અમદાવાદમાં થશે PM મોદી અને PM શિન્ઝો આબેનો ઐતિહાસિક રોડ શો
અમદાવાદઃ બુધવારે પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબે સાથે રોડ શોમાં ભાગ લેશે.
અમદાવાદ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને આવકારવા સંપૂર્ણ રીતે તૈયાર છે. મુંબઇ અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના નિર્માણ કામની શરૂઆત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન અમદાવાદ પધારનાર છે. શિન્ઝો આબેની બે દિવસીય ભારતની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વિવિધ બેઠકોમાં ભાગ લેશે. જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેની આ મુલાકાત અનેક રીતે ખાસ છે.

8 કિમી લાંબો રોડ શો
આ પહેલી એવી ઘટના છે, જ્યાં ભારત પધારનારા અન્ય દેશના વડાપ્રધાન દિલ્હીની જગ્યાએ સીધા અમદાવાદ આવનાર છે. શિન્ઝો આબે 13 સપ્ટેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અને ત્યાર બાદ તેઓ અને પીએમ મોદી બંને જોઇન્ટ રોડ શોમાં ભાગ લેશે. અમદાવાદ એરપોર્ટથી લઇને સાબરમતી આશ્રમ સુધીનો 8 કિમી લાંબો રોડ શો યોજાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, દેશના ઇતિહાસમાં આ પ્રથમવાર છે, જ્યારે દેશના વડાપ્રધાન કોઇ અન્ય દેશના વડાપ્રધાન સાથે જોઇન્ટ રોડ શો કરશે.

ઐતિહાસિક રોડ શો
આ રોડ શોના રૂટ પર પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટીઓઆઇ અનુસાર, આ રૂટ પર 28 અલગ-અલગ સ્થળોએ કેટલાક પર્ફોમન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ થઇને જતા આ રૂટ પર દેશના 28 રાજ્યોની છબી ઊભી કરતાં 28 નાના સ્ટેજ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટેજ પર જે-તે રાજ્યના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ પરફોમર્સ બંને વડાપ્રધાનોનું સ્વાગત કરવા હાજર રહેશે. ત્યાર બાદ બંને નેતાઓ સાંજે સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેશે.

ભારતની પહેલી બુલેટ ટ્રેન
ત્યાર બાદ ગુરૂવારે પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબે સાબરમતી સ્ટેશન પર મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના પાયા નાંખશે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના નામે વધુ જાણીતા એવા આ પ્રોજેક્ટ માટે ભારતે જાપાન સાથે હાથ મિલાવ્યા છે અને બંને દેશો વચ્ચે થયેલ કરાર હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહન મળે એ હેતુ છે. ભારતની આ પહેલી બુલેટ ટ્રેન વર્ષ 2022માં ચાલુ થશે અને તેનું સંપૂર્ણ સંચાલન ભારતના સ્કિલ્ડ કર્મચારી દ્વારા જ થાય એ રીતે યોજના ઘડવામાં આવી છે.

અમદાવાદનો શણગાર
ગુજરાત છેલ્લા ત્રણ વર્ષમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ બાદ બીજી વાર વિશ્વ સ્તરના નેતાને આવકારવા જઇ રહ્યું છે. પીએમ શિન્ઝો આબેના સ્વાગત માટે અમદાવાદને જાણે સોળ શણગાર કરવામાં આવ્યા છે. બંને દેશના પીએમ જ્યાંથી પસાર થવાના છે એ આખા રૂટ પર મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. અંગ્રેજી અને હિંદી ઉપરાંત જાપાની ભાષામાં પણ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ અને પુલ પર રોશની કરવામાં આવી છે. જાપાનમાં લાલ રંગને શુભ માનવામાં આવે છે, એ વાતને ધ્યાનમાં લઇ કેટલીક ઇમારતો પર લાલ રંગની રોશની કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
