
આજે ઈડી સામે હાજર થશે રાહુલ ગાંધી, ભારે સુરક્ષાબળ તૈનાત
નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઈડી સામે હાજર થશે. ઈડીએ રાહુલ ગાંધીને સમન મોકલ્યા હતા. આ સમન નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને મોકલવામાં આવ્યા છે. આજે ઈડીના કાર્યાલયમાં રાહુલ ગાંધીની હાજરી પહેલા ઈડી કાર્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈડીએ રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ નોટિસ મોકલી છે પરંતુ માનવામાં આવે છે કે કોરોના સંક્રમણને કારણે સોનિયા ગાંધી ઈડી સમક્ષ હાજર નહિ થાય. EDની નોટિસને કારણે આજે કોંગ્રેસ દેશની તમામ ED ઓફિસની સામે સત્યાગ્રહ કરશે. જેના કારણે ED ઓફિસની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે EDનો દુરુપયોગ થઈ રહ્યો છે. દિલ્હીના તમામ કોંગ્રેસના સાંસદો આજે આ પ્રદર્શનમાં ભાગ લેશે.
કોંગ્રેસ નેતાઓએ દિલ્લીના રસ્તાઓ પર 'રાહુલ ઝુકેગા નહિ'ના પોસ્ટર લગાવી દીધા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, 'પ્રિય મોદી અને શાહ, આ રાહુલ ગાંધી છે, ઝુકેગા નહિ.' કોંગ્રેસે નક્કી કર્યુ હતુ કે પાર્ટીના તમામ ટોચના નેચાઓ અને સાંસદો દિલ્લી ઈડીના મુખ્યાલય સુધી વિરોધ કૂચ કરશે અને સત્યાગ્રહ કરશે પરંતુ દિલ્લી પોલિસે તેમને આમ કરતા અટકાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠનેતા પી. ચિદમ્બરમે કહ્યુ કે મની લૉન્ડરિંગ કેસમાં રાહુલ ગાધીને ઈડીના સમન્સ પાયાવિહોણા હતા અને એવુ લાગે છે કે ભાજપના નેતા અથવા પક્ષ દ્વારા શાસિત રાજ્ય તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી. ચિદમ્બરમે કહ્યુ કે, 'હું કોંગ્રેસના સભ્ય અને વકીલ તરીકે મારી વાત કહુ છુ. PMLA(પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ) હેઠળ રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા ઈડીના સમન્સ પાયાવિહોણા છે.'
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે આજે પાર્ટી કાર્યાલયથી EDની ઓફિસ સુધી રેલી કાઢવાની પરવાનગી માંગી હતી પરંતુ દિલ્હી પોલીસે આ પરવાનગી નકારી દીધી છે. પોલીસે કહ્યુ કે કોંગ્રેસ કાર્યકર્તાઓએ અકબર રોડ પર બેસવાની પરવાનગી માંગી હતી પરંતુ મોટી ભીડને કારણે આ પરવાનગી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધી હાજરથાય તે પહેલા કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યુ હતુ કે કોંગ્રેસના તમામ સભ્યો અને વર્કિંગ કમિટીના સભ્યો અને મહત્વના નેતાઓ પણ ED ઓફિસ જશે. સચિન પાયલટે આરોપ લગાવ્યો કે છેલ્લા 7-8 વર્ષમાં કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થયો છે. ED કેન્દ્ર સરકારની સૌથી પ્રિય એજન્સી છે.
નોંધનીય છે કે EDએ સોનિયા ગાંધીને 23 જૂને સમન્સ પાઠવ્યા છે પરંતુ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત છે. તેથી માનવામાં આવે છે કે તેઓ ED સમક્ષ હાજર નહિ થાય. અગાઉ તેમને 8મી જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યુ હતુ. નેશનલ હેરાલ્ડ કેસ વિશે વાત કરીએ તો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ દ્વારા મિલકતો હસ્તગત કરી છે. 200 કરોડની કિંમતની ઇમારતો જપ્ત કરવામાં આવી હતી.