ખોડલધામ ટ્રસ્ટે આપ્યું રૂપાણીને સમર્થન, ચૂંટણી પહેલા ભાજપને ફાયદો
2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શનિવારે પહેલા તબક્કાનું મતદાન છે. રાજકોટ પશ્ચિમથી લડી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ભાવિ પણ શનિવારના આ મતદાનમાં નક્કી થશે. ઉલ્લેખનીય છે કે આટલા દિવસ પાટીદાર અનામત આંદોલનના અને રાજકોટમાં પાટીદારોની મોટી સંખ્યા હોવાના કારણે, રૂપાણીની જીતની સ્થિતિ ગંભીર જણાતી હતી. પણ મતદાનના ગણતરીના કલાકો પહેલા જ પાટીદારોની મહત્વની ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટે લેવાઉ પટેલ સમાજનું સમર્થન વિજય રૂપાણીને આપવાની જાહેરાત કરી છે. જેના કારણે ભાજપના શ્વાસમાં શ્વાસ આવ્યો છે.
તો ખોડલધામનું સમર્થન મળ્યા પછી મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખાલી લેઉવા જ નહીં સમગ્ર પાટીદાર સમાજ તેમની સાથે છે. નોંધનીય છે કે આજે હાર્દિક પટેલના ડાબો હાથ મનાતા દિનેશ બાંભણીયાએ પાસમાંથી રાજીનામું આપી દીધું હતું. અને આંદોલન બીજી દિશામાં જઇ રહ્યું છે તેમ જણાવી હાર્દિકની મુશ્કેલી વધારી હતી. તો બીજી તરફ સુરતમાં પાસ સમિતિના સહ કન્વીનર વિજય માંગુકિયાએ રાજીનામું આપ્યું છે. અને આ વાતની વચ્ચે ખોડલધામ ટ્રસ્ટે રૂપાણીનું સમર્થન કરતા ભાજપને ચૂંટણી પહેલા જાણે કે સંજીવની મળી ગઇ છે.