અપૂરતા પગારવધારા સામે આંગણવાડી કર્મીઓનો રાજ્યવ્યાપી વિરોધ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા કેટલાયે સમયથી રાજ્યભરમાં આંગણવાડી માં કામ કરતાં કર્મચારી તથા આશા હેલ્થ વર્કરો પોતાની વિવિધ માંગણીઓ પૂરી ન થતાં, વિરોધ પ્રદર્શન કરી પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. મંગળવારે ગાંધીનગર વિધાનસભા ખાતે ગુજરાતનું વર્ષ 2017-18નું બજેટ રજૂ થયું હતું, જેમાં આંગણવાડી તથા આશા વર્કરોને તેમની માંગણી સંતોષાવાની આશા હતી. વધુ કામના ભારણ હેઠળ દબાયેલા આંગણવાડી કર્મચારીઓને કામ સામે વેતન ઓછું મળે છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નથી, એવો તેમનો આરોપ છે.

anganwadi

અપૂરતો પાગરવધારો માન્ય નથી

બજેટમાં આંગણવાડી માટે પગારવધારાની ઘોષણા તો થઇ, પરંતુ આ અપૂરતો પગારવધારો તેમને માન્ય નથી. ગુજરાત બજેટ 2017-18માં આંગણવાડી માટે 15 ટકાનો વધારો કરાયો છે. 6 વર્ષ બાદ આંગણવાડી કર્મચારીઓના પગારમાં માત્ર રૂ.750 નો વધારો કરવામાં આવ્યો છે.

અહીં વાંચો - ગુજરાત બજેટ: હોંશે હોંશે ગાજ્યા પણ સૌ ગુજરાતી રહી ગયા તરસ્યા

વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન

આજે બુધવારના રોજ રાજ્યના વિવિધ શહેરોમાં આંગણવાડીના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ, સુરત, બનાસકાંઠા, મોરબી, રાજકોટ વગેરે જેવા શહેરોના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં 1200 કર્મચારીઓના ધરણાં

પગારવધારા અને કાયમી કરવાની માંગ સાથે બનાસકાંઠામાં આજે 1200 જેટલા આંગણવાડી કર્મચારીઓએ ધરણા ધર્યા હતા. તેઓએ જો માગણી નહીં સંતોષાય તો અચોક્કસ મુદત માટે આંગણવાડી બંધ રહેવાની ચીમકી આપી હતી. બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગણી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી કહ્યું હતું કે, આમ છતાં જો આંગણવાડીઓ બંધ રહેશે તો કર્મચારીઓ સામે પગલાં લેવાશે.

રાજકોટમાં ગરબા ગાઇ કર્યો વિરોધ

રાજકોટમાં પણ મહાનગર પાલિકા કચેરી ખાતે આંગણવાડી અને આશા વર્કરોએ વિરોધ પ્રદર્શન કરતાં બજેટ અને આંગણવાડીની સાડીની હોળી કરી હતી. મોદી સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર સાથે જ મહિલાઓએ મોદીએ આપેલા ફોગટ વાયદાઓ ગરબો લલકારી અનોખો વિરોધ કર્યો હતો. મહિલાઓનો વિરોધ ઉગ્ર બનતા પોલીસ બોલાવવામાં આવી હતી તથા પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. મહિલા કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.

English summary
Anganwadi workers protesting against CM Vijay Rupani and PM Narendra Modi.
Please Wait while comments are loading...