... તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ?
15 ઑગસ્ટ શુક્રવારે ભારત ધ ઓવલના મેદાન ખાતે ઇંગ્લેન્ડ સાથે પાંચમી ટેસ્ટ મેચમાં બાથ ભીડશે, ટીમ ઇન્ડિયા જ્યારે મેદાન પર ઉતરશે તો તેના પર અંતિમ ટેસ્ટ જીતવાનું અને ટેસ્ટ શ્રેણી સરભર કરવાનું દબાણ હશે, ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોની પર. વિદેશી ધરતીમાં સૌથી વધુ ટેસ્ટ મેચ હારવાનો એક ભારતીય સુકાની તરીકેનો રેકોર્ડ ધોનીના નામે છે અને છેલ્લી બે ટેસ્ટ મેચોમાં જે પ્રકારની રણનીતિ ધોનીએ અપનાવી હતી તેની આકરી ટીકા થઇ રહી છે, ત્યારે ધોની આ તમામ ટીકાઓનો જવાબ મેચ જીતીને આપવા ઇચ્છશે.
જોકે આંકડાઓ પર નજર ફેરવવામાં આવે તો ઓવલ મેદાન પર ભારતનું જીતવું મુશ્કેલ જણાઇ રહ્યું છે. 2011માં જ્યારે ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે આવ્યું હતું ત્યારે ઓવલ ટેસ્ટમાં ભારતને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો ચાલો તસવીરો થકી આ શ્રેણી અને ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસ સાથે જોડાયેલા આંકડાઓ પર નજર ફેરવીએ, જે દર્શાવે છેકે અંતિમ ટેસ્ટ ધોની માટે એક પડકાર સમાન સાબિત થશે.
આ પણ વાંચોઃ- શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી' 13?
આ પણ વાંચોઃ- ..તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ
આ પણ વાંચોઃ- પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ

માત્ર એકવાર બે ટેસ્ટ જીત્યા
આ એક ચોંકાવનારો આંકડો છે, પરંતુ તે હકિકત છે કે ક્રિકેટ ઇતિહાસમાં ભારતીય ટીમ માત્ર એકવાર વિદેશમાં પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન બે ટેસ્ટ જીત્યું છે. એટલું જ નહીં, તે શ્રેણીમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. 1977-78માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી શ્રેણીમાં ભારત બે મેચ જીત્યું હતું, પરંતું તે 2-3થી શ્રેણી હારી ગયું હતું.

અંતિમ ટેસ્ટમાં હારનું કલંક
વિદેશમાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચોવાળી ગત 11 શ્રેણીમાંથી ભારત ક્યારેય અંતિમ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. આ વખતે પણ નિર્ણય અંતિમ ટેસ્ટ જ નક્કી કરવાની છે, જે ધોની માટે એક મોટા પડકાર સમાન હશે અને તેના પર દબાણ પણ વધારે હશે.

માત્ર એક જીત
ભારતીય ક્રિકેટ ટીમે પોતાના ટેસ્ટ ઇતિહાસમાં વિદેશમાં રમતા માત્ર એકવાર પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી જીતી છે, પહેલી અને અંતિમવાર આ કારનમો ભારતીય ક્રિકેટ ટીમે 1970-71માં કર્યો હતો જ્યારે ભારતે શ્રેણી 1-0થી જીતી હતી.

સ્પિનનું ભૂત
આ શ્રેણીમાં ભારતીય ટીમ સાથે જે થયું તે કોઇએ પણ વિચાર્યું નહીં હોય. એક પાર્ટ ટાઇમ સ્પિન બોલર મોઇન અલી સામે આખી ભારતીય ટીમ વામણી જોવા મળી. તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડના સ્પિનર્સે આ શ્રેણીમાં અત્યારસુધી 20 વિકેટ મેળવી છે, જ્યારે ભારતીય સ્પિનર્સ માત્ર 11 વિકેટ હાંસલ કરી શક્યા છે.

ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સ પણ ભયભીત કરી રહ્યાં છે
સ્પિનર્સ જ નહીં પરંતુ ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સ પણ શ્રેણીમાં ભારત કરતા ઘણા આગળ જોવા મળી રહ્યાં છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સે 30.78ની એવરેજથી 55 વિકેટ મેળવી છે, જ્યારે ભારતના બોલર્સે 40.57ની એવરેજથી 38 વિકેટ જ મેળવી છે.