
કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્ઝિટ પોલને નકાર્યા, જાણો કોંગ્રેસની બેઠકોને લઈને શું કહ્યું?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પુરી થયા બાદ હવે મતગણતરી પહેલા એક્ઝિટ પોલને લઈને રાજનીતિ ગરમ છે. તમામ પક્ષો પોતાને જીતતા ગણાવી રહ્યા છે. બીજેપીને બહુમતિ મળતી દેખાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ એક્ઝિટ પોલના આંકડા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તમામ બબાલો વચ્ચે હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યુ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સીટો ઘટતી જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યુ છે. જયરામ રમેશે એક્ઝિટ પોલના આંકડાને ખોટા ગણાવતા કહ્યું કે, હવે એક્ઝિટ પોલથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ કહ્યું કે એક્ઝિટ પોલ પર આધારિત પ્રશ્નો ઠીક નથી છે. આપણે જાણીએ છીએ કે આ ચૂંટણી કોણ કરાવે છે? હું એક્ઝિટ પોલમાં માનતો નથી. હું જાણું છું કે કોના પ્રભાવથી અને શા માટે એક્ઝિટ પોલ લેવામાં આવે છે.
જયરામ રમેશે ભારત જોડો યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે એક્ઝિટ પોલના આંકડા પર સવાલ ઉઠાવ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં બીજેપી સરકાર બનાવતી જોવા મળી રહી છે. તેને 117થી 151 બેઠકો મળવાનું અનુમાન છે. તો કોંગ્રેસને 16થી 51 અને આમ આદમી પાર્ટીને 2થી 13 બેઠકો મળવાની સંભાવના છે.
જયરામ રમેશે આ આંકડાને નકારતા કહ્યું કે, મેં દાવો નથી કર્યો કે ગુજરાતમાં ભાજપ બહુમતી સાથે નહીં જીતે કે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં પાછી આવશે તેવું પણ મેં કહ્યું નથી. મેં જોયું છે કે આપણી લોકશાહી સંસ્થાઓને નિષ્ક્રિય કરવામાં આવી રહી છે અને ગુજરાતની જનતાની ચિંતાઓને અવગણવામાં આવી રહી છે.