For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષરધામમાં PM:જ્યારે સ્વામીજીએ મારા ભાષણની ટેપ મંગાવી...

અક્ષરધામ, ગાંધીનગર ખાતે પીએમ મોદીનું સંબોધન.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરની રજત જયંતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બ્રહ્મવ વિહારી મહારાજે પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે અહીં પીએમ નરેન્દ્ર મોદી અને પ્રમુખ મહારાજ સ્વામીની નિકટતા અંગે વાત કરી હતી. ત્યાર બાદ પીએમ મોદીએ ભાષણનું શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મેં પૂછ્યું હતું કે, હવે હું મહેમાન થઇ ગયો? જ્યારથી સમજણો થયો ત્યારથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે નિકટ થયો એ મારું સૌભાગ્ય છે.

pm modi akshardham

પ્રમુખ સ્વામીના મંદિરો સામાજિક ચેતનાના કેન્દ્રો

પીએમ મોદીએ આગળ કહ્યું કે, ધર્મ અને પરંપરાની ચર્ચામાં એક ચમત્કારની ગાડી લાવ્યા વિના આપણને ચાલતું નથી, એ વિના મજા નથી આવતી. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મેં જે અત્યંત નિકટતા મેં અનુભવી એમાં ચમત્કારનું નિશાન નહોતું, ક્યારેય તેમનાથી દૂરી અનુભવાઇ નથી. પ્રમુખ સ્વામીએ પોતના ધર્મના ફેલાવાને બદલે ઊંચાઇ તરફ ધ્યાન પરોવ્યું. હરિભક્તોમાં, સંતોમાં ઊંચાઇ આવે એની તરફ એમનું ધ્યાન રહેતું. પ્રમુખ સ્વામીએ માત્ર એક ઇમારત રૂપ મંદિરો નથી બનાવ્યા. તેમણે આખી દુનિયામાં મળીને 1200 મંદિર બનાવ્યા છે. પરંતુ તેમણે ઇમારતો ખડકવાનું કામ નથી કર્યું, તેમણે સામાજીક ચેતનાના કેન્દ્રો ઊભાં કર્યા છે. પરંપરાના બોજમાં જીવતા લોકો હિંમતભેર નવું કામ કરવાનું સામર્થ્ય નથી ધરાવતા, કાળના મુખમાં દબાઇ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ સમયના બંધનમાં બંધાયેલા નહોતા. તેઓ સમયાનાકૂળ પરિવર્તનમાં માનતા હતા. મંદિર વ્યવસ્થામાં આટલું મેનેજમેન્ટ, હ્યુમન ટચ, પરફેક્શન ક્યાંય જોવા નહીં મળે. અક્ષરધામ પછી પ્રમુખ સ્વામી અને એમની ટીમે સ્વચ્છતા, વ્યવસ્થાની પરંપરા શરૂ કરી.

akshardham

નર્મદા યોજના

તેમણે આગળ કહ્યું કે, આરએસએસના કાર્યક્રમમાં બોલવા માટે મેં બ્રહ્મ વિહારીજીને બોલાવ્યા હતા અને આ અદ્ભૂત મેનેજમેન્ટ અધિકારીઓને શીખવાડવાનું કહ્યું હતું. બાકી આપણી સરકાર તો એવી હતી કે, વર્ષ 2018માં યોજના પૂર્ણ કરવાની હોય અને વર્ષ 2022માં શિલાન્યાસ કરે. નર્મદા યોજના એનું જીવતું-જાગતું ઉદાહરણ છે. અહીં સમયબદ્ધ પ્લાનિંગ છે. મેં બાપાને વિનંતી કરી હતી કે, દુનિયાની 2-3 યુનિ.ને અક્ષરધામની કેસ સ્ટડી માટે નિમંત્રિત કરવા જોઇએ. જેથી તેમને ખ્યાલ આવે કે, આપણે ત્યાં આધાત્મિક વિશ્વમાં પણ મેનેજમેન્ટ અને આધુનિક ટેક્નોલોજીનો કેવો સુંદર ઉપયોગ થાય છે. અહીં દિવ્યતા અને ભવ્યતાનો સુભગ સંયોગ છે. ક્યાંય પણ અક્ષરધામ મંદિરની મુલાકાત લો, તમને બધે આ જ વ્યવસ્થા જોવા મળશે.

