
પ્રિવ્યૂ : બુલેટ રાજા આવશે ત્યારે ગરમી વધી જશે!
ફિલ્મ : બુલેટ રાજા
નિર્માતા : તિગ્માંશુ ધુલિયા, નિતિન તેલ આહુજા, રાહુલ મિત્રા
દિગ્દર્શક : તિગ્માંશુ ધુલિયા
કલાકારો : સૈફ અલી ખાન, સોનાક્ષી સિન્હા, જિમી શેરગિલ, વિદ્યુત જામવાલ, રાજ બબ્બર, ગુલશન ગ્રોવર, રવિ કિશન તથા ચંકી પાન્ડે
સંગીત : સાજિદ-વાજિદ
સૈફ અલી ખાન અત્યાર સુધી ઓમકારા સિવાય મોટાભાગની ફિલ્મોમાં પોતાની ચૉકલેટી ઇમેજ તથા માસૂમ ચહેરા સાથે નજરે પડ્યાં છે, પરંતુ તિગ્માંશુ ધુલિયાની આ શુક્રવારે રિલીઝ થનાર ફિલ્મ બુલેટ રાજામાં સૈફ અલી ખાન એકદમ નવા અને અલગ પ્રકારના રોલ એક એવા ગૅંગસ્ટરના રોલમાં નજરે પડનાર છે કે જે પોતાના મિત્રોનો મિત્ર, એક વફાદાર પ્રેમી અને પોતાની શરતે જીવનાર વ્યક્તિ છે.
બુલેટા રાજા ફિલ્મની વાર્તા છે રાજા મિશ્રા (સૈફ અલી ખાન)ની કે જે એક સામાન્ય માણસની જેમ પોતાની મધ્યમ વર્ગીય જિંદગી જીવવાની ઇચ્છા ધરાવે છે, પણ જિંદગી તેને કેટલાક એવા વળાંકોએ લઈ આવે છે કે તે બુલેટ રાજા નામનો ખતરનાક ગૅંગસ્ટરમાં બદલાઈ જાય છે. બુલેટ રાજા બન્યા બાદ રાજા મિશ્રા સરકાર, પોલીસ તેમજ બિઝનેસમૅન તમામની જિંદગીઓ હલાવી મૂકે છે. રાજા મિશ્રા પોતાના નિકટના મિત્ર રુદ્ર (જિમી શેરગિલ)ના મોતનો બદલો લેવા ગૅંગસ્ટર બને છે અને સમગ્ર રાજ્યમાં પોતાનો સિક્કો જમાવી લે છે.રાજા મિશ્રાના ભયને પોતાના શહેરમાંથી નાબૂદ કરવાના શપથ લઈ એક નીડર પોલીસમૅન મુન્નૂ (વિદ્યુત જામવાલ) સામે આવે છે અને પોતાના તરફથી પુરતા પ્રયત્નો કરે છે કે શહેરના લોકોને તે રાજા મિશ્રાની ગુંડાગિરીમાંથી બચાવી શકે. ઉપરાંત ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, ચંકી પાન્ડે, ગુલશન ગ્રોવર, રવિ કિશન તેમજ રાજ બબ્બર જેવા પણ મોટા-મોટા કલાકારો છે કે જે ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે.