ગુજરાત સહિત દેશમાં કેમ છવાયું વીજળી સંકટ? કેટલી વિકટ છે સમસ્યા
Coal Crisis : 6 ઓક્ટોબરના રોજ એક સમાચાર આવ્યા હતા કે, ઉત્તર ગુજરાતના ઘણા ગામડાઓમાં વીજ કાપની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. આ સાથે વિજળી ઉત્પાદન કરતા ઉદ્યોગો પાસે ફ્કત 4 દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો ઉપલ્બ્ધ છે. કોલસાની કટોકટીને કારણે સમગ્ર ભારતમાં વીજળી સંકટનું જોખમ છે. તો આવો જાણીએ શુ છે આ કોલસાની કટોકટી જેના કારણે સમગ્ર દેશ પર અંધકારનું સંકટ તોળાઇ રહ્યું છે?
ભારતના અડધા જેટલા વિધુત મથકો કોલસાની કટોકટીનો સામનો કરી રહ્યા છે
ઉત્તર ગુજરાતના ઘણા ગામડાઓમાં દિવસ દરમિયાન વીજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ઘણા ગામોમાં એકથી બે કલાકના વીજ કાપની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ સમસ્યા ફક્ત ગુજરાતમાં જ નહી, પરંતુ ભારતના એવા 64 પાવર પ્લાન્ટમાં આવી રહી છે, જેમની પાસે માત્ર 4 દિવસ ચાલે એટલો જ કોલસાનો જથ્થો ઉપલ્બ્ધ છે. જે બાદ તે વીજ ઉત્પાદન કઇ રીતે કરશે? તે અંગેની તેમની પાસે કોઈ યોજના નથી. જો આ સંકટને નિવારવામાં નહી આવે તો ભારતને બહુ મોટા વિદ્યુત સંકટનો સામનો કરવો પડશે. હાલ ભારતના અડધા જેટલા વિધુત મથકો કોલસાની કટોકટીનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની કુલ જરૂરિયાતની ઉર્જાના 70 ટકા વીજ ઉત્પાદન કોલસા દ્વારા મેળવે છે. જે કારણે જો કોલસાની કટોકટી સર્જાય, તો વીજળી ઉત્પન્ન કરવામાં મોટા પ્રમાણમાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. જેના પરિણામ સ્વરૂપ દિવસ દરમિયાન વીજ કાપ અને જો સમસ્યા વધુ વિકટ બને તો અંધારપટનો પણ સામનો કરવો પડી શકે છે.
જો રાજધાની દિલ્હીમાં કોલસાની કટોકટીની વાત કરવામાં આવે તો આ સમસ્યા ખુબ જ ગંભીર સ્તરે છે. જો આ સમસ્યાનો કોઇ ઉકેલ નહીં લાવવામાં આવે તો વીજળીની ભયંકર અછત સર્જાઇ શકે તેમ છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમણે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દરમિયાનગીરી કરવા માટે અનુરોધ કર્યો છે. દિલ્હીમાં વીજળીનો પૂરવઠો આપતા વીજ ઉત્પાદક પ્લાન્ટ્સને કોલસા અને ગેસનો પૂરવઠો મળી રહે, તેવી વ્યવસ્થા કરવા માટે પણ તેમણે માંગણી કરી છે. ફ્કત દિલ્હીમાં જ નહીં પણ ઉત્તર પ્રદેશ, આધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ આ સમસ્યા સર્જાઈ છે.
શા માટે સર્જાઇ રહી છે કોલસાની કટોકટી?
ઉર્જા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા એક નિવેદન અનુસાર કોલસાના પુરવઠામાં અછત સર્જાવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. સરકારના જણાવ્યા અનુસાર આયાતી કોલસાના ભાવમાં થયેલા વધારાને કારણે કોલસાનો પુરવઠો પણ ઓછો થયો છે. સરકારે કોલસાની કટોકટી માટે જવાબદાર કુલ ચાર કારણ જણાવ્યા છે. જેમાં સરકારે એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, અર્થતંત્રમાં રિકવરીના કારણે વીજળીની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે, કોલસાની ખાણ ધરાવતા વિસ્તારોમાં ભારે વરસાદ, આયાતી કોલસાના ભાવમાં વધારો અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વીજ કંપનીઓ પર વધતું જતું ભારણ આ કોલસાની કટોકટી માટે જવાબદાર છે.
સરકારે જણાવ્યું હતું કે, કોલસા મંત્રાલયની આગેવાની હેઠળનું આંતર મંત્રાલય પેટા જૂથ અઠવાડિયામાં બે વખત કોલસાના સ્ટોકની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મંત્રાલય અને કોલ ઇન્ડિયા લિમિટેડે ખાતરી આપી છે કે, તેઓ આગામી ત્રણ દિવસમાં પાવર સેક્ટરમાં પ્રતિદિન 1.6 મિલિયન ટન કોલસાનો જથ્થો મોકલવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જે બાદ અમારો પ્રયાસ દૈનિકધોરણે 1.7 MT સુધી પહોંચવાનો રહેશે.
કોલસાની ખાણોમાં ભરાયા પાણી
કોલસા મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, કોલસાની ખાણોમાં આશરે 40 મિલિયન ટન અને પાવર પ્લાન્ટમાં 7.5 મિલિયન ટનનો ભંડાર છે. ખાણોમાંથી કોલસાને પાવર પ્લાન્ટ સુધી લઈ જવો એ હાલની મોટી સમસ્યા છે. કારણ કે, ભારે વરસાદને કારણે ખાણો છલકાઈ રહી છે, પરંતુ હવે હાલતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે અને પાવર પ્લાન્ટ્સમાં કોલસાના પુરવઠામાં વધારો થઇ રહ્યો છે.
ગુજરાતના પાવર પ્લાન્ટ બંધ
ગુજરાતને 1850 મેગાવોટ, પંજાબને 475, રાજસ્થાનને 380, મહારાષ્ટ્રને 760 અને હરિયાણાને 380 મેગાવોટ સપ્લાય કરતી ટાટા પાવરે ગુજરાતના મુન્દ્રામાં તેના આયાતી કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદન બંધ કરી દીધું છે. અદાણી પાવરનું મુંદ્રા યુનિટ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.