
ગરમીમાં ભારતના આ શહેરમાં પડે છે ધ્રુજાવી દેતી ઠંડી, એક મુલાકાત તો બનતી હૈ...
ઉનાળો તેના તેવર બતાવી રહ્યો છે. ઉપરથી આકાશ આગ ઓકી રહ્યું છે અને નીચે ધરતી તપી રહી છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે લોકો ગરમીથી બચવા ઉપાયો અજમાવી રહ્યા છે. જેમાં સૌથી મહત્વનો ઉપાય છે પ્રવાસ. પ્રવાસથી રિફ્રેશ પણ થવાય છે અને નવા અનુભવ પણ મળે છે. એમાંય શાળાઓમાં વેકેશન પડી ચૂક્યુ છે. ત્યારે પ્રવાસ પ્રિય ગુજરાતીઓ હવે ક્યાં જવું તેનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઉનાળાની ગરમીથી બચવા ઠંડા પ્રદેશો ગુજરાતીઓ પહેલી પસંદ છે. પરંતુ ગુજરાતની નજીક આબુ કે પછી ઉત્તરમાં શિમલા જેવા હિલ સ્ટેશનો પર ઉનાળામાં પ્રવાસીઓની ભીડ ઉમટે છે. પણ જો તમે કુદરતને માણવા ઈચ્છતા હો, અને થોડુ એકાંત ઈચ્છતા હો, તો બસ આ લેખ તમારા માટે જ છે.
દેશમાં ભલે ગરમીનો પારો 40ની ઉપર હોય, પરંતુ આ આકરા ઉનાળામાં ભારતનું એક સ્થળ છે, જ્યાં કડકડતી ઠંડી પડી રહી છે. જે તમને ગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ કરી દેશે. આજે અમે તમને આવા જ એક ઠંડા સ્થળ વિશે જણાવીશું, જે આવેલું છે ધરતી પરના સ્વર્ગમાં એટલે કે કાશ્મીરમાં.
દ્રાસ, કાશ્મીરના કાગીલમાં આવેલું ગામ. સમુદ્રથી 3280 મીટરની ઉંચાઈ પર આવેલું આ સ્થળ 'લદ્દાખનું પ્રવેશ દ્વાર’ છે. પહાડો અને ઝરણાંઓની વચ્ચે વસેલી આ જગ્યા પોતાના ઉબડખાબડ પ્રાકૃતિક દ્રશ્ય માટે જાણીતી છે, જે તમને સાહસનો અનુભવ કરાવશે. જો તમે ટ્રેકિંગ કરવા ઈચ્છતા હો, તો પણ દ્રાસ ઉત્તમ પસંદગી છે. કારણ કે ટ્રેકિંગ કરી શકાય તેવી સુરુ વેલી દ્રાસની નજીક જ છે. આ ઉપરાંત તમે અમરનાથ ગુફા તરફ જતો ટ્રેક રૂટ પણ પસંદ કરી શકો છે. જ્યાં તમારે 5200 મીટરની ઉંચાઈ પરનો એક જોખમભર્યો રસ્તો પાર કરવાનો રહેશે. આ સફર રોમાંચથી ભરપૂર સાબિત થશે.
કુદરતના આશીર્વાદથી બનેલા દ્રાસમાં આવા કંઈક આકર્ષણો છે. ચલો જાણીએ દ્રાસ ફરવા જવાના પાંચ કારણો...

ભારતનું સૌથી ઠંડુ સ્થળ
જમ્મુ કાશ્મીરના કારગીલ જિલ્લામાં આવેલું દ્રાસ ભારતનું સૌથી ઠંડુ શહેર અને વિશ્વનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર છે.. જ્યાં શિયાળામાં તાપમાન - 45 ડિગ્રી સુધી પહોંચે છે, તો ગરમીમાં પણ તાપમાન 5થી 6 ડિગ્રીની આસપાસ રહે છે. એટલે કે ગરમીથી રાહત મેળવવા માટે આ ઉત્તમ સ્થળ છે. જ્યાં તમને કુદરતના ખોળામાં હોવાનો અહેસાસ થશે. આ સુંદર સ્થળે વસતા લોકો દાર્દિક ભાષા બોલે છે, એટલે તેમને દર્દ કહેવામાં આવે છે.

પ્રાકૃતિક દ્રશ્યો
દ્રાસ એક ગામ છે, જ્યાં ન તો ઉંચી ઈમારતો છે, ના તો ઘોંઘાટ કરતા વાહનો, ના શહેરની રોજિંદી ભાગદોડ. અહીં છે તો બસ બરફથી ઢંકાયેલા પડાહો, બરફનું રણ અને કુદરતે છુટ્ટે હાથે વેરેલું સોંદર્ય. જે આંખોની સાથે સાથે મનને પણ એક અપાર શાંતિનો અભવ કરાવે છે.

લદ્દાખ ફરી શકો
દ્રાસ શ્રીનગર અને લેહ જતા રસ્તામાં વચ્ચે આવે છે. એટલે જ તેને લદ્દાખનું પ્રવેશ દ્વાર પણ કહે છે. દ્રાસ ફરવા આવેલા પર્યટકો લદ્દાખમાં ફરવાનો પણ લહાવો લઈ શકે છે. લદ્દાખ પ્રાચીન મઠ, ધાર્મિક સ્થળો, મહેલો, જુદા જુદા સાંકડા અને જોખમ ભર્યા રોમાંચક રસ્તાઓ, પર્વતોની ટેકરીઓ અને જંગલ સફારી માટે જાણીતું છે. લદ્દાખ ભારતીય, તિબ્બતી અને બૌદ્ધ ધર્મનું મિશ્રણ છે. જે લદ્દાખને વધુ આકર્ષક બનાવે છે.