akshardham

મંદિરની મુલાકાતે આવનાર ભક્ત બનીને જાય છે

તેમણે આગળ કહ્યું કે, પ્રમુખ સ્વામીએ મંદિરમાં થિયેટર ઊભું કર્યું, પરંપરાના બંધનમાં જકડાયેલો વ્યક્તિ આ કામ ન કરી શકે. તેમણે દિલ્હીના મંદિરમાં થ્રીડી થિયેટર બનાવ્યું. દરેક મંદિરમાં એટલી બારીકાઇથી કામ કર્યું છે કે, માત્ર ભક્તો નહીં, મુલાકાતીઓ પણ મંદિર જોવા આવે છે. આ એવા અદ્ભૂત મંદિરો છે કે, મુલાકાતી આવે ત્યારે ભક્ત નથી હોતો, પરંતુ જાય ત્યારે ભક્ત બનીને જાય છે. પ્રમુખ સ્વામીની વિશેષતા એ હતી કે, એક તરફ આધુનિકતા, ઉત્તમ વ્યવસ્થા અને બીજી બાજુ સંતો માટે 18મી સદીના બધા જ નિયમોનું ફરજિયાતપણે પાલન. આ નાની વાત નથી. પ્રમુખ સ્વામીએ તેમને કેળવ્યા. એમણે સંતો માટે જે આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જે હું સાળંગપુર જોવા પણ ગયો હતો. તેમણે આધુનિકતા, ભવ્યતાને અપનાવ્યા અને છતાં દિવ્યતાને ઉની આંચ ન આવવી જોઇએ.

બાપાએ જ્યારે PMના ભાષણની ટેપ મંગાવી...

પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો એક કિસ્સો વર્ણવતા અહીં પીએમ મોદીએ કહ્યું કે, એકવાર બાપાએ મારી ભાષણની બધી ટેપો મંગાવી હતી. મેં એમને કહ્યું પણ ખરું કે, મારે તમારું સાંભળવાનું હોય, તમારે મારા ભાષણ સાંભળવાના ના હોય. આમ છતાં, બાપાનો આદેશ હતો એટલે મેં ટેપો મોકલી આપી, મને હતું કે રાજકારણના આ ભાષણો બાપા ન સાંભળે તો સારું. ટેપ મોકલ્યાના 5-6 દિવસ બાદ તેમણે મને મળવા બોલાવ્યો. હું ગયો ત્યારે મને જાણ થઇ કે, તેમણે મારી બધી ટેપો સાંભળી રાખી હતી અને મુદ્દા નોંધી રાખ્યા હતા. તેમણે મને દરેક નાની-નાની વાતો વીણીને કહ્યું હતું કે, તમારે આ ના બોલાય અને આજ પછી આવા વચનો તમારે ન બોલવા. મને ત્યારે થયું કે, મારા વિકાસની તેમની કેટલી ચિંતા હતી.

પ્રમુખ સ્વામી મહારાજની વ્યાપકતા

તેમણે આગળ કહ્યું કે, પ્રમુખ સ્વામી મહારાજ એવી હસ્તી હતા કે, એમની સામે આવેલ વ્યક્તિ અબ્દુલ કલામ હોય કે, નરેન્દ્ર મોદી; એમના થયા વિના રહે નહીં. પ્રમુખ સ્વામી મહારાજની વ્યાપકતા એવી હતી કે, અહીં બેઠેલા સૌને એમ લાગ્યું હશે, એમના મારી પર ચાર હાથ છે. રાજ્યમાં ગમે-તે મુશ્કેલી આવે, તેઓ લોકસેવા માટે હંમેશા આતુર રહેતા. નર્મદા યોજના દરમિયાન પણ તેઓ નાનામાં નાની વાતની કાળજી રાખતા, માહિતી રાખતા. આજે નર્મદા યોજના પરિપૂર્ણ થયાનો સૌથી વધારે સંતોષ એમને થયો હશે.

English summary
PM Modi speech at Akshardham, Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X