For Daily Alerts
ચર્ચ અને મસ્જિદ સાથે ટોઇલેટની સરખામણી કરી બતાવોઃ ઠાકરે
મુંબઇ, 08 ઑક્ટોબરઃ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ મંદિર સાથે શૌચાલયની સરખામણી કરવા બદલ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશના આડેહાથ લીધા છે. તેમણે જયરામ રમેશને કહ્યું છે કે, તમે મંદિર ના બદલે ચર્ચ અને મસ્જિદ અંગે આ પ્રકારની ટિપ્પણી શા માટે નથી કરી. દેશમાં ઓછા શૌચાલય માટે કોંગ્રેસ સરકાર જવાબદાર છે.
શિવસેનાના પ્રમુખે કહ્યું છે કે, મંદિરોનું નિર્માણ લોકો સ્વેચ્છાથી પોતાના સંસાધનોથી કરે છે, પરંતુ શૌચાલયનું નિર્માણ કરવાની જવાબદારી સરકારની છે. ઠાકરેએ એ જાણવા ઇચ્છા વ્યક્ત કરી છે કે, જયરામ રમેશે મંદિરના બદલે મસ્જિદ અને મદરેસા કે પછી ચર્ચોની વાત કેમ નથી કરી? માત્ર મંદિરોને નિશાના બનાવવાની જરૂર શું હતી?
ઠાકરેએ વ્યંગ્યાત્મક રીતે કહ્યું છેકે, જયરામ મસ્જિદ કે મદેરાસાનું નામ લેતા તો મુસ્લિમ મોલવી એમની વિરુદ્ધ ફતવો જાહેર કરી દેતા, જે રીતે સલમાન રશ્દી વિરુદ્ધ થયું છે. જો તે ચર્ચનું નામ લેતા તો પોપ સીધા રોમથી તેના પર આપત્તિ વ્યક્ત કરતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તેના પાર્ટીમાંથી કાઢી નાંખતા.