કારગીલ વૉર મેમોરિયલ
દ્રાસ આવેલું છે કારગીલ જિલ્લામાં. એ જ કારગીલ જ્યાં ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાની સૈન્યને કારમો પરાજય આપ્યો હતો. આ કારગીલ વૉરની યાદમાં અહીં વ઼ૉર મેમોરિયલ બનાવાયું છે જેને બિમ્બત વૉર મેમોરિયલ પણ કહે છે. આ વૉર મેમોરિયલ સિટી સેન્ટરથી ટાઈગર હિલ તરફ 5 કિલોમટીર દૂર છે. મુખ્યત્વે આ વૉર મેમોરિયલ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા બનાવાયું હતું. તેના પ્રવેશ દ્વાર પર અભિનેતા અમિતાભ બચ્ચના પિતા કવિ હરિવંશ રાય બચ્ચનની કવિતા લખવામાં આવી છે.
દ્રાસ વૉર મેમોરિયલ સાથે સંકળાયેલું એક સંગ્રહાલય પણ અહીં છે. જેને ‘ઓપરેશન વિજય'ની સફળ થવા બદલ બનાવાયું હતું. ‘ઓપરેશન વિજય' જેનો અર્થ થાય છે સફળતા. આ ઓપરેશન કારગીલમાંથી પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢવા માટે શરૂ કરાયું હતુ. આ સંગ્રહાલયમાં ભારતીય વીર સૈનિકોની તસવીરો, મહત્વના દસ્તાવેજ અને યુદ્ધ સમયનું રેકોર્ડિંગ, પાકિસતાની યુદ્ધના ઓજાર અને કપડા તેમજ કારગીલ યુદ્ધનું આર્મીનું સરકારી ચિહ્ન પણ રખાયું છે.

સુરુ વેલીમાં ટ્રેકિંગની મજા
જો તમે રજાઓ દરમિયાન એડવેન્ચર કરવા ઈચ્છતા હો અને કોઈ પણ સ્થિતિમાં એડવેન્ચરની મજા લેવા સક્ષમ હો તો દ્રાસની સુરુ વેલી તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ટ્રેકિંગ દરમિયાન તમને 4500 મીટટર ઉંચા પહાડો પર વસેલા ગામ અને અંબાલા પાસ નજીક બંને તરફ મેદાન જોવાનો લ્હાવો મળી શકે છે. પ્રવાસીઓ અહીં અમરનાથ ગુફા માટે જતો રસ્તો પણ પસંદ કરી શખે છે. આ ટ્રેકિંગ ત્રણ દિવસનું હોય છે.. જેમાં જોજિલા નીચે મીનામર્ગથી શરૂ કરીને 5200 મીટર ઉંચા રસ્તા પસાર કરવાના હોય છે. આ ઉપરાંત દ્રાસના ટાઉન વિસ્તારાં પણ તમને નાની પદયાત્રા કરીને ઉંચાઈ પર વસેલા ગામ જોઈને ટ્રેકિંગનો લ્હાવો લી શકો છો.

દ્રાસ ક્યારે જઈ શકાય ?
કારણ કે દ્રાસ ભારતનું સૌથી ઠંડુ શહેર છે. પરિણામે અહીં મેથી ઓક્ટોબરની વચ્ચે એટલે કે ઉનાળા દરમિયાન જવું હિતાવહ છે. આ દરમિયાન અહીં ઠંડી ઓછી હોય છે. જેમાં તમને ગરમીથી રાહત મળશે સાથે જ ફરવાનો આનંદ. શિયાળા દરમિયાન દ્રાસ ન જવું યોગ્ય છે. શિયાળા દરમિયાન ભારે હિમવર્ષાને કારણે દ્રાસના રસ્તા બંધ કરી થઈ જાય છે. જે તમારું વેકેશન બગાડી શકે છે. પરિણામે દ્રાસ જવા માટે ઉનાળાનો સમય જ શ્રેષ્ઠ છે.

કેવી રીતે જશો દ્રાસ ?
પ્લેન દ્વારા
દ્રાસની સૌથી નજીકનું એરપોર્ટ છે લેહ, જે લગભગ 280 કિલોમીટર દૂર છે. પ્રવાસીઓ લેહથી દ્રાસ સુધી બસ દ્વારા સહેલાઈથી પહોંચી શકે છે
ટ્રેન દ્વારા
દ્રાસ ટ્રેન દ્વારા પણ પહોંચી શકાય છે. આ માટે શ્રીનગર ઉતરવું પડે. જે દ્રાસથી 442 કિલોમીટર દૂર છે અને દ્રાસનું સૌથી નજીકનું મોટુ રેલવે સ્ટેશન છે. પ્રવાસીઓ શ્રીનગરથી દ્રાસ સુધી કેબ કે પછી બસ દ્વારા પહોંચી શકે છે
રોડ ટ્રીપ
જો તમારી પાસે પોતાની કાર કે બાઈક છે, અને તમે રોડ ટ્રીપનું સપનું સાકાર કરવા ઈચ્છો છો. તો દ્રાસ તમારું સ્વાગત કરે છે. તમે મનાલી અને શ્રીનગર રૂટ દ્વારા દ્રાસ બાઈક અથવા કાર દ્વારા પહોંચી શકો છો.
તો રાહ શેની જુઓ છો, સામાન પેક કરો. ઉત્સાહ લોડ કરો અને નીકળી પડો.