For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમાજમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવવા પુસ્તક દાન કરો, નરેન્દ્ર મોદીનો પત્ર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 મે: મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ 30 એપ્રિલના રોજ અમદાવાદમાં દ્વિતિય રાષ્‍ટ્રીય પુસ્‍તક મેળાનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્ર પોતે પણ પુસ્તક રસિક છે અને વાંચન અને લેખનમાં તેમની ઊંડી રુચિ છે. તેમણે આજે પુસ્તક પ્રેમિયોને પત્ર લખીને સમાજમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવવા માટે પુસ્તક દાન કરવાનું આહ્નાન કર્યું છે.

પ્રિય મિત્રો,

થોડાં દિવસ પહેલાં મેં અમદાવાદમાં બીજા રાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદઘાટન કર્યું હતું. વાંચે ગુજરાત મીશનના ભાગરૂપે આ સુંદર પહેલ કરવામાં આવી છે. ગુજરાતી જનતામાં પુસ્તકોની લોકપ્રિયતા વધારવાના નિર્ધારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નેશનલ બુક ટ્રસ્ટ સાથે મળીને ગુજરાત સાહિત્ય પરિષદ અને ગુજરાત પ્રકાશક મંડળના સહયોગથી આ પુસ્તક મેળાનું આયોજન કર્યું હતું.

ગત વર્ષે યોજાયેલ પુસ્તક મેળાને અભુતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ દરમિયાન તમામ વયજૂથના લોકોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તેમના પસંદગીના પુસ્તકો મેળવવા આ પુસ્તક મેળાની મુલાકાત લીધી હતી. ઘણાં લોકોએ પુસ્તક મેળાનું સુંદર આયોજન કરવા બદલ સત્તાવાળાઓને અભિનંદન પાઠવતા સંખ્યાબંધ પત્રો મને લખ્યાં અને ભવિષ્યમાં પણ આ પ્રકારના મેળાનું આયોજન થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી.

આ વર્ષે મોયાપાયે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તક મેળાની એક ખાસ વાત એ છે કે પુસ્તકો દાન કરવા માટે અહીં એક અલગ કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પુસ્તક મેળાની મુલાકાત લેતા કોઇપણ વ્યક્તિ આ કાઉન્ટર પર પુસ્તક દાન કરી શકે છે. પુસ્તક મેળાની મારી મુલાકાત દરમિયાન મને સરદાર પટેલ પર લખાયેલું પુસ્તક દાન કરવાની તક મળી.

આવા પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પુસ્તકો દાન કરવા યોગ્ય વાતાવરણ સર્જવાનું છે. જેનાથી સમાજના એવા વર્ગોને પણ પુસ્તકો મળી રહે જેમના સુધી પુસ્તકો હજી સુધી પહોંચી શક્યાં નથી અથવા તેમના સુધી પુસ્તકોની પહોંચ ખુબજ ધીમી છે. વાંચનના શોખને તમામ લોકો સુધી વિસ્તારવાની અને આપણી આસપાસના વિશાળ સમાજને શિક્ષણનો લાભ આપવાની અમારી પ્રતિબદ્ધતા છે. આ પ્રયાસો અંદાજપત્રિય ફાળવણી અથવા સરકારના કાર્યક્રમો કરતાં ઘણાં વિશેષ છે. આ એક સામુહિક પહેલ છે કે જેની આપણા સમાજ પર સકારાત્મક અસર જોવા મળશે. આ આપણા મૂલ્યો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે.

આ વર્ષના પુસ્તક મેળામાં યુવાનો અને બાળકોની મોટી સંખ્યા જોઇને મને ખુબજ આનંદ થયો. યુવાનો વાંચન તરફ પ્રેરાય તે બાબત પર મેં હંમેશાથી ભાર મૂક્યો છે. આ બાબતે ટેકનોલોજી અને પેકેજિંગ પણ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી શકે તેમ છે. આપણે ધીમે-ધીમે એક એવા યુગ તરફ ડગ માંડી રહ્યાં છે કે જેમાં માઉસની એક ક્લિક પર સમગ્ર લાઇબ્રેરી ઉપલબ્ધ બની જશે. મેં જોયું છે કે ઘણાં યુવાનો તેમના ટેબલેટ કમ્પ્યુટર પર ઇ-બુક વાંચતા હોય છે. આ આપણા માટે એક સારી તક છે. યુવાનોમાં પુસ્તક વાંચવા માટેનો શોખ પેદા કરવા માટે આપણે ટેકનોલોજીનો સહયોગ લેવો જ જોઇએ.

ટેકનોલોજી સાથે પેકેજિંગ પણ આ દિશામાં મહત્વપૂર્ણ બદલાવ લાવી શકે છે. પંચરત્ન સિરિઝ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સિરિઝ યુવાનોમાં ખુબજ પ્રચલિત બની હતી કારણકે તેમાં ટેકનોલોજી અને અસરકારક પેકેજિંગનો સુમેળ હતો. ઉલ્લેખનીય છે કે અમર ચિત્ર કથા પણ નવેસરથી રજૂ કરતા તે યુવાનોમાં પ્રચલિત બની હતી અને તેની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હતો. પુસ્તકોની સરખામણીમાં વિડિયો ગેમનું ચલણ વધારે છે તેવા સમયમાં આપણે એવી વિડિયો ગેમ તૈયાર કરવા અંગે વિચારવું જોઇએ કે જે પુસ્તકોના વાંચન પ્રત્યે રસ પેદા કરી શકે.

ગુજરાતમાં વાંચનનો શોખ પેદા કરવા માટે અમે વિવિધ પહેલ કરી રહ્યાં છીએ. ‘ફ્લોટિંગ બુક્સ પ્રોગ્રામ,' અમારી વિશેષ પહેલ છે જેમાં એક ચોક્કસ પુસ્તકની મિત્રોના ગ્રુપ વચ્ચે આપ-લે કરવામાં આવશે. એક વ્યક્તિ પુસ્તકનું વાંચન પૂર્ણ કરે ત્યારબાદ તે અન્ય વ્યક્તિને તે પુસ્તક આપશે. આનાથી આર્થિક લાભ થશે અને હિસ્સેદારી વધશે.

મિત્રો, સમયકાઢીને પુસ્તક મેળાની મુલાકાત લેવાની હું તમને અપીલ કરું છું. હું મારા યુવાન મિત્રોને ખાસ અપીલ કરું છું કે પુસ્તક મેળાની મુલાકાત લઇને વિવિધ વિષયો પર ચર્ચા કરો અને લેખકોને પ્રોત્સાહન આપો. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે શક્ય હોય તો પુસ્તક દાન કરો. યાદ રાખો કે તમે માત્ર પુસ્તક દાન નથી કરી રહ્યાં, પરંતુ અન્ય કોઇને જીવન આપી રહ્યાં છો. તમે એક એવી ચીજ આપી રહ્યાં છો કે જે માતા સરસ્વતીનું સ્વરૂપ છે. આનાથી અન્ય કોઇ વ્યક્તિના મનમાં જિજ્ઞાસા અને જ્ઞાન પેદા થશે.

આપનો
નરેન્દ્ર મોદી

English summary
Gujarat Chief Minister Narendra Modi penned his thoughts and beliefs regarding education and power of books which can ignite the spark of knowledge in our society. Writing his blog, the Chief Minister shares his experience of inaugurating 2nd Ahmedabad National Book Fair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X