
અમદાવાદમાં RAFની ફ્લેગ માર્ચ, 44 લોકોની અટકાયત
મંગળાવારે રાત્રે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વિવિધ મોલમાં તોડફોડ થયા બાદ બુધવારે એક્શન ફોર્સની ફ્લેગમાર્ચ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 25 જાન્યુઆરીએ 'પદ્માવત' ફિલ્મ રીલીઝ થવાની છે ત્યારે રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી છે. આ ફ્લેગ માર્ચ હિમાલયા મોલ પાસે થઈ હતી, તેને થલતેજ ચાર રસ્તાના એક્રોપોલિસ મોલ સુધી લંબાવવામાં આવશે. પોલીસ પલટનના ખડકલાને લીધે હાલમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને જે લોકો નુકસાનનો ભોગ બન્યા છે તેવા લોકોએ બુધવારે સવારથી ફરિયાદ નોંધાવવાનું શરૂ કરતા તોફાની ટોળાં વિરૂદ્ધ આશરે 44 ફરિયાદો નોંધાઈ છે. આ મામલે કુલ 4 ગુના નોંધાયા છે, 3 વસ્ત્રાપુર અને 1 સેટેલાઇટ પોલીસ મથકમાં. રમખાણ અને જનતાને નુકસાનના મામલે કુલ 44 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદના હિમાલય મોલની બહારના 34, પીવીઆરમાં 10 અને આલ્ફા વનમાં કુલ 5 વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ મામલે હજુ પણ વીડિયોગ્રાફી અને સીસીટવી ફૂટેજને આધારે તપાસ કરવામાં આવી રહી છે. પીએસઆઇ વી.આર.પટેલ પર પણ હુમલો કરવમામાં આવ્યો હતો, જે માટે કલમ 307 લગાવવામાં આવી છે. તપાસ માટે આરએએફ અને એસઆરપીએફની પણ મદદ લેવાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પદ્માવતને લઈ દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે મંગળવારે રાત્રે અમદાવાદમાં પણ પથ્થરમારો અને આગજનીના બનાવો જોવા મળ્યા હતા. કરણી સેના અને રાજપૂત સમાજના લોકો દ્વારા મંગળવારે શહેરમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. તે દરમિયાન પી.વી.આર સિનેમા પાસે કેટલાક અસમાજિક તત્વોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને બહાર રહેલા કેટલાક બાઈકમાં આગ લગાવી હતી. ત્યારબાદ હિમાલયા મોલ પાસે પણ ટોળાએ 25 જેટલા બાઈકમાં આગ લગાવી દીધી હતી અને ડોમિનોઝ પીઝાના ડીલીવરી વાહનો પણ સળગાવી દીધા હતા તેમજ પથ્થરમારો કર્યો હતો. તેમાં અનેક દુકાનોના કાચ તુટી ગયા હતા. પોલીસ દ્વારા કેટલાક અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કરણી સેના અને રાજપૂત સમાજના પ્રભાવિત વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો સરકાર દ્વારા આર્મીને એલર્ટ પર રાખવામાં આવી છે. આ તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.
