For Quick Alerts
For Daily Alerts
ઠાકરેના નિધનથી ભારત પ્રવાસને અસર નહી થાય: પીસીબી
કરાંચી, 19 નવેમ્બર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફને વિશ્વાસ છે કે શિવસેના પ્રમુખ બાલ ઠાકરેના નિધનથી તેમની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર કોઇ અસર પડશે નહીં. જોકે શિવસેનાના દિવંગત પ્રમુખે બંને દેશો વચ્ચેની મેચ અંગે ઘણી આલોચના કરી હતી.
અશરફે જણાવ્યું કે 'પાર્ટીના ભારત-પાક ક્રિકેટ સંબંધો પર આવા વલણ છતાં મે બાલ ઠાકરેને જલદી સ્વસ્થ થવાનો સંદેશો પાઠવ્યો હતો. કારણ કે હું તેમને સ્વસ્થ જોવા માગતો હતો. હું ઇચ્છતો હતો કે એક સિનિયર નેતા હોવાથી તેઓ આ પ્રવાસનું સમર્થન કરે.'
તેમણે જણાવ્યું કે 'સારી બાબત એ છે કે મારા આ સંદેશથી ભારતમાં સકારાત્મક પ્રતિક્રિયા આવી હતી અને હું તેનાથી ખુશ છું.' તેમણે ઉમેર્યું કે 'તેમને ઠાકરેના નિધનથી પ્રવાસ પર કોઇ આડ અસર થવાની આશા નથી કારણ કે તેઓ ઘણા સમયથી બીમાર હતા.'
અશરફે જણાવ્યું કે 'પહેલા પણ જ્યારે પાકિસ્તાની ટીમ ભારતમાં રમતી હતી તો તેમની સરકાર અમને સુરક્ષા પૂરી પાડતી હતી, અને ટીમની સારી એવી દેખભાળ રાખવામાં આવતી હતી. માટે અમને વિશ્વાસ છે કે આ પ્રવાસ કોઇપણ સમસ્યા વગર આયોજીત થશે.'