વાવ મોટા ભાગે ભારતના એ પ્રદેશોમાં વધું મળી આવે છે, જ્યાં પાણીની સમસ્યાઓ ઉદ્ભવતી હોય અને જે સુકા પ્રદેશો હોય, જેમ કે રાજસ્થાન અને ગુજરાતનો અમુક ભાગ. સુકા પ્રદેશ હોવાના કારણે ભારતના અમુક ભાગોમાં પ્રાચીન સમયમાં પાણીનો બચાવ કરવા માટે આવી વાવનું નિર્માણ કરવામાં આવતું હતું, જેના કારણે પાણીની અછત વર્તાય ત્યારે પાણીનો ઉપયોગ કરી શકાય.
પ્રાચીન સમયમાં જે રીતે કિલ્લાઓ, મંદિરો અને અન્ય ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે ભારતની કેટલીક વાવો એવી પણ છે કે જે તેના શાનદાર અને નિહાળવાલાયક બાંધકામના કારણે ભારત સહિત વિશ્વભરમાં પ્રચલિત છે અને જે આજે પણ એક પ્રવાસન સ્થળ તરીકે પ્રવાસીઓને આકર્ષી રહી છે. કેટલાક પ્રવાસી ખાસ પ્રાચીન બાંધકામ પર રીસર્ચ કરવા માટે પણ આ વાવની મુલાકાત લઇ રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતની આ વાવો અંગે.

ચંદ બાવરી
ચંદ બાવરી, રાજસ્થાનના આભાનેરી ગામમાં સ્થિત છે. જે એક પ્રસિદ્ધ અને ભારતની સૌથી સુંદર વાવોમાંની એક છે. આ વાવનું નિર્માણ 19મી સદીમાં એ સમયના તત્કાલિન રાજા ચંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાવરીના નિર્માણનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે ગરમીમાં લોકોને વાવના માધ્યમથી ઠંડું પાણી મળી શકે.

અડાલજની વાવ
અડાલજની વાવ, નેશનલ હાઇવે પર ગાંધીનગરથી 15 કિ.મીના અંતરે એક અદ્વીતિય વાવ છે. આ વાવ પોતાની અનોખી વાસ્તુકળા અને બારીક કોતરણીના કારણે ઘણી લોકપ્રીય છે.

રાજોંકી બાવલી
રાજોંકી બાવલી મહરૌલી પુરાતત્વ પાર્ક, દક્ષિણ દિલ્હીમાં આવેલી છે. ત્રણ માળની આ વાવનું નિર્માણ ઇ.સ. 1516માં કરવામાં આવ્યું હતું.

રાણકી વાવ
રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે. આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી.

અગ્રસેનની બાવલી
દિલ્હીમાં અગ્રસેનની બાવલી એક અદ્વિતીય અને રસપ્રદ સ્મારક છે. શહેરની ઉંચી અને આધુનિક ઇમારતથી ગ્રહણગ્રસ્ત, માત્ર અમુક લોકો જ રાષ્ટ્રીય રાજધાનીના ક્ષેત્રમાં આ ઐતિહાસિક વાવ અંગે જાણે છે.