
જાણો તમારા ઉમેદવારને: વટવાથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં વટવા વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે પ્રદીપસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી છે. તો પ્રદીપસિંહ જાડેજા વિષે થોડુ જાણીએ. પ્રદીપસિંહ જાડેજા હાલ ગુજરાત સરકારમાં ગૃહમંત્રી તરીકે કાર્યરત છે. તેમણે વર્ષ 2002માં પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડી હતી. તે બાદ 2008ના સીમાંકન બાદ વટવા બેઠક અસ્તિત્વમાં આવી અને 2012ની વિધાનસભાની ચૂંટણી પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પરથી લડ્યા હતા.
2012માં યોજાયેલી ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર પટેલ અતુલકુમાર રવજીભાઈને હરાવ્યા હતા. 95,580 ના જંગી મતોથી પ્રદીપસિંહ વિજેતા બન્યા હતા. myneta.in પરથી મળતી માહિતી અનુસાર તેમના પિતાનું નામ ભગવતસિંહ જાડેજા છે. પ્રદીપસિંહનો જન્મ અમદાવાદમાં 1 જુન 1962ના રોજ થયો હતો. તેઓએ ગુજરાત યૂનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છો. તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમની પત્નીનું નામ પ્રસન્નાકુવરબા છે. તેઓ ગૃહિણી છે. તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો લગભગ 2 કરોડ જેટલી સંપત્તિના તેઓ માલિક છે. તેમનો મુખ્ય વ્યવસાય કેમિકલ બિઝનેસનો છે. આ ઉપરાંત તેમને ક્રિકેટ રમવું પણ ગમે છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.