આઝમગઢ, 5 મેઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અમિત શાહ દ્વારા આઝમગઢને આતંકવાદીઓનો ગઢ કહેવામાં આવતા સમાજવાદી પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમિત શાહે રવિવારે આઝમગઢ લોકસભા બેઠકથી પાર્ટીના ઉમેદવાર રમાકાંત યાદવના સમર્થનમાં આયોજીત એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કહ્યું કે આઝમગઢ આતંકવાદીઓનો ગઢ છે, તેથી સપા સરકાર તેમને છોડવાની પેરવી કરી રહી છે. યુપીમાં સરકારનો કોઇ ભય નથી. ગુજરાત બોમ્બ વિસ્ફોટના આરોપી પણ આઝમગઢના હતા, જેમને તેઓ ગૃહમંત્રી હતા ત્યારે પકડાવ્યા હતા. ત્યારથી આજ સુધી ગુજરાતમાં કોઇ આતંકી ઘટના ઘટી નથી.અમિત શાહની આ ટીપ્પણી પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા સપા નેતા સીપી રાયે કહ્યું છકે ચૂંટણી પંચે તેમની આ ટીપ્પણીને સંજ્ઞાનમાં લઇને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. અમિત શાહની ટીપ્પણી આઝમગઢની ધરતીનું અપમાન છે. ભાજપ સાંપ્રદાયિકતા ફેલાવીને ચૂંટણી જીતવા માગે છે. પંચ દ્વારા એકવાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેઓ સુધરવા માટે તૈયાર નથી.