
એમેઝોન ઇન્ડિયા લાંચના આરોપોની તપાસ કરશે, ટ્રેડ યુનિયને કરી CBI તપાસની માંગ
નવી દિલ્હી : વિશ્વના સૌથી મોટા ઓનલાઈન રિટેલર એમેઝોનના વકીલો પર ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. એમેઝોનની ભારતીય શાખાએ લાંચના આરોપોનો સામનો કર્યા બાદ તેમની કાનૂની ટીમ સામે આંતરિક તપાસ શરૂ કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે, તે લાંચના આરોપોને ગંભીરતાથી લઈ રહી છે અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરશે. બીજી તરફ ફેડરેશન ઓફ ઇન્ડિયન ટ્રેડર્સે આ મામલે CBI તપાસની માંગ કરી છે.
કાનૂની ફીનો ઉપયોગ સમગ્ર દેશમાં વિવિધ સ્તરે અધિકારીઓને લાંચ આપવા માટે કરવામાં આવ્યો
એમેઝોન ઇન્ડિયાએ આરોપ લગાવ્યો છે કે, કંપની દ્વારા ચૂકવવામાં આવતી કાનૂની ફીનો ઉપયોગ સમગ્ર દેશમાં વિવિધ સ્તરે અધિકારીઓને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા ફાઇલ કરાયેલા નાણાકીય નિવેદનો દર્શાવે છે કે વર્ષ 2018-19 અને 2019-20 ના બે નાણાકીય વર્ષોમાં છ એમેઝોન કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવેલી કાનૂની ફી કુલ આવકના 20.3 ટકા જેટલી છે. વ્હિસલ બ્લોઅર્સ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અને લાંચની આંતરિક તપાસથી દેશમાં એમેઝોન માટે ચિંતા વધી છે.
કંપનીના વરિષ્ઠ કોર્પોરેટ વકીલ રાહુલ સુંદરમને રજા પર મોકલી દેવાયા
હવે એમેઝોને છ કંપનીઓના ભ્રષ્ટાચારના આક્ષેપોની આંતરિક તપાસની માંગ કરી છે કે, જેણે વર્ષ 2018-19 અને 2019-20માં કુલ 42,085 કરોડની આવક સામે કાનૂની ફી તરીકે 8,456 કરોડ રૂપિયા કથિત રૂપે આપ્યા હતા. એમેઝોને તેના કેટલાક કાનૂની પ્રતિનિધિઓ સામે લાંચ સાથે સંકળાયેલી તપાસ શરૂ કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીના વરિષ્ઠ કોર્પોરેટ વકીલ રાહુલ સુંદરમને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
વર્ષ 2018-19 અને 2019-20માં કંપનીની આવક રૂપિયા 1,448 કરોડ અને રૂપિયા 1,969 કરોડ હતી
એમેઝોનની છ કંપનીઓ દ્વારા ફાઇલ કરાયેલા નાણાકીય નિવેદનો દર્શાવે છે કે, આવકનાં આંકડાની સરખામણીમાં બેગ્લોર સ્થિત એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહત્તમ કાનૂની ફી ચૂકવવામાં આવી હતી. વર્ષ 2018-19 અને 2019-20માં કંપનીની આવક રૂપિયા 1,448 કરોડ અને રૂપિયા 1,969 કરોડ હતી, જે અનુક્રમે રૂપિયા 7,800 કરોડ અને રૂપિયા 11,000 કરોડની સરખામણીમાં કાનૂની ફી તરીકે ચૂકવવામાં આવી હતી.

આ મામલે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ - CAT
વેપાર સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (CAT) એ આ મામલે CBI તપાસની માંગ કરી છે. આ મામલે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષને પત્ર લખવામાં આવ્યો છે. CAT એ માંગ કરી છે કે, આ મામલા સાથે સંબંધિત અધિકારીઓના નામ જાહેર કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સંગઠને કહ્યું કે આ મામલે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ આવે છે
સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતીય અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, એમેઝોન સામે ચાલી રહેલી તપાસ અથવા એમેઝોન દ્વારા ભારતીય કાયદા અને નિયમોના સતત ઉલ્લંઘન સાથે કથિત લાંચનો કોઈ સંબંધ છે કે, કેમ તેની તપાસ કરવાની જરૂર છે. ભારતીય ઈ-કોમર્સ માર્કેટ અને છૂટક વેપારને અયોગ્ય પ્રભાવ, સત્તાનો દુરુપયોગ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી બચાવવા માટે પગલાં લેવા જોઈએ. તે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ આવે છે.
એમેઝોને ઈ-કોમર્સમાં ભારતીય એફડીઆઈને બાયપાસ કરી હતી
એમેઝોનને 1 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યના ભારતીય ઈ-કોમર્સ માર્કેટમાં ફ્લિપકાર્ટ, ટાટા અને રિલાયન્સ જિયોમાર્ટ તરફથી કઠિન પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં બિઝનેસ વિસ્તરણ માટે કંપની પહેલાથી જ 6 બિલિયન ડોલરથી વધુની પ્રતિબદ્ધતા ધરાવે છે. જો કે, તાજેતરના વિવાદથી દેશમાં તેના ભાવિ લક્ષ્યોને નુકસાન થવાની સંભાવના છે. કારણ કે, તેને સરકાર તરફથી વધુ કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. એમેઝોન સામે તાજેતરના આરોપો ફેબ્રુઆરીમાં રોઇટર્સના અહેવાલ બાદ સામે આવ્યા હતા. જેમાં આંતરિક દસ્તાવેજોને ટાંકવામાં આવ્યા હતા. જે દર્શાવે છે કે, એમેઝોને ઈ-કોમર્સમાં ભારતીય એફડીઆઈને બાયપાસ કરી હતી.