મજૂરી કામ કરતા આ શખ્સે લૉટરીમાં જીત્યા 12 કરોડ રૂપિયા
કન્નરુઃ કેરળના કન્નુરમાં રોજમદાર તરીકે મજૂરી કરતા પેરુન્ન રાજને ન્યૂ ઈયર ક્રિસમસ બંપરમાં પહેલુ ઈનામ જીતી લીધું છે. તેમને ઈનામ તરીકે 12 કરોડ રૂપિયા મળ્યા છે. આટલી મોટી રકમ જીત્યા બાદ રાજન દંગ રહી ગયા અને તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ કરોડપતિ બની ગયા છે. જો કે ટેક્સ કપાયા બાદ તેમને 7.2 કરોડ રૂપિયા જ મળી શક્યા છે. 58 વર્ષના રાજન રોજમદાર તરીકે મજૂરી કરે છે અને મૂળ રૂપે પુરાલિમલા કાઈથાચલ કુરિચયા કૉલોનીમાં રહે છે.

લોટરી લાગી
આર્થિક પરેશાની હોવા છતાં પણ તેઓ સતત લૉટરી ખરીદતા રહેતા હતા અને તેમને આ વાતની ઉમ્મીદ હતી કે એકના એક દિવસે તેઓ લોટરી જરૂર જીતશે. લોટરી જીત્યા બાદ રાજને કહ્યું કે, 'મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી મોટી રકમ જીતીશ. કેમ કે કાલે જ પરિણામ ઘોષિત થયા, હું વિજેતા બનીશ તેવી મને ઉમ્મીદ નહોતી. બેંકમાં જમા કરતા પહેલા મારા પરિવારે કેટલીયવાર પરિણામ ચેક કર્યું.' અધિકારીઓએ રાજનને કહ્યું કે તેમણે પહેલા પોતાની ટિકિટ કન્નૂરની જિલ્લા બેંકમાં જમા કરાવવાની રહેશે.

12 કરોડ જીત્યા
રાજન પોતાની પત્ની રજની, દીકરા રીજિલ અને દીકરી અક્ષરા સાથે બેંક પહોંચ્યા અને ટિકિટ જમા કરાવી દીધી. જણાવી દઈએ કે રાજનની હજી એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે. રાજને કોથુપરાંભાથી પોતાની ટિકિટ ખરીદી હતી.

પૈસાનું શું કરશે જાણો
રોજમદાર તરીકે મજૂરી કામ કરતા રાજન કરોડપતિ બનતા કહ્યું કે, 'સૌથી પહેલા મારે થોડું દેણું ચૂકવવાનું છે. પછી મારી આસપાસ કેટલાક બીમાર અને સંઘર્ષ કરતા લોકો છે જેમને સમર્થનની જરૂરત છે અને તેમના માટે હું કંઈકને કંઈક જરૂર કરીશ. પરંતુ પૈસાને બરબાદ નહિ કરું.'