્થાનિક પોલીસ દ્વારા સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ફેડરલ ઓથોરિટિઝને આ અંગે માહિતગાર કર્યા છે, જેથી પાસપોર્ટનો દુરુપયોગ કરવામાં આવે નહીં.
ઇન્ડિયન અમેરિકન પબ્લિકેશન ઇન્ડિયા વેસ્ટના અહેવાલ અનુસાર નવેમ્બર 29ની આસપાસ સેન ફ્રાન્સિસ્કો સ્થિત બીએલએસ ઇન્ટરનેશનલ ઓફીસ ખાતેથી અંદાજે 70 જેટલા ભારતીય પાસપોર્ટની ચોરી કરવામાં આવી હતી અને સેન ફ્રાન્સિસ્કો પોલીસ દ્વારા આ કેસમાં 2 ડિસેમ્બર 2013થી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસકર્તા અધિકારીએ જણાવ્યા પ્રમાણે બીએલએસના કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે, પાસપોર્ટ અને કેશ સહિતની વસ્તુઓ સુરક્ષિત લોકરમાંથી ચોરી કરવામાં આવ્યા છે.
ભારતીય કૉન્સ્યુલટએ ચોરાયેલા પાસપોર્ટને કેન્સલ કરી નાંખ્યા છે. આ કેન્સલ થયેલા પાસપોર્ટનો ઉપયોગ ફ્રૉડ્યુલન્ટ ટ્રાવેલમાં નહીં કરી શકાય.