For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દમણની બેઠક પર ત્રિપાંખિયો જંગ, કોણ છે કલાબહેન ડેલકર?

સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની લોકસભા બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામશે. જ્યાં ભાજપ તરફથી મહેશ ગાવિતને, તો કૉંગ્રેસ તરફથી મહેશ કુમાર દોઢીને ઉમેદવાર બનાવ્યા છે અને હવે શિવસેના પણ મેદાનમાં છે. પૂર્વ સંસદસભ્ય મોહન ડેલકરના

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની લોકસભા બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામશે. જ્યાં ભાજપ તરફથી મહેશ ગાવિતને, તો કૉંગ્રેસ તરફથી મહેશ કુમાર દોઢીને ઉમેદવાર બનાવ્યા છે અને હવે શિવસેના પણ મેદાનમાં છે.

પૂર્વ સંસદસભ્ય મોહન ડેલકરનાં વિધવા કલાબહેન દ્વારા શિવસેનાની ટિકિટ ઉપર દાવેદારી નોંધાવતા ચૂંટણીજંગ રસપ્રદ બન્યો છે. મોહન ડેલકર ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા અને પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો

મોહન ડેલકર

શુક્રવારે ઉમેદવારીનો છેલ્લો દિવસ હતો. તા. 11મી ઑક્ટોબરે ઉમેદવારીની ચકાસણી થશે, તા. 13મી ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા. 30મી ઑક્ટોબરે મતદાન યોજાશે.


મહેશ વિ. મહેશ વિ. કલાબહેન

https://twitter.com/rautsanjay61/status/1446098495908167685

ગુરૂવારે મોહન ડેલકરનાં વિધવા કલાબહેને તેમનાં પુત્ર અભિનવ તથા પુત્રી સાથે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'વર્ષા' ખાતે મુલાકાત કરી હતી. આ તકે રાજ્યસભામાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત પણ તેમની સાથે હતા.

બેઠક દરમિયાન કલાબહેન તેમના પુત્ર સાથે શિવસેનામાં જોડાયાં હતાં અને પાર્ટીએ તેમને દમણ અને દાદરાનગરની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. કહેવાય છે કે ભાજપ તથા એનસીપી દ્વારા પણ કલાબહેનને પાર્ટીની ટિકિટ આપવાની ઓફર થઈ હતી.

અગાઉ એવી ચર્ચા હતી કે અભિનવ ચૂંટણીજંગમાં ઉતરશે તથા પોતાના પિતાના રાજકીય વારસાને આગળ ધપાવશે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કલાબહેન શિવસેના મારફત રાજકારણમાં રહેશે. અભિનવ ચૂંટણીપ્રચાર તથા અન્ય જવાબદારીઓ સંભાળશે.

ઉમેદવારીની જાહેરાત બાદ પત્રકારો સાથે વાત કરતા કલાબહેને કહ્યું હતું, "જે જુસ્સાથી મારા પતિ દમણ અને દાદરાનગર હવેલીની સેવા કરતા હતા, તે જુસ્સાથી જ હું લોકોનાં કામ કરીશ તથા મારા પતિએ જે સપનાં જોયા હતા, તેને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશ."

ભાજપ દ્વારા મહેશ ગાવિતને ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ ઇન્ડિયા રિઝર્વ બટાલિયનના પૂર્વ સબ-ઇન્સ્પેક્ટર છે. તેમણે 14 વર્ષ સુધી ફરજ બજાવી હતી. તેઓ ગત વર્ષે ભાજપમાં આવ્યા, તે પહેલાં ડેલકર સાથે જોડાયેલા હતા, પરંતુ મતભેદ થતા અલગ થઈ ગયા હતા. તેઓ દાદરાનગર હવેલી પંચાયતમાં ઉપાધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે.

https://www.youtube.com/watch?v=btyU5Hv2GPY

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલનો આ બેઠક પરથી લગભગ નવ હજાર મતથી પરાજય થયો હતો. અગાઉ બે વખત તેઓ મોહન ડેલકરને આ બેઠક પરથી પરાજય આપી ચૂક્યા હતા.

કૉંગ્રેસ દ્વારા છેલ્લા દિવસે શુક્રવારે સવારે મહેશકુમાર દોઢીના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલાં 2019ના ઉમેદવાર પ્રભુ ટોકિયાને ટિકિટ ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.

તા. 30મી ઑક્ટોબરે દોઢી ઉપરાંત કૉંગ્રેસના નેતા ડૉ. રઘુ શર્માની પણ કસોટી થશે. જેમને ગુરૂવારે રાજીવ સાતવના સ્થાને ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી તથા દીવ કૉંગ્રેસના પ્રભારી નીમવામાં આવ્યા હતા. તેઓ કૉંગ્રેસની ટિકિટ ઉપર રાજસ્થાનની કેકરી બેઠક પરથી ધારાસભ્ય છે અને તેમને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતની નજીક માનવામાં આવે છે, જેઓ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રહી ચૂક્યા છે.

વરિષ્ઠ પત્રકાર ફયસલ બકીલીએ બીબીસી પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું, "આ વખતની ચૂંટણી દરમિયાન મોહન ડેલકરનું મૃત્યુ અને તેમના પ્રત્યેની સહાનુભૂતિ ઉપર લડાશે, તેમ જણાય છે. કારણ કે, ડેલકર માત્ર સંઘ પ્રદેશના જ નહીં, પરંતુ તેમની ગણતરી દક્ષિણ ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા તરીકે થતી હતી."


મોહન ડેલકર મૃત્યુકેસ

ફેબ્રુઆરી-2020માં દમણના અપક્ષ સંસદભ્ય મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં જઈને આત્મહત્યા કરી હતી. મૃત્યુ પહેલાં કથિત રીતે 15-પન્નાની સ્યૂસાઇડ નોટ ગુજરાતીમાં લખી હતી. જેમાં તેમણે અનેક વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા ભાજપના નેતાઓના નામ લખ્યા છે. આની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું છે.

પુત્ર અભિનવે મુંબઈ પોલીસ સમક્ષ દાદરાનગર હવેલી, દમણ-દીવના વહીવટકર્તા પ્રફુલ્લભાઈ ખોડાભાઈ પટેલ સિવાય આઠ અન્ય સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે તેમના પિતા પાસેથી પ્રફુલ્લ પટેલ રૂ. 25 કરોડ કઢાવવા માગતા હતા અને જો ન આપે તો તેમને પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.

ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું તે પહેલાં ડેલકરની હત્યાના આરોપી કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી છે. મુંબઈના પૂર્વના પૂર્વ કમિશનર પરમવીર સિંહે આરોપ મૂક્યો હતો કે તેમની પર મોહન ડેલકર કેસમાં ભાજપના નેતાને ફિટ કરવા માટે દબાણ હતું.

મૃત્યુ બાદ ડેલકર પરિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી સહિત અલગ-અલગ સ્તરે રજૂઆત કરી હતી. ડેલકર પરિવાર દ્વારા ચૂંટણીપ્રચારમાં પૂર્વ સંસદસભ્યના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો છે.

મોહનભાઈ ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો.

મોહન ડેલકર વિશે વિસ્તારથી અહીં વાંચો

આમ તેઓ પ્રથમ વખત દાદરા અને નગર હવેલી ક્ષેત્રના સાંસદ બનીને લોકસભા પહોંચ્યા. ત્યાર બાદ તેઓ સતત પાંચ વખત આ જ બેઠક પરથી સાંસદ રહ્યા. જેમાંથી દસમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ કૉંગ્રેસ પક્ષ તરફથી ચૂંટાઈ આવ્યા હતા.

ફરી પાછા અગિયારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને બારમી લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે દાદરા અને નગર હવેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.

ત્યાર બાદ તેમણે પોતાનો રાજકીય પક્ષ ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 2004માં ચૌદમી લોકસભામાં ફરીથી સાંસદ તરીકે સંસદભવન પહોંચ્યા.

ત્યાર બાદ 2009 અને 2014ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ઊતર્યા પરંતુ તેમને ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ફરી પાછા તેઓ વર્ષ 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને સાતમી વખત લોકસભામાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા.

તેમના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સંસદની વિવિધ સમિતિઓના સભ્ય તરીકે પણ સક્રિય કામગીરી બજાવી હતી.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હોવા છતાં તેમણે સંસદમાં ભાજપના વડપણવાળા ગઠબંધન નૅશનલ ડેમૉક્રૅટિક અલાયન્સ (NDA)ને સમર્થન આપ્યું હતું.

જોકે, દાદરા અને નગર હવેલીની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું જે કારણે ભાજપને સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=0oFBcNcdLU0

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Tripankhio Jung on the seat of Daman, who is Kalabahen Delkar?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X