
ગરમીમાં કોચીમાં માણો ખાસ ચીજોનો આનંદ
કેરળ સ્થિત કોચી, જેને કોચીન પણ કહે છે, આ શહેર રાજ્યનું દરિયાકિનારે આવેલું સૌથી સુંદર શહેર છે. આ શહેર લક્ષદ્વીપના દક્ષિણ-પશ્ચિમ કિનારા તરફ આવેલું છે. કોચી પહેલા એર્નાકુલમ તરીકે પણ ઓળખાતું હતું, જેનો અર્થ થાય છે 'શહેરની મુખ્ય જમીન, મુખ્ય વિસ્તાર’. કોચીની ગણતરી દક્ષિણ ભારતના એ ખાસ શહેરોમાં થાય છે, જે પ્રવાસીઓ પહેલી પસંદગી છે. પોતાની કુદરતી સુંદરતા અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ આ શહેર દરેક પ્રકારના પર્યટકોનું સ્વાગત કરે છે.
ક્યારેક સમુદ્રી વેપારીઓનું મુખ્ય કેન્દ્ર રહેલું કોચી આજે પોતાની મનમોહક સમુદ્રી આબોહવા માટે જાણીતું છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં કોચી પ્રવાસીઓની પહેલી પસંદ બને છે. આ જે આ ખાસ લેખમાં જાણો ગરમીમાં તમે કોચીમાં શેનો શેનો આનંદ ઉઠાવી શક્શો.

સ્કૂબા ડાઈવિંગનો આનંદ
આ ઉનાળામાં તમે કોચીમાં આવીને સ્કૂબા ડાઈવિંગનો શોખ પૂરો કરી શકો છો. કોચી પોતાના રોમાંચક અનુભવો સાથે સાહસિક એડવેન્ચર શોખીન પ્રવાસીઓનું સ્વાગત કરે છે. અહીં 8 મીટર પહોળા સમુદ્ર વાતાવરણમાં તમે 2 કલાક આરામથી વીતાવી શકો છો. તમે અહીં સવારે 10 વાગ્યાથી લઈને સાંજે સાડા ચારની વચ્ચે કોઈ પણ બે કલાક સ્કૂબા ડાઈવિંગનો આનંદ માણી શકો છો. અહીં ચાલતા ડાઈવિંગ સેશનના અંતમાં તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
જો કે અહીં ડાઈવિંગ સેશન દરમિયાન નશો કરવો પ્રતિબંધિત છે, તમારું ડાઈવિંગ સેશન અહીં અનુભવી ઈન્સ્ટ્રક્ટરની દેખરેખમાં થાય છે.

વિંડ સર્ફિંગનો રોમાંચક અનુભવ
સ્કૂબા ડાઈવિંગ સિવાય તમે કોચીમાં વિંડ સર્ફિંગ, સેલિંગ અને પાવર બોટિંગનો રોમાંચ પણ મેળવી શકો છો. કોચીના કિનારા પર તમે અનેક પ્રકારના વૉટર સ્પોર્ટ્સનો આનંદ ઉઠાવી શકો છો. અહીં દરેક પ્રકારની વૉટર સ્પોર્ટ્સની સુવિધા છે. અનુભવી ઈન્સ્ટ્રક્ટરની દેખરેખમાં અહીં દરેક ઉંમરના પ્રવાસી વૉટર એડવેન્ચરનો શોખ પુરો કરી શકે છે
તમે અહીં મિત્રો સાથે કે પરિવાર સાથે પણ આવી શકો છો. અહીં દરિયાના મોજા વિન્ડ સર્ફિંગ માટે આદર્શ મનાય છે. આ ઉપરાંત અહીં વૉટર સ્કી અને જેટ પણ ભાડે મળે છે. આ ઉનાળામાં તમે કોચી આવવાનું આયોજન કરી શકો છો.

એરાવિકુલમ નેશનલ પાર્ક
વૉટર એડવેન્ચર ઉપરાંત જો તમે ઈચ્છો તો જંગલ સફારીનો પણ આનંદ ઉઠાવી શકો છો. એરાવિકુલમ નેશનલ પાર્ક શહેરના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. અહીં 12 વર્ષમાં માત્ર એક જ વાર ખીલતું નીલકુરિંજી ફૂલ મુખ્ય આકર્ષણ છે.
જો તમારુ નસીબ સાથ આપે તો તમે એ ફૂલ જોઈ શકો છો. આ ઉપરાતં દુર્લભ પહાડી બકરી માટે પણ આ પાર્ક જાણીતું છે. એરાવિકુલ પાર્કમાં ટ્રેકિંગ દરમિયાન તમે આ દુર્લભ પહાડી બકરીને જોઈ શકો છો.
જો કે આ પાર્ક ફેબ્રુઆરીથી માર્ચ સુધી બંધ રહે છે. પરંતુ હાલ એપ્રિલ ચાલી રહ્યો છે, તો તમે આ પાર્કની મુલાકાતનો આનંદ લઈ શકો છો. એરાવિકુલમ નેશનલ પાર્કમાં વનસ્પતિઓની સાથે સાથે જીવ જંતુઓને પણ સુરક્ષિત આશ્રય મળે છે.

અથિરાપલ્લી ધોધ
કોચીની મુલાકાત દરમિયાન તમે થ્રિશુર જિલ્લામાં સ્થિત અથિરાપલ્લી ધોધનો નજારો પણ માણી શકો છો. આ ધોધની ઉંચાઈ લગભગ 80 ફૂટ છે, એટલે જ તેને ભારતનો નાયગ્રા ધોધ પણ કહે છે. કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આ ધોધ માત્ર 55 કિલોમીટર જ દૂર છે. આમ તો અહીં ફરવાનો શ્રેષ્ઠ સમય જૂનથી સપ્ટેમ્બર વચ્ચેનો છે, પરંતુ તમે એપ્રિલમાં પણ આ વિશાળ ધોધના અદભૂત દ્રશ્યનો આનંદ ઉઠાવી શકો છો.
આ ધોધ અરબ સાગર તરફ વજાંચલ વનમાં થઈને વહે છે. થ્રિસુર જિલ્લા પ્રવાસન પ્રચાર પરિષદ દ્વારા અહીં દૈનિક જંગલ સફારીનું પણ આયોજન થાય છે, તમે ઈચ્છો તો આ જંગલ સફારીમાં આસપાસના કુદરી વાતાવરણનો આનંદ લઈ શકો છો.

કેરળ કથકલી કેન્દ્ર
જો તમે જંગલ અને વૉટર એડવેન્ચર બાદ કોચીની અલગ યાદ ઈચ્છતા હો, તો કેરળ કથકલી કેન્દ્ર બેસ્ટ છે. કથકલી કેરળનું પરંપરાગત નૃત્ય છે. કેરળ કથકલી કેન્દ્ર સાંતાક્રૂઝ કૈથેડ્રલ બેસિલિકા પાસે આવેલું છે. આ કેન્દ્રમાં ફક્ત કથકલી જ નહીં પરંતુ અન્ય સાંસ્કૃતિક નૃત્ય-સંગીતનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત તમે અહીં માર્શલ આર્ટ જેવી કળાનો પણ ડેમો જોઈ શકો છો.
અહીં રોજ સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી ત્રણ શાનદાર કાર્યક્રમ યોજાય છે. જો તમે કેરળની કળા અને સંસ્કૃતિને સમજવા ઈચ્છતા હોય, તો અહીંની મુલાકાત તો બનતી હૈ.