પડદા પાછળની હકીકતો ખોલે છે હીરોઇન
મુંબઈ, 21 સપ્ટેમ્બર : મોટા પડદે દેખાતાં સુંદર ચહેરાઓનું જીવન ક્યારેક-ક્યારેક ગંદગીથી કેટલું ખદબદતું અને એકાકી હોય છે. આ જ બતાવવાની કોશિશ કરી છે મધુર ભંડારકરની ફિલ્મ હીરોઇને.
અત્યાર સુધી મધુરની ઘણી ફિલ્મોએ ફેશન તેમજ ફિલ્મ જગત સાથે સંકળાયેલી ઘણી એવી હકીકતો ઉપરથી પડદો ઉંચક્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગઈ. હીરોઇન દ્વારા પણ મધુરે કઈંક એવી જ હકીકત મોટા પડદે દર્શાવવાની કોશિશ કરી છે.
વાર્તા - માહી સુંદર છે. ખોટું એવા કૉન્ફિડેન્સ સાથે બોલે છે કે બધા તે જ સાચું માની લે. તે બિન્દાસ્ત છે, પ્રસિદ્ધ છે અને સૌથી મોટી વાત એ છે કે તે આ સ્વાર્થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રી છે. તેના લાખો ફેન્સ છે, જે તેની એક ઝલક પામવા આતુર રહે છે. અગણિત લોકો તેને ચાહે છે, પણ તે ચાહે છે પોતાના સહ-કલાકાર અર્જુનને. અર્જુન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે માહીના સૌંદર્ય તેમજ તેની સફળતા સાથે પ્રેમ કરનાર અર્જન માહીને પળે-પળે પોતાના પ્રેમનો અહેસાસ કરાવે છે. માહી પોતાના પ્રેમને પામવા કઈં પણ કરી છૂટવા તૈયાર રહે છે અને પોતાની આ ઘેલછામાં તે ઘણાં બધા એવા નિર્ણયો કરે છે, જે તેના કરિયરને નિષ્ફળતાની ખીણ સુધી લઈ જાય છે. અને અહીંથી જ શરૂ થાય છે માહના જીવનનો એવો સફર, જે માહીના સમ્ર જીવન તેમજ કરિયરને બદલી નાંખે છે.
અભિનય - મધુર ભંડારકરની ફિલ્મોની વાર્તા કેટલીય સારી કેમ ન હોય, પણ તેમના કેરેક્ટર હકીકતમાં તેમની ફિલ્મના આધારસ્તંભ હોય છે. પેજ 3થી લઈને ફેશન ફિલ્મ સુધી કોંકણા સેન, પ્રિયંકા ચોપરા અને કંગના રાણાવાતે મધુરની ફિલ્મોને એક ઓળખ આપી છે. તેમની નિષ્પ્રાણ વાર્તાઓમાં પ્રાણ પૂર્યાં છે. હીરોઇન ફિલ્મમાં પણ કરીના કપૂરે માહીનું પાત્ર એટલું સુંદર રીતે અને મજબૂતી સાથે ભજવ્યું છે કે કદાચ આ ફિલ્મ જોયાં પછી તમે પણ માહીનું પાત્ર ભજવનાર આ સુંદર હીરોઇન ઉપર ફિદા થઈ જશો. કરીના કપૂર સાથે અર્જુન રામપાલ તેમજ રણદીપ હુડાએ પણ ઘણી સુંદર એક્ટિંગ કરી છે. ફિલ્મની વાર્તા જેમ આગળ વધે છે, તેમ તમે પોતાની જાતને આ હીરોઇનની ખુશી અને દુઃખ સાથે સંકળાયેલાં પામશો. ફિલ્મમાં બહુ જ સુંદર રીતે કાસ્ટિંગ કાઉચ અને સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ અપાવવાના બહાને લોકો સાથે થતા અત્યાચારને બહુ જ સારી રીતે વણી લેવામાં આવ્યું છે.
ગીતો - ફિલ્મના ગીતો ઘણાં સારાં છે. પણ જો ફેશન અને પેજ 3 સાથે સરખમાણી કરવામાં આવે, તો કદાચ હીરોઇનનું સંગીત થોડુંક પાછળ રહી જાય છે. હલકટ જવાની તેમજ મૈં હીરોઇન હૂં ગીત રિલીઝિંગ અગાઉથી જ પૉપ્યુલર થઈ ગયાં છે.
વિવાદ - હીરોઇન ફિલ્મ અંગે ઘણાં વિવાદો ઊભા થયા હતાં. પ્રથમ એવું કહેવામાં આવ્યું કે આ ફિલ્મના એક સીનમાં કરીનાએ કેટરીના કૈફ અંગે એક કૉમેન્ટ કરી છે. પણ પછી કરીનાએ આ વાતને ફગાવતાં જણાવ્યુ હતું કે એવું કશું જ નથી. પછી ફિલ્મમાં કરીના પર ફિલ્માંકન કરવામાં આવેલ સ્મૉકિંગ સીન અંગે પણ ઘણો વિવાદ સર્જાયો હતો, પણ પછી જ્યારે કોર્ટ દ્વારા ફિલ્મોમાં સ્મૉકિંગ સીન્સ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી દેવાયો, તો આ વિવાદ પણ સમાપ્ત થઈ ગયો.
હાલ તો એવી અટકળો લગાવાઈ રહી છે કે કરીનાને આ ફિલ્મ માટે નેશનલ એવૉર્ડ પણ મળી શકે છે. ચાલુ વર્ષ એમેય કરના માટે ઘણો વિશેષ છે, કારણ કે આ વર્ષે કરીના સૈફ અલી ખાન સાથે ચોરીના ચાર ફેરા લેવાની છે, તો શક્ય છે કે તેના જન્મદિને રિલીઝ થનાર આ ફિલ્મ પણ તેના માટે કઈંક ખાસ કરી જાય.