સાવધાનઃ ભારતમાં આ 10 રીતે કરવામાં આવે છે ‘કાર કૌભાંડ’
આપણે ત્યાં એકપણ એવું સેક્ટર નથી કે જેમાં છેતરપિંડી કે કૌભાંડો થતા ન હોય. વાત ભારતના ઓટોમોબાઇલ સેક્ટરની કરવામાં આવે તો કાર ખરીદ્યા બાદ આપણે પણ એવા અનેક કૌભાંડો કે પછી છેતરપિંડીમાં ફસાઇ શકીએ છીએ, જેની આપણે ક્યારેય ગંભીરતાથી નોંધ લીધી હોતી નથી.
એક સામાન્ય જ વાત કરીએ તો આપણામાંથી અનેક લોકો એવા હશે કે જેમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ કોઇને કોઇ રીતે તમને દંડ ફટકાર્યો હશે. આપણે કાયદાની નાનામાં નાની વાતથી માહિતગાર નહીં હોવાના કારણે તેમની વાત માન્યા સિવાય આપણી પાસે અન્ય વિકલ્પ હોતો નથી અને આપણે દંડ ભરવા માટે મજબૂર થઇ જઇએ છીએ. આ તો એકમાત્ર ઉદાહરણ છે, આવા અનેક કૌભાંડ છે, જેનાથી આપણે અજાણ છીએ, તો ચાલો તસવીરો થકી એ જાણીએ અને સચેત રહીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ડ્રાઇવ કરવા જેવા 7 મનોહર હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 મીડિયમ સાઇઝ ફેમેલી કાર
આ પણ વાંચોઃ- નવી કાર લો છો? તો આ બાબતોને ધ્યાનમાં રાખીને લો ટેસ્ટ ડ્રાઇવ

ટ્રાફિક પોલીસ દ્વારા છેતરપિંડી
જો તમને કાયદાની જાણ ન હોય તો તમને દંડ થઇ શકે છે, પરંતુ શું થાય ત્યારે જ્યારે તમને છેતરવામાં આવે. કેટલીકવાર ટ્રાફીક પોલીસ અથવા આરટીઓ અધિકારી દ્વારા તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને તમારી પાસે દંડ ભરાવે છે અથવા તો તમને ડરાવવામાં આવે છેકે તમારું વાહન જપ્ત કરી લેવામાં આવશે. ત્યારે એ વાત મહત્વની રહે છેકે તમે કાયદા અંગે સામાન્ય જ્ઞાન રાખો. જો તમે કાયદાથી માહિતગાર ના હોવ તો વકીલની મદદ લો, તેમજ પોલીસ યુનિફોર્મમાં રહેલી વ્યક્તિ પર તમને શંકા જાગે તો તમે તેની પાસેથી તેનું આઇકાર્ડ માંગી શકો છો, એ તમારો અઘિકાર છે અને એ અધિકારી અંગે અન્ય સ્થાનિક પોલીસ સ્ટેશનેથી માહિતી માંગી શકો છો.

ચેક પોસ્ટ પર લેગજ ચોરી
જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમારી પોતાની કાર લઇને જઇ રહ્યા છો તો, આ એક સામાન્ય નિયમ છેકે પોલીસ અધિકારી દ્વારા તમારી કારને રોકવામાં આવે અને તમારા લગેજનું ચેકિંગ કરવામાં આવે. જોકે ઘણી વાર એવું બની શકે છેકે તમારા લગેજની ચેકિંગ દરમિયાન ચોરી પણ થઇ શકે છે. તેવામાં જો તમે બીજા રાજ્યમાં જાઓ તો અને શંકા જેવું જણાય તો તમે અધિકારી પાસે તેનું આઇડી પ્રૂફ માંગી શકો છો અથવા તો તમારી હાજરીમાં લગેજ ચેક કરાવવું જોઇએ.

તમે જેટલા ચુકવો છો તેટલાનું જ ફ્યુઅલ આપવામાં આવે છે?
આ એક સામાન્ય કૌભાંડ છેકે પેટ્રોલ પમ્પ પર તમે જેટલું ફ્યુઅલ પૂરાવો છો તેના કરતા ઓછું ફ્યુઅલ આપવામાં આવે છે. આ સામાન્ય રીતે હાઇવે પર વધારે થતું જોવા મળે છે. જો તમને શંકા હોય તો તમે પાંચ લિટરના કેનમાં પહેલા ફ્યુઅલ પૂરાવી જુઓ અને પછી કારમાં એ ફ્યુઅલ ભરો, અથવા તો ફ્યુઅલ ભરાવતા પહેલા 0.00 ચેક કરી લો.

કાર ખરીદી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાત
એક વર્ષ જૂની કાર ઘણું જ મહત્વ ધરાવે છે, તેની રીસેલ વેલ્યુ સારી હોય છે. જો તમે નવી કાર ખરીદી રહ્યાં છો અને એ પણ પહેલા ક્વાર્ટરમાં તો શક્યતાઓ છેકે ડીલર તમને એક વર્ષ જૂનું મોડલ પધરાવી દે. તેથી કારની મેન્યુફેક્ચરિંગ ડેટ જોઇ લેવી, તેમજ ડીલર પાસે તમે ફોર્મ 22 પણ માંગી શકો છો, જેમાં વ્હીકલ આઇડેન્ટિફિકેશ નંબર, એન્જીન અને ચેસિસ નંબર તથા મેન્યુફેક્ચરિંગ ડેટ આપવામાં આવી હોય છે.

શું તમે ડેમો અથવા તો ડેમેજ કાર ખરીદવા માગો છો?
ઘણા એવા ડીલર હોય છે જે પોતાની ડેમેજ અથવા ડેમો કારને વેચતા હોય છે. તો આપણામાં ઘણા એવા પણ હશે કે જે આવી કાર ખરીદે છે, જો તમે પણ આવી કાર ખરીદી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે આવી કારમાં પણ અનેક પ્રકારની છેતરપિંડી કરવામાં આવતી હોય છે, તેનાથી બચવા માટે તમે સ્પીડોમીટર ડીસકનેક્ટેડ છેકે નહીં તે વાયર ટેપરિંગ, ઓડોમીટર રિડિંગ વગેરે ચેક કરી શકો છો, જેનાથી તમને માલુમ પડી જશે કે આ કાર લેવી કે નહીં. આ ઉપરાંત તમે ફિલ્કરિંગ સ્પીડોમીટર નીડલ, ડેશબોર્ડ સ્ક્રૂ અને ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરની આસપાસ સ્ક્રેચ. પેડલ અને ડ્રાઇવર સીટ પર એક્સેસિવ વીઅર, બોડી એરિયાનું શાઇનિંગ, પેનલ્સ અને કલરમાં મિસમેચ વિગેરે બાબતોનું ધ્યાન રાખી શકો છો.

નવી કારની ખરીદી વખતે વધુ પૈસા તો નથી ચુકવતા ને?
જ્યારે તમે નવી કાર ખરીદો છો ત્યારે તેની કિંમત ઉપરાંત અન્ય જે ચાર્જીસ લગાવવામા આવે છે તેની આખી યાદ ડીલર દ્વારા આપવામાં આવે છે, જોકે કેટલીકવાર તેમાં ચેનચાળા કરવામાં આવ્યા હોય છે અને તેના કારણે તમારે ઓન રોડ જે કિંમત થતી હોય તેના કરતા વધારે કિંમત ચુકવવી પડે છે. આ માટે તમારે ડીલર દ્વારા આપવામાં આવેલી યાદીને ચકાસી લેવી જોઇએ અને જે વસ્તુ તમે વેરીફાઇ કરી શકો તેને વેરીફાઇ કરી લેવી જોઇએ, જેમકે રોડ ટેક્સ. આ અંગે તમે લોકલ આટીઓ ઓફિસ અથવા વેબસાઇટ પર ચેક કરી શકો છો.

સર્વિસ સેન્ટરમાં ચોરી
આ પણ એક કોમન કૌભાંડ છે. જે મોટાભાગના સર્વિસ સ્ટેશનમાં કરવામાં આવે છે. જ્યારે તમે તમારી કારને સર્વિસ સ્ટેશને મોકલો છો ત્યારે કારની સર્વિસ દરમિયાન કેટલાક પાર્ટ્સને બદલવાના બહાને ઓરીજીનલ પાર્ટ્સ કાઢીને બીજા પાર્ટ્સ નાંખી દેવામાં આવે છે. તેમજ ઓઇલ ચેન્જ કરતી વખતે પ્યોર ઓઇલનો ઉપયોગ કેટલાક સ્ટેશનમાં કરવામાં આવતો નથી હોતો. તેથી ઓઇલ ચેન્જ તમારી આંખ સામે કરાવવું સારું રહે છે.

તમારી કાર વીમા પોલીસીને અનેકવાર વાંચો
જ્યારે તમે કાર વીમાં માટે રકમ ચુકવો છો ત્યારે કવર નોટ આપવામાં આવે છે, જ્યારે તમે વીમો ક્લેમ કરો છો ત્યારે જાણવા મળે છેકે આ વીમા કવર નોટ બોગસ છે. આ એક સામાન્ય કૌભાંડ છે જે પોલીસી આપતી વખતે કરવામાં આવે છે, તેથી જ્યારે તમે કાર વીમા પોલોસી લો ત્યારે કેટલીક બાબતો અનેક વાર વાંચી લો અને એ અંગે જાણી લો કે વીમા પોલીસી લેતી વખતે જે કંઇ લાભો જણાવવામાં આવે છે તે મળવા પાત્ર છેકે નહીં આ અંગે તમે ઓનલાઇન માહિતી મેળવી શકો છો.

તમે વેચેલી કાર તમારા નામે તો નથી ને?
તમે જ્યારે તમારી કાર વેંચો છો ત્યારે તેને ફોર્મ 29 અને 30 આપો છો, બાદમાં એ નવો માલિક કાર પોતાના નામે કરી લે છે, પરંતુ ઘણી વાર એવું બને છેકે નવો માલિક કાર પોતાના નામે કરાવતો નથી અને કાર તમારા નામે જ બોલતી હોય છે, આવું થાય ત્યારે એ કાર અકસ્માતનો ભોગ બને, ચોરી અથવા ગેરકાયદે કામમાં લેવાય અને પકડાય ત્યારે માલિક તરીકે તમારું નામ બોલાતું હોય છે, જેથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો, તેથી કાર વેચ્યા બાદ તમે જ તેને નવા માલિકના નામે કરવાની તસ્દી લઇ લો